રાજકોટમાં ATM સેન્ટરોમાં ગ્રાહકોને નાણા માટે થતી રઝળપાટ
મશીનમાં ફોલ્ટ અથવા એજન્સી દ્વારા atm સેન્ટરમાં નાણા જમા કરાવવામાં દાંડાઈ
રાજકોટ શહેરના રહેણાંક વિસ્તારોમાં આવેલા રાષ્ટ્રીયકૃત તેમજ ખાનગી બેન્કોના મોટાભાગના atm સેન્ટરોમાં ગ્રાહકોને નાણા માટે રઝળપાટ થતી હોય છે. ત્યારે ગ્રાહકોને છતે પૈસે શહેરના જુદા-જુદા atm સેન્ટરોમાં નાણા મેળવવા માટે દોડધામ કરવી પડે છે. સાથો સાથ બેન્કો દ્વારા ખાનગી એજન્સીઓને નાણા ભરવા માટે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તેઓ તરફથી અનિયમિત રીતે atm સેન્ટરોમાં નાણા ભરવા માટે આવતા હોય છે. બીજી તરફ atmમાં સામાન્ય ફોલ્ટના પગલે તેમજ સ્ક્રીન ઉપર ઇમેજ ન આવવી તેવા કારણોસર ગ્રાહકોને નાણા મળતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, atm સેન્ટરમાં ગ્રાહકો માટે હેલ્પલાઈન નંબર દર્શાવવામાં આવેલો છે તે શોભાના ગાંઠિયા જેવો છે. મોટાભાગે આવો નંબર ક્યારેય રિસિવ થતાં નથી. બીજી તરફ બેન્કોમાં બીજો શનિવાર તેમજ ચોથા શનિવારે જાહેર રજા હોવાથી atm સેન્ટરોમાં પણ ગ્રાહકોને નાણા મળવા મુશ્કેલ બની જાય છે. આવા સંજોગામા ગ્રાહકો ના છૂટકે ઈ-કોર્નરમાં આવેલા cdm મશીન (કેશડિપોઝિટ)માંથી નાણા મેળવતા હોય છે. હકીકતમાં આ cdm મશીન ગ્રાહકોને નાણાં જમા કરાવવા માટે atm સેન્ટરોમાં રાખવામાં આવે છે.
