RTIથી બચવા માંગતા હોવ તો…પોરબંદરમાં RTIનો દુરૂપયોગ કરી વેપારી પાસેથી લાખો રૂપિયાની ખંડણી માગી
પોરબંદરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઓળખાતા રાણાવાવના એક શખ્સે પ્રોપર્ટીના દસ્તાવેજ સંબંધિત માહિતી મેળવવા માટે આરટીઆઈ કરી, અને ત્યારબાદ તે જ માહિતીનો દુરુપયોગ કરીને પ્રોપર્ટી માલિક પાસે રૂ. ૪ લાખની ખંડણી માગી.
પોરબંદરના કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં લાતી બજાર પટેલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિક યુનુસભાઈ યુસુફભાઈ અફીણીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે આરોપી વિનોદભાઈ હેમરાજભાઈ પરમાર, જે પોતાને RTI એક્ટિવિસ્ટ કહે છે, તે ફરિયાદીની ઓફિસમાં ગયો હતો. રાણાવાવ ખાતે ફરિયાદીએ ખરીદેલી પ્રોપર્ટી અંગે વિનોદભાઈએ RTI દાખલ કરી હતી. ત્યારબાદ તેણે ફરિયાદીને જણાવ્યું કે જો તેઓ આરટીઆઈથી બચવા માંગતા હોય, તો બે પ્રોપર્ટી માટે રૂ. ૪ લાખ ચૂકવવા પડશે.
આ ગુન્હો નોંધાતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને આરોપીની સંડોવણીની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પોરબંદર શહેર અને ખાસ કરીને આરટીઆઈ એક્ટિવિસ્ટોના વર્તુળમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કેટલાક સાચા RTI એક્ટિવિસ્ટો માટે આ એક્ટ લોકોને ન્યાય અપાવવા માટેનું સાધન છે, પણ કેટલાક અસામાજિક તત્વો તેને ખંડણી વસૂલવાની રીત તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે RTIના નામે ખંડણીખોરી, તોડબાજી કરતા દબાણ સર્જનારા તત્વો સામે સરકાર કડક કાર્યવાહી કરશે. પોલીસ અને એન્ટી-કરપ્શન બ્યુરોની ટીમો એવા તત્વોની યાદી તૈયાર કરી રહી છે, જે માત્ર RTIનો દુરુપયોગ કરી અન્ય લોકોને હેરાન કરવામાં લાગેલા છે.