રાજકોટમાં જાપ્તા અને જેલ વચ્ચે બીમાર કેદીઓને મળે છે ‘ખો’! બન્ને વિભાગના છલક છલાણા વચ્ચે સારવાર વાંકે દર્દી કણસે જેવી સ્થિતિ ?
રાજકોટ શહેર પોલીસ અને જેલ પ્રશાસન વચ્ચે પુરતો જાપ્તો (પોલીસ બંદોબસ્ત) ફાળવણીના અભાવે બીમાર દર્દીઓનો ‘ખો’ નીકળી રહ્યો હોવાની બુમરાણ ઉઠી છે. બન્ને વિભાગના છલક છલાણા કે સ્પષ્ટતાના અભાવ જેવી નીતિથી સમયસર પોલીસ જાપ્તો ન મળતો હોવાથી દર્દી સારવાર અભાવે કણસે જેવી સ્થિતિ હોવાની પણ વાતો ઉઠી છે. એવી પણ ચર્ચા છે કે બંદોબસ્ત ફાળવવામાં પણ પક્ષાપક્ષી ચાલી રહી છે.
રાજકોટ જેલમાં બંધ કેદીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ કે બહાર લઈ જવાના હોય તો જેલ સત્તાવાહકો દ્વારા નિયમ મુજબ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં જવાબદાર કે સંબંધિત અધિકારીને લેખિત જાણ અને બંદોબસ્ત કેટલો જોઈતો હોય છે તેવી માગણી કરાતી હોય છે. થોડા સમયથી એવી વાત ઉઠી રહી છે કે પોલીસ હેડ ક્વાર્ટરમાંથી જેલ પ્રશાસનને પુરતો પોલીસ જાપ્તો મળતો નથી જેના કારણે જેલ પ્રશાસનની સ્થિતિ પણ એવી થઈ પડેલ છે કે ક્યાં કેદીને સારવારમાં મોકલે, કોને ન મોકલે ?
આ પણ વાંચો : સીઝન ટાણે જ ખાતરની પળોજણ : ચાર ડીલરના લાયસન્સ સસ્પેન્ડ, ખેતીવાડી શાખાનું આકરૂ પગલું
પોલીસ બંદોબસ્ત પુરતો ફાળવાતો નથી અથવા તો જેલ પ્રશાસન તબીબ વર્તુળ દ્વારા ઈમરજન્સી લખીને અપાયું હોય તેવા દર્દીઓને જ જાપ્તો ફાળવવામાં આવે છે. જેલ પ્રશાસન દ્વારા જ્યારે બીમાર કેદીઓને સિવિલમાં લઈ જવાનો રિપોર્ટ અપાતો હોય છે અને અપુરતો જાપ્તો ફાળવાયો હોવાથી ચોક્કસ દર્દીઓને જ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવે છે. જાપ્તા ફાળવણીમાં પણ પક્ષાપક્ષી ચાલી રહ્યાની ભારે ચર્ચા કે આક્ષેપો છે. જેલમાં શરદી, તાવ કે કોઈ દુઃખાવો આવી સામાન્ય અન્ય બીમારીઓ માટે જેલમાં જ સારવાર કેન્દ્ર હોય છે અને ત્યાં સિવિલ હોસ્પિટલના તબીબો જ ફરજ બજાવતા હોય છે. જો વધુ સારવારની જરૂર હોય અથવા તો જેલમાં સારવાર સંભવ ન હોય તો સિવિલ હોસ્પિટલ માટે તબીબો દ્વારા અભિપ્રાય કે રિપોર્ટ અપાતો હાય છે એ આધારે જેલ પ્રશાસન પોલીસ બંદોબસ્તની માગણી કરતો હોય છે.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક કાર્ગો સેવાનો પ્રારંભ: 10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત મોકલી શકશે પાર્સલ, ઉદ્યોગપતિઓને પણ ફાયદો
એવી ચર્ચા કે વાતો ઉઠી છે કે જેલમાંથી આવતા નામો કે લિસ્ટમાં ચોક્કસ કે માંગ્યા હોય એથી ઓછા માટે બંદોબસ્ત ફાળવણી થાય છે અને જે બંદોબસ્ત મળ્યો હોય એ મુજબ જેલ સત્તાવાહકો દ્વારા એ કેદીઓને સારવાર માટે મોકલવામાં આવે છે.
જેલ અને જાપ્તા વચ્ચે બીમાર કેદીઓનો “ખો નીકળી રહ્યો છે. એવું હજુ સુધી ઓનપેપર નથી આવ્યું જેથી ‘જો’ અને ‘તો’ કે ચર્ચા માનવી રહે પરંતુ ખોળ અને ગોળ જેવી નીતિ કે આવું ખોટું થતું હોય તો ખરેખર નીંદનીય કહેવાય કારણ કે કેદી પણ આખરે તો માનવી જ છે ને.
વ્હાલા-દવલા જેવું થતું હોય તો DCP, CPએ તપાસ કરાવવી જોઇએ!
ક્યારેક એવું બનતું હોય કે રાજકોટ શહેરમાં કે અન્યત્ર પોલીસને કોઈ કાર્યક્રમોમાં બંદોબસ્ત ફાળવાયો હોય ત્યારે કે એ દિવસ સમય દરમિયાન જેલમાં પુરતો જાપ્તો ન ફાળવી શકે પરંતુ કોઈ આવા કાર્યક્રમો ન હોય અને પોલીસ હેડ ક્વાર્ટરમાં પુરતો સ્ટાફ હોય છતાં જો જેલમાં દર્દીઓની સારવાર માટે માગેલો જાપ્તો ન ફાળવાતો હોય કે જાપ્તો આપવામાં ગડમથલ, ગોલમાલ, વ્હાલા-દવલાની નીતિ ચાલતી હોય તો યોગ્ય ન કહેવાય. જો ત્યાં સ્થાનિક સ્તરેથી આવું થતું હોય, કોઈનો દોરીસંચાર હોય તો પોલીસ હેડ ક્વાર્ટરનો હવાલો સંભાળતા DCP પૂજા યાદવે આ તરફે ધ્યાન દેવું જોઈએ, તપાસ થવી જોઈએ, કદાચ DCPના ધ્યાન બહાર રહી જાય તો પોલીસ કમિશનરે સમગ્ર મામલે સત્ય શું છે તે તપાસ કરાવવી જોઈએ અને જો ગડબડ થતી હોય તો જવાબદારો સામે પગલાં ભરાવા જોઈએ.
આ પણ વાંચો : રાજકોટમાં પ્રેયસી બાબતે માતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા ધર્મના ભાઇની હત્યા : યુવતી સહીત 3 શખસોની ધરપકડ
પોલીસ કેમ નક્કી કરી શકે કે આ કેદીને જ સારવારની જરૂર છે?
જેલમાંથી તબીબ રિપોર્ટના આધારે કેદીઓને સિવિલમાં સારવારમાં લઈ જવા માટે બંદોબસ્ત (જાપ્તો) મંગાતો હોય છે જેમાં પોલીસ કેવી રીતે નક્કી કરી શકે કે આ કેદીને જ સારવારની જરૂર છે. પેલા કેદીને નહીં લઈ જાઈ કે બંદોબસ્ત નહીં અપાય તો ચાલશે. પુરતો બંદોબસ્ત ન મળતો હોવાથી જે કેદીઓને સારવારમાં ન લઈ જવામાં આવે તે કેદીઓની નારાજી જેલ પ્રશાસન પર ઉતરતી હોય અથવા કેદીઓને એવું થતું હશે કે જેલવાળા વ્હાલા-દવલાની નીતિ રાખે છે. આવો ગણગણાટ જેલ વિભાગ સાથે સંકળાયેલા કર્મીઓમાં પણ હશે.