ગુજરાતમાં 9 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની રચનાને સૈધ્ધાંતિક મંજૂરી: ગ્રામીણ નાગરિકોની સુવિધામાં વધારો થશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ આવકાર આપ્યો છે. કેબિનેટની બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાનાર રીઝનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિ, ગુજરાતમાં 9 નવી સહકારી બેંકોની રચના, રાજ્યના પ્રથમ સ્લમ ફ્રી સિટી બનવા તરફ સુરતની અગ્રેસરતા સહિતના નિર્ણયોની માહિતી આપી હતી.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતમાં ઉપસ્થિતિ હંમેશા પ્રેરણાદાયી અને નવી ઊર્જાનો સંચાર કરતી હોય છે. સમગ્ર ગુજરાત અને દેશની જનતા સાક્ષી છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટે ગુજરાતને વિકાસ મોડલ બનાવવાંમાં અતિમહત્વનો ભાગ ભજવ્યો છે. આજની કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં 09 નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની રચના માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવાના નિર્ણયને આવકારતા પ્રદેશ પ્રમુખએ કહ્યું કે, ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને સાર્થક કરતા 9 નવી જિલ્લા સહકારી બેંકો ગ્રામીણ અર્થતંત્રને વધુ બળ આપશે.
આ પણ વાંચો :રાજ્યભરમાં પોલીસ કર્મચારીઓએ પગાર માટે આ વખતે જોવી પડશે રાહ! ગ્રાન્ટના અભાવે પગાર મોડા થશે
રાજ્યની વર્તમાન સહકારી બેંકોના વિભાજનથી દાહોદ, અરવલ્લી, તાપી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, આણંદ તેમજ ડાંગ અને નવસારી જિલ્લામાં ખેડૂતો અને ગ્રામીણ નાગરિકોની સુવિધામાં વધારો થશે. સુરતને રાજ્યનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનાવવાના નિર્ણય અંગે આનંદ વ્યક્ત કરી પ્રદેશ અધ્યક્ષશ્રીએ જણાવ્યું છે કે આ નિર્ણયના લીધે છત વગરના ગરીબોને ઘરનું ઘર પ્રાપ્ત થશે.
