- કુકર્મ આચર્યા બાદ ટ્રેનમાં વતન પહોંચે તે પહેલાં જ પોલીસે મહારાષ્ટ્રથી દબોચી લીધો: વલસાડમાં હચમચાવી નાખતી ઘટના બન્યા બાદ લોકો વિફર્યા: પોલીસ મથકને ઘેરાવ
ગુજરાત સહિત દેશમાં દુષ્કર્મની ઘટના અટકવાનું નામ જ ન લઈ રહી હોય તેમ દરરોજ તેમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક હચમચાવી નાખે તેવી ઘટના વલસાડના ઉમરગામમાં બની હતી જ્યાં જે પરિવારે રોજીરોટી અને આશરો આપ્યો તે પરિવારની જ ફૂલ જેવી બાળકીને હેવાને પીંખી નાખતાં તેના ઉપર ફિટકાર વરસી રહ્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં શ્રમિક પરિવારની ત્રણ વર્ષની બાળકી ઉપર એક હેવાને દુષ્કર્મ આચર્યું હતું. આ જઘન્ય કાંડને ગુલામ મુસ્તફા નામના શખ્સે આપ્યો હોવાનું ખુલતાં જ તેની શોધખોળ આદરી હતી. ગુલામ ઝારખંડ ભાગી જવાની ફિરાકમાં હતો અને તેણે ટ્રેન પણ પકડી લીધી હતી. જો કે પોલીસે સમયસર પહોંચી જઈને મહારાષ્ટ્રમાંથી જ ટે્રનમાં બેઠો હતો ત્યારે ગુલામને પકડી પાડ્યો હતો.
પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે ગુલામ મુસ્તફા બાળકીના પિતાનો મિત્ર હતો અને બાળકીના પિતાએ જ તેને એક કંપનીમાં નોકરી પણ અપાવી હતી આમ છતાં ગુલામે ત્રણ વર્ષની ફુલ જેવી બાળકનો દેહ ચૂંથી નાખ્યો હતો.
આ ઘટના બનતાં જ ઉમરગામના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઉમરગામ પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
લોકો વિફર્યા: વાહનો સળગાવ્યા-તોડફોડ કરી
ઉમરગામમાં દુષ્કર્મની ઘટના બનતાં જ હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને અનેક વિસ્તારોમાં ટોળાએ વાહનોને સળગાવી નાખ્યા હતા તો અનેક વાહનોમાં તોડફોડ કરી હતી. સ્થિતિને પામી જઈ એસપી ડૉ.કરણરાજ વાઘેલા દોડી ગયા હતા અને લોકોને સમજાવ્યા હતા.
ગૃહમંત્રી સાથે એસપીની વાતચીત: `સીટ’ની રચના
વલસાડ એસપી ડૉ.કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે તેમણે આ ઘટના અંગે ગૃહમંત્રી સાથે વાતચીત કરી લીધી છે અને ફાસ્ટ ટે્રક કોર્ટમાં કેસ ચલાવીને તેને ફાંસી અથવા આજીવન કેદની સજા મળે તેવી કલમો ઉમેરવામાં આવશે. બે સપ્તાહની અંદર જ આરોપી વિરુદ્ધ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ ફાઈલ કરી દેવાશે. આ માટે તેમણે ડીવાયએસપીની આગેવાનીમાં એક સીટની રચના પણ કરી હતી.