ગુજરાતમાં ૧૫માંથી ૧૦ રિપિટ, ૫ કપાયા
રાજકોટમાં કુંડારિયાની જગ્યાએ પુરુષોત્તમ રૂપાલા, પોરબંદરમાં ધડુકની જગ્યાએ માંડવિયાને ટિકિટ
ગાંધીનગર, નવસારી, કચ્છ, જામનગર,આણંદ, ખેડા, દાહોદ, ભરુચ, બારડોલી અને પાટણના ઉમેદવારોને રિપિટ કરતો ભાજપ
ભાજપ હાઈ કમાન્ડ દ્વારા લોકસભા ચૂંટણીમાં ગુજરાતની ૨૬માંથી ૧૫ બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં રાજકોટ, જામનગર સહિતનો સમાવેશ થઈ જાય છે. ભાજપે જાહેર કરેલી યાદીમાં ૧૫માંથી ૧૦ સાંસદોને રિપિટ કરવામાં આવ્યા છે મતલબ કે પક્ષે તેમની જીત ઉપર ભરોસો મુકી તેમને ફરીથી ટિકિટ આપી છે જ્યારે રાજકોટ સહિતની પાંચ બેઠકોના ઉમેદવારો કપાયા છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં રાજકોટની બેઠક પર મોહન કુંડારિયા લડ્યા હતા અને જીત મેળવી હતી પરંતુ ૨૦૨૪ની ચૂંટણીમાં કુંડારિયાની જગ્યાએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવી છે. આવી જ રીતે પોરબંદર બેઠક ઉપર રમેશ ધડુકની જગ્યાએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણીના મેદાનમાં ઉતરશે. જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર કિરીટ સોલંકીની ટિકિટ કાપીને દિનેશ મકવાણા ઉપર ભાજપે વિશ્વાસ મુક્યો છે.
આવી જ રીતે પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠોડની જગ્યાએ રાજપાલ જાદવ અને બનાસકાંઠા બેઠક પર પરબત પટષલની જગ્યાએ ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે રિપિટ થયેલા સાંસદોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગાંધીનગરની બેઠક ઉપરથી જ ચૂંટણી લડશે. આ જ રીતે નવસારી બેઠક પર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા, જામનગર બેઠક પરથી પૂનમબેન માડમ, આણંદ બેઠક પરથી મીતેશ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, દાહોદથી જશવંતસિંહ ભાભોર, ભરુચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુભાઈ વસાવા અને પાટણથી ભરત ડાભીને પક્ષે ફરીથી મેદાને ઉતાર્યા છે.
જૂનાગઢ-સુરેન્દ્રનગર સહિતની ૧૧ બેઠકોના ઉમેદવાર બાકી
ભાજપે ગુજરાતની ૨૬માંથી ૧૧ બેઠકો ઉપર ઉમેદવારોની જાહેરાત કરી નથી. આ બેઠકમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર, સુરત, ભાવનગર, વલસાડ, અમરેલી, અમદાવાદ (પૂર્વ), વડોદરા, સાબરકાંઠા, છોટાઉદેપુર અને મહેસાણાનો સમાવેશ થાય છે.