જાહેરમાં લઘુશંકા કરી તો મહાપાલિકા હોર્ડીંગમાં ફોટા છાપી ઉડાવશે ધજાગરા !! જાણો શું છે નિયમ?
લોકોને જ્યાં-ત્યાં લઘુશંકા કરવાની આદત હોય છે લોકોની આવી ગંદી આદતના લીધે જ સ્વચ્છતા જાળવી શકાતી નથી ત્યારે મોરબી શહેરને સ્વચ્છ રાખવા માટે મહાનગરપાલિકાએ નવતર પહેલ કરી છે. શહેરમાં જાહેરમાં લઘુશંકા કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે. કોઈપણ વિસ્તારમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટા પાડીને બેનર મુકાશે.જાહેરમાં કોઈ પણ જગ્યાએ લઘુશંકા કરનારના હવે તોતિંગ હોર્ડિંગ બોર્ડમાં ફોટા લાગશે. આ પહેલ મોરબીને સ્વચ્છ બનાવવા માટે શરૂ કરવામાં આવી છે.
જાહેરમાં લઘુશંકા કરનાર ચેતજો !!
મોરબી મહાનગરપાલિકાએ જાહેરમાં થતી ગંદકી રોકવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. મહાપાલિકાના કમિશ્નર દ્વારા શહેરને સ્વચ્છ બનાવ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં જુદીજુદી સંસ્થાઓનો સહકાર પણ મળી રહ્યો છે. જો કે, સફાઈ ઝુંબેશ અંતર્ગત ઘણી જગ્યાએ જાહેરમાં લઘુશંકા કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી તેને રોકવા માટે જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથેના બેનરો જાહેર માર્ગ પર મૂકવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને હાલમાં ગાંધી ચોક, શનાળા રોડ બસ સ્ટેશન, જૂના બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં હોર્ડીંગ મૂકવામાં આવેલ છે. તેને નગરજનોએ પણ આવકાર્યો છે.
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હોર્ડિંગ લગાવાયા
શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લગાવેલા આ હોર્ડિંગમાં જાહેરમાં લઘુશંકા કરતાં લોકોના મોટા ફોટા લગાવવામાં આવ્યા છે. તંત્રે આ હોર્ડિંગ ભૂલથી નહીં પરંતુ જાહેરમાં લઘુશંકા કરતાં લોકોને રોકવા માટે લગાવ્યા છે. એટલું જ નહીં આ બેનર પર ચેતવણી લખી છે કે ‘જાહેરમાં લધુશંકા કરશો તો તમારો ફોટો પણ બેનરમાં લાગશે.’
મોરબીમાં સફાઈ અભિયાન
મોરબીમાં રોડ સાઈડના ઉકરડાઓ દૂર કરીને ગંદકી સાફ કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. જો કે, સાફ કરેલ જગ્યાએ જાહેરમાં ઘણા લોકો લઘુશંકા કરતા હોય છે અને ગંદકી ફેલાવે છે. જેથી કરીને આવા લોકો પાસેથી દંડ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 50 થી લઈને 500 સુધી દંડ લેવાનો નિર્ણય કર્યો છે અને તે વ્યક્તિનો ફોટો પાડીને મોરબીના જાહેર માર્ગ ઉપરના હોર્ડીંગ બોર્ડમાં પણ લગાવવામાં આવશે જેથી કરીને કોઈપણ વ્યક્તિએ જાહેરમાં લઘુશંકા ન કરવા માટે તાકીદ કરવામાં આવેલ છે
