ફિલ્મને ટક્કર મારે તેવું ઇન્કમટેક્સનું સીરામીક ઓપરેશન : મોરબીનું લેવીસ ગ્રુપ કઈ રીતે આવ્યું ITની રડારમાં? વાંચો ઈનસાઈડ સ્ટોરી
ફિલ્મોમાં રેઇડ જોઈ છે… પણ આ વખતે સ્ક્રીન પર નહીં, વાસ્તવિક જીવનમાં કરોડોની ટેક્સચોરી પકડી પાડનારાઓ રીઅલ હીરો સાબિત થયા છે! સૌરાષ્ટ્ર-કચ્છમાં એકસાથે અઢી ડઝનથી વધુ સ્થળોએ પડેલા આઈ.ટી.ના દરોડા બાદ ચકચાર મચી ગઈ છે. મોરબીના જાણીતા લેવીસ ગ્રુપ સહિત કંપનીઓ પર પડેલા આ દરોડોમાં કરોડોની કરચોરી સામે આવતા સનસનાટી ફેલાઈ છે.
રાજકોટ ઇન્વેસ્ટિગેશન વીંગે આ વર્ષનું સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એકસાથે અઢી ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડીને કરોડોની કરચોરી ઝડપવામાં ટીમને અભૂતપૂર્વ સફળતા મળી છે. આ કામગીરીમાં મેરેથોન આઈ.ટી. વીંગની ટીમે અગત્યની ભૂમિકા ભજવી છે.
કઈ રીતે મોરબીનું લેવીસ ગ્રુપ રડારમાં આવ્યું..?
મોરબીના જાણીતા લેવીસ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર હાથ ધરાયેલા આ મેગા સર્ચ ઓપરેશન પાછળ અધિકારીઓની 8 મહિનાની સતત મહેનત છે. આ રેઇડ ફિલ્મી હીરોના નહીં પરંતુ રીઅલ હીરો આઈ.ટી. અધિકારીઓની વ્યૂહરચના અને ચાતુર્યનું પરિણામ છે.આઈ.ટી. વિભાગ કોઈપણ દરોડા પહેલાં મહિનાઓ સુધી તપાસ, માહિતી સંગ્રહ અને કડક રેકી કરે છે. મોરબી અને રાજકોટના સીરામીક ગ્રુપની કામગીરી અંગે મળેલી માહિતી બાદ દરોડાની સંપૂર્ણ યોજના ઘડાઈ. મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર, બિલમાં પ્રોફિટ માર્જિન ઓછું બતાવવું અને ટેક્સચોરી જેવા મુદ્દા સામે આવતા આખું મિશન ઓપરેશન ગોઠવાયું.
આ પણ વાંચો : ભાવેણા ભાવનગરે તો વટ પાડી દીધો…વડાપ્રધાન મોદીએ જંગી સભા સંબોધી,કહ્યું-બધા જ દુઃખોની એક દવા છે આત્મનિર્ભર ભારત
આઠ મહિનાની રેકી અને માઈક્રોડિટેલ
રાજકોટ ઇન્વેસ્ટિગેશન ટીમે મોરબી અને રાજકોટના સંચાલકોની દૈનિક પ્રવૃત્તિઓ પર નજર રાખી. તેઓ ક્યાં જતાં હતાં, કોને મળતાં હતાં, બિઝનેસ મિટિંગ્સમાં શું ચર્ચા થતી હતી સહિત માઈક્રોડિટેલ એકઠી કરવામાં આવી. મોરબીમાં ડેરો તાણીને અધિકારીઓએ દિવસ-રાત રેકી ચાલુ રાખી હતી.
આ પણ વાંચો : બોગસ દસ્તાવેજ કૌભાંડમાં તમામ નોંધો રદ્દ કરવા રાજકોટ કલેકટરનો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો
ભાષાકીય અવરોધ દૂર કરવા ગુજરાતી શીખ્યા
અધિકારીઓએ માત્ર રેકી જ નહીં પણ ભાષાકીય અવરોધ દૂર કરવા માટે ગુજરાતી ભાષા પણ શીખી. સ્થાનિક લોકો અને ગ્રુપના સભ્યો સાથે સરળતાથી વાતચીત કરી શકે તે માટે અધિકારીઓએ ગુજરાતીમાં સંવાદ શરૂ કર્યો હતો.ટીમે સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખી. કંપની સંચાલકોના પ્રવાસ, કોનફરન્સ, બિઝનેસ ટ્રીપ જેવી માહિતી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા મેળવી. આ ડિજિટલ ટ્રેકિંગને કારણે પણ ટીમને સચોટ માહિતી મળી.આ રીતે 8 મહિનાના કોન્ક્રીટ લેશન બાદ આઈ.ટી.નું સુપર ઓપરેશન પાર પડ્યું. અનેક સ્થળોએ પડેલા દરોડામાંથી કરોડોની કરચોરી સામે આવી છે. આ ઓપરેશન સૌરાષ્ટ્ર-કચ્છના ઈતિહાસમાં એક યાદગાર અને મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે નોંધાઈ ગયું છે.
ભૂતકાળમાં પણ બિલ્ડરને ત્યાં અધિકારીએ નોકરી કરી હતી
વર્ષ 2022માં રાજકોટમાં એક બિલ્ડરને ત્યાં મોટા પાયે દરોડા પડ્યા હતા.જે આઈ.ટી.માટે ગોલ્ડન રેઇડ સાબિત થઈ હતી. ત્યાં કઈ રીતે ટેક્સચોરી થતી હતી..? તે જાણવા માટે રાજકોટ આઈ.ટી.વિંગના એક બાહોશ અધિકારી રાજકીય કનેક્શન ધરાવતાં બિલ્ડરને ત્યાં થોડા સમય માટે નોકરીએ રહ્યા હતાં. એટલું જ નહીં નોકરી બાદ થોડા દિવસ અધિકારીએ સ્કૂટર લઈને બિલ્ડરની પાછળ રેકી કરી હતી.
