ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર : પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષાઓ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. તાજેતરમાં મળેલા સમાચાર મુજબ, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બાકી હતા તેઓ હવે 24 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ નિર્ણયથી ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળી છે.
આ પણ વાંચો :રાજકોટનાં ખેડૂતનું હૃદય અન્ય વ્યક્તિમાં ઘબકશે: અકસ્માતમાં બ્રેઇનડેડ જયેશ ગોંડલિયાએ 5 લોકોને આપી નવી જિંદગી
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા સમયપત્રક મુજબ, શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની અને સબમિટ કરવાની છેલ્લી તારીખ 24 ડિસેમ્બર છે. ત્યારબાદ, આચાર્યશ્રી દ્વારા ફોર્મ એપ્રુવ (મંજૂર) કરવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બર, 2025 રાખવામાં આવી છે. શાળાઓએ ફી ભરવાની પ્રક્રિયા 30 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયા બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org અથવા gsebeservice.com પરથી કરવાની હોય છે.

આગામી બોર્ડની પરીક્ષાઓના કાર્યક્રમની વાત કરીએ તો, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થશે અને 18 માર્ચ, 2026 સુધી ચાલશે. બોર્ડ દ્વારા અગાઉથી જ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓ પોતાની તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકે. સામાન્ય રીતે માર્ચમાં યોજાતી પરીક્ષાઓ આ વર્ષે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઈ રહી છે, તેથી વિદ્યાર્થીઓ પાસે તૈયારી માટે મર્યાદિત સમય છે.
આ પણ વાંચો :બુમરાહ અને હાર્દિક પંડ્યા રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે નહીં રમે! 11 જાન્યુઆરીથી શરૂ થનારી વન-ડે શ્રેણીમાં બન્નેને આરામ અપાશે
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ સૂચના છે કે ધોરણ 10 અને 12ના તમામ નિયમિત, રિપીટર અને આઇસોલેટેડ વિદ્યાર્થીઓના ફોર્મ માત્ર શાળાઓ મારફતે જ ભરી શકાશે. વિદ્યાર્થીઓએ જરૂરી દસ્તાવેજો અને ફી સાથે પોતાની શાળાનો સંપર્ક કરવાનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી સમયસર ફોર્મ ભરવાનું ચૂકી જશે તો લેટ ફી સાથે ફોર્મ ભરવાની નોબત આવી શકે છે.
અંતમાં, બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષા સંબંધિત કોઈપણ સત્તાવાર માહિતી માટે માત્ર બોર્ડની વેબસાઇટનો જ આધાર લેવો. વિદ્યાર્થીઓએ પોતાના નામ, વિષય, અને અન્ય વિગતો ફોર્મમાં ભરતી વખતે ખાસ ચકાસણી કરી લેવી જોઈએ જેથી હોલ-ટિકિટમાં કોઈ ભૂલ ન રહી જાય. કોઈ પણ તકનીકી મુશ્કેલી જણાય તો બોર્ડની હેલ્પલાઇનનો સંપર્ક કરી શકાય છે.
