રાજકોટના સરધાર ખાતે પ્રસિદ્ધ હરિહરાનંદજી આશ્રમની જમીન પ્રકરણમાં ખેડૂત ન હોવા છતાં મહંતે ખરીદેલી 46 વીઘા જમીન ખાલસા
રાજકોટ તાલુકાના સરધાર ગામે આવેલ પ્રસિદ્ધ હરિહરાનંદજી આશ્રમ જમીન વિવાદમાં આવ્યો છે. અંદાજે 125 વર્ષ જુના ઐતિહાસિક હરિહરાનંદજી આશ્રમના મહંત દ્વારા ખેતીની અલગ -અલગ ચાર જમીન વેચાણથી ખેરીદવાની સાથે 2 ગુંઠા જમીન કુવા ધોરીયાના હેતુ માટે સરકારમાંથી મેળવ્યા બાદ આશ્રમના મહંતના અવસાન થતા વર્ષ 2007માં વારસદાર દ્વારા વારસાઈ નોંધ દાખલ કરવા આવી હતી જે નોંધ વર્ષ 2009માં તકરારી બનતા જિલ્લા કલેકટર દ્વારા ખેડૂત ખાતેદાર ન હોવા છતાં ખેતીની જમીન ખરીદવા પ્રકરણમાં સૌરાષ્ટ્ર ઘરખેડ વટહુકમના ભંગ બદલ પગલાં ભરવા આદેશ કરવામાં આવતા રાજકોટ સીટી પ્રાંત-2 મદદનીશ કલેકટર મહક જૈન દ્વારા સમગ્ર મામલે કેસ ચલાવી આશ્રમની 46 વીઘા જમીન ખાલસા કરી સરકાર હસ્તક લેવા હુકમ કરવાની સાથે જંત્રીની ત્રણ ગણી રકમ વસૂલવા હુકમ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આવેલ રાજકોટ તાલુકાના સરધાર ગામે અંદાજે 125 વર્ષથી જૂનો હરિહરાનંદજી આશ્રમ આવેલ છે. હાલ હરિહરાનંદજી ચેરીટેબલ ટ્રસ્ટના નામે ચાલી રહેલા આશ્રમના મહંત સ્વ.રામેશ્વરાનંદજી ગુરુશ્રી હરીહરાનંદજી દ્વારા 1987માં જમીન ખરીદ કરવાં આવ્યા બાદ વર્ષ 2000, 2001, 2003 અને 2004માં અલગ અલગ જમીન ખરીદવામાં આવતા ગામ દફ્તરે જમીનની નોંધ મંજુર કરવામાં આવી હતી. સાથે જ રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં કુવા ધોરીયા માટે જમીનની માંગણી કરવામાં આવતા વર્ષ 1997માં 2 ગુંઠા જમીન ફાળવવામાં આવી હતી. જો કે, વર્ષ 2006માં રામેશ્વરાનંદજી ગુરુશ્રી હરીહરાનંદજીનું અવસાન થતા વારસદાર નિર્મળાનંદજી ગુરૂશ્રી રામેશ્વરાનંદજીએ સીધી લીટીના વારસદાર તરીકે નોંધ દાખલ કરવામાં આવતા નોંધ મંજુર થયા બાદ નોંધ તકરારી બની હતી અને વર્ષ 2009માં આ નોંધ રદ કરવાંમાં આવી હતી.સાથે જ 1987-88માં જમીન ખરીદીની નોંધની ચકાસણી બાદ જમીન ખરીદનાર આશ્રમના મહંત રામેશ્વરાનંદજી ગુરુશ્રી હરીહરાનંદજી ક્યાંના ખાતેદાર હતા તે સહિતની કોઈ સ્પષ્ટતા થતી ન હોય મામલતદાર દ્વારા બિન ખેડુત ખાતેદાર અન્વયે કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ રામેશ્વરાનંદજી ગુરુશ્રી હરીહરાનંદજી ખાતેદાર ખેડુત ન હોવા છતાં ખોટી રીતે ખેતીની જમીન ખરીદી કરી કલમ–૫૪ નું ઉલ્લંઘન કરતા સૌરાષ્ટ્ર ઘરખેડ ટેનન્સી સેટલમેન્ટ એન્ડ એગ્રીકલ્ચર લેન્ડઝ ઓર્ડીનન્સ–૧૯૪૯ની કલમ-54 મુજબ પગલાં લેવા જિલ્લા કલેકટર દ્વારા વર્ષ 2023માં આદેશ કર્યો હતો જેને પગલે પ્રાંત અધિકારી રાજકોટ-સીટી-2 મહક જૈન દ્વારા શરતભંગ ચલાવી મહેસુલી કાયદાના અર્થઘટન મુજબ કડક ચુકાદો આપી વટહુકમની કલમ-54 ના ભંગ સબબ કલમ-૭૫ મુજબ પગલા લઈ તમામ વ્યવહારો ગેરકાયદેસર ઠેરવી અનઅધિકૃત કબ્જેદારો સામે સંક્ષિપ્ત કાર્યવાહી કરી રાજકોટ તાલુકા મામલતદારને તમામ જમીન સરકાર હસ્તક લેવા હુકમ કર્યો હતો. સાથે જ ખેડૂત ન હોવા છતાં આશ્રમના મહંત દ્વારા ખેતીની જમીન ખરીદવા પ્રકરણમાં જમીનની જંત્રી કિંમતનો ત્રણ ગણો દંડ વસૂલવા હુકમ કર્યો હતો.
આશ્રમના મહંત દ્વારા ક્યારે કઈ જમીન ખરીદ કરવામાં આવી
- માવજીભાઈ રૂડાભાઈ પાસેથી 1987માં 6 એકર 07 એકર જમીન ખરીદી
- મેઘાભાઈ હરિભાઈ મકવાણા પાસેથી વર્ષ 2003માં 4 એકર 20 ગુંઠા જમીન ખરીદી
- જેઠાભાઈ ડાયાભાઈ પાસેથી વર્ષ 2001માં 4 એકર જમીનની ખરીદી
- અમરાભાઈ ભીખાભાઈ પાસેથી વર્ષ 2001માં 4 એકર જમીન ખરીદી
- રાજકોટ તાલુકા મામલતદાર પાસેથી વર્ષ 1979માં 2 ગુંઠા જમીન કુવા માટે મેળવી
સમગ્ર જમીન ટ્રસ્ટના નામે આપવા દલીલો કરી
રાજકોટના સરધાર ગામે ખેડૂત ન હોવા છતાં હરિહરાનંદજી આશ્રમના મહંત દ્વારા ખેતીની જમીન ખરીદી પ્રકરણમાં સૌરાષ્ટ્ર ઘરખેડ વટ હુકમ મુજબ કેસ દાખલ કરવામાં આવતા વર્તમાન મહંત દ્વારા કાયદાકીય અજ્ઞાનતાને કારણે જમીન ટ્રસ્ટના બદલે મહંતના નામે ખરીદ કરવામાં આવી હોવાથી ભૂલ ગણીને માફ કરવા તેમજ ચેરિટી કમિશનર સમક્ષ તમામ જમીન ટ્રસ્ટના નામે ચડાવવા માટે મંજૂરી મેળવી હોવાના પુરાવા રજૂ કરવા જમીન ખાલસા નહીં કરવા દલીલ કરવામાં આવી હતી પરંતુ મદદનીશ કલેકટર દ્વારા તમામ દલીલો ફગાવી દઈ સૌરાષ્ટ્ર ઘરખેડ વટ હુકમ મુજબ પગલાં ભરવા હુકમ કર્યો હતો.
