વડોદરામાં મોદીએ આપ્યુ નવું સૂત્ર : મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમ નવી ઊંચાઈઓ સર કરી રહી છે. C – 295 એર ક્રાફ્ટ ફેક્ટરી નવા ભારતની નવી કાર્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ પ્લાન્ટથી બંને દેશો વચ્ચેનાં સંબંધો મજબૂત થવાની સાથે ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નાં અભિયાનને વેગ મળશે.
આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારતે દસ વર્ષ અગાઉ નક્કર પગલાં લઈ ડિફેન્સ ઉત્પાદન વધારવા એક લક્ષ સાથે નવા પથ પર ચાલવાનું નક્કી કર્યું જેનું પરિણામ આજે આપના સૌની સમક્ષ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્દઘાટન કર્યું હતું. આ અવસરે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ.જયશંકર, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે ફાઈનલ એસેમ્બલી લાઈન પ્રોસેસ એન્ડ ઇન્ડસ્ટ્રીઅલાઈઝેશનની મુલાકાત લઈ ટાટા એડવાન્સ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવેલા પ્રથમ મેક ઈન ઈન્ડિયા એરબસ સી – ૨૯૫ના ભાવિ મંચ અને તકોની ઝાંખી નિહાળી એરક્રાફટના વિવિધ સ્કેલ મોડેલ અને વોલ પોસ્ટર અને ભારતીય વાયુ સેનામાં સામેલ એરક્રાફટનું નિરીક્ષણ પણ કર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વડોદરા ખાતે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિ. ની ફાઇનલ એસેમ્બ્લી લાઇન (FAL) C-295 એરક્રાફ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટનએ ભારતની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. જે ભારતના ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ (સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન) ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ છે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ નેતૃત્વની પ્રસંશા કરવાની સાથે જણાવ્યું કે સી ૨૯૫ એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સનું પ્રતિક છે.આ પ્રોજેક્ટથી ભારત – સ્પેનની દોસ્તી વધુ મજબૂત બની છે. ભવિષ્યમાં ભારતને ટેકનોલોજી ટ્રાન્સફરનો સંકેત આપતા તેમણે જણાવ્યું કે આ ઔધોગિક સહયોગ ઇજનેરો અને ટેકનિશીયનોની તાલીમ અને ઘડતરના દ્વાર ખુલ્યા છે.સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે.તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે. આ પ્રોજેક્ટ એમએસએમઇના વિકાસને વેગ આપશે.
મોદી અને સાંચેઝે અચાનક રોડ શો રોક્યો અને વિકલાંગ દીકરીને મળ્યા

વડોદરામાં પ્રવાસે આવેલા સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હતો. તેમનો રોડ શો વડોદરા એરપોર્ટથી ટાટા પ્લાન્ટ સુધી લગભગ સાડા ત્રણ કિલોમીટરનો હતો. રોડ શોને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને રૂટની બંને તરફ મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે આવ્યા હતા. આ દરમિયાન ઘણા લોકો પોસ્ટર અને બેનરો સાથે ઉભા હતા. આ દરમિયાન પીએમ મોદીના રોડ શોની અંદર એક અનોખું દ્રશ્ય પણ જોવા મળ્યું હતું. જ્યાં એક વિકલાંગ વિદ્યાર્થીની પીએમ મોદીની પાસે પેઇન્ટિંગ સાથે રોડ શોમાં પહોંચી હતી.
વડોદરામાં જ્યારે રોડ શો આગળ વધી રહ્યો હતો ત્યારે વડાપ્રધાનની નજર રસ્તાના કિનારે ઉભેલી એક વિકલાંગ વિદ્યાર્થીની પર પડે છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝેની તેમના હાથથી બનાવેલી તસવીર લઈને રોડ શોમાં પહોંચી હતી. તે જોઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સુરક્ષાકર્મીઓને આ પેઇન્ટિંગ લાવવા કહે છે અને પેઇન્ટિંગ જોઈને પીએમ મોદી અને પેડ્રો સાંચે ખૂબ જ ખુશ થયા હતા. વિદ્યાર્થીની પેઈન્ટિંગ જોઈને બંને નેતાઓ એટલા ખુશ થઈ ગયા કે તેઓ પોતે જ રોડ શોને અધવચ્ચે રોકીને તેઓ વિદ્યાર્થીનીને મળવા પહોંચિ જાય છે.