એક ફૂલ દો માલી: રાજકોટમાં મહિલાએ પરિચિત સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા, ત્રિપુટી વચ્ચે ચાલતી માથાકૂટમાં ઢીમ ઢાળી દીધું,બન્ને આરોપીની ધરપકડ
રાજકોટમાં 2026ના વર્ષના આરંભે પ્રથમ માસમાં મકરસંક્રાંતિના પર્વે જ ગઈકાલે સાવન રમણિકપરી ગોસ્વામી (ઉ.વ.25) નામના યુવકની હત્યાની ઘટના ઘટી હતી. યુવકની જ પૂર્વ પ્રેમિકાએ વર્તમાન પરિચિત શખસના હાથે છરીના 17 જેટલા ઘા ઝીંકાવીને હત્યા કરાવી હતી. બન્નેની ભક્તિનગર પોલીસે ત્વરીતપણે સકંજામાં લઈને ધરપકડ કરી છે. `એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં તરછોડીને અન્ય શખસ સાથે સંબંધો બાંધનારી મહિલા વર્ષા ગોપાલભાઈ ગઢવીને ગત દિવાળીએ અન્ય સાથે સંબંધો તોડી નાખવાનું કહી મૃતક સાવને છરીના ઘા ઝીંકી દીધો હતો. ત્યારથી બન્ને વચ્ચે મતભેદો વધુ તંગ બન્યા હતા અને ગઈકાલે મહિલાએ પૂર્વ પ્રેમીનું ઢીમ ઢળાવી નાખ્યું હતું.
બનાવની પોલીસ ફરિયાદની વિગતો મુજબ મરનાર સાવન રમણીકપરી ગોસ્વામી કાલાવડના નાની વાવડી ગામનો વતની હતો. રાજકોટમાં એકલો રહેતો હતો. મજૂરીકામ કરતો હતો. દોઢ-બે વર્ષ પૂર્વે સાવન અને વર્ષા ગોપાલભાઈ ગઢવી કોઠારિયા રોડ, ઘનશ્યામનગર મેઈન રોડ પર બન્ને પતિ-પત્નીની માફક સાથે રહેતા હતા. વર્ષાને એ વિસ્તારમાં જ રહેતા દર્શન ઉર્ફે ભૂદેવ નામના શખસ સાથે પરિચય થયો હતો જે બાબતે સાવન અને વર્ષાને ડખ્ખો થતો હતો અને બન્ને ચારેક માસથી અલગ થઈ ગયા હતા.
વર્ષાને દર્શન સાથે સંબંધો હોવાને લઈને સાવનને પસંદ ન હતું તે વર્ષાને તથા દર્શન બન્નેને ફોન કરીને ધમકાવતો હતો. ગત દિવાળીના ત્રણ દિવસ બાદ વર્ષા પર સાવને છરી વડે હુમલો પણ કર્યો હતો. જે તે સમયે સાવન બાવાજી સામે ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. `એક ફૂલ દો માલી’ની માફક ત્રિપુટી વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ગઈકાલે સાવન સહકારનગર મેઈન રોડ પર મેઘાણીનગરના ખૂણા પાસે ગણેશ પાનની દુકાન નજીક હતો ત્યારે વર્ષા અને દર્શન બન્ને ધસી આવ્યા હતા. દર્શને છરી કાઢી સાવનના છાતી, પડખા, વાસા, ખભા, હાથના બાવળા, માથા તથા કપાળના ભાગે ઝનૂનથી આડેધડ 16થી 17 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સિવિલ હોસ્પિટલે ખસેડાયો જ્યાં મૃતદેહ પહોંચ્યો હતો.
બનાવના પગલે ભક્તિનગર પીઆઈ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, રાઈટર નિલેષભાઈ મકવાણા, પીએસઆઈ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. મૃતકના પિતા અમણીકપરીને ઘટનાની જાણ કરતા તેઓ કાલાવડથી રાજકોટ દોડી આવ્યા હતા. યુવાન પુત્રનો નશ્વરદેહ જોઈને ભાંગી પડ્યા હતા. પોલીસે ફરસાણની લારી સાથે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા રમણીકપરી નારણપરી ગૌસ્વામી (ઉ.વ.63) નામના વૃધ્ધની ફરિયાદ આધારે વર્ષા અને દર્શન ઉર્ફે ભૂદેવ સામે હત્યાનો ગુનો નોંધી બન્નેને તાત્કાલીક સકંજામાં લઈ ધરપકડની તજવીજ હાથ ધરી હતી. જાણવા મળ્યા મુજબ વર્ષાએ અગાઉ બે લગ્ન કર્યા હતા. સંતાનમાં પુત્ર છે તે પણ જેલમાં છે.ઘટના સંદર્ભે ફરિયાદ નોંધાવનાર રમણીકપરીએ પોલીસને વિગતો વર્ણવી હતી કે, દોઢેક માસ પહેલાં વર્ષા ગોપાલભાઈ ગઢવીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારા દીકરા સાવનને સમજાવો, મારી સાથે સરખો રહેતો નથી, મને છરી મારી દીધી છે, સાવન અંગે બેફામ બોલવા લાગી હતી.
ત્યારબાદ આઠેક દિવસ બાદ ફોન આવ્યો ને કહ્યું કે રાજકોટથી દર્શન ભૂદેવ બોલું છું, ત્યારબાદ એક મહિલા સાથે વાત કરાવી. મહિલાએ કહ્યું કે, મારી દીકરી વર્ષાને તમારો દીકરો સાવન બહુંજ હેરાન કરે છે, ફરી થોડા દિવસ બાદ દર્શન ઉર્ફે ભૂદેવનો ફોન આવ્યો અને જેમ ફાવે એમ બોલીને કહેવા લાગ્યો કે, તમારા દીકરા સાવનને સમજાવો, વર્ષાનો પીછો છોડી દે નહીંતર ઘોદા બારી દેવા પડશે કહી ધમકી આપી હતી. આઠેક દિવસ બાદ સાવનનો મને ફોન આવ્યો હતો અને કહ્યું કે, પોતે કાલાવડ આવ્યો છે, થોડા રૂપિયાની જરૂર છે. રમણીકપરીએ ના પાડી હતી અને પુત્રને મળી શક્યા ન હતા.
