એટેક આવે તો ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડનો `ટેકો’ નહીં મળે !! રાજકોટના 27 સહિત રાજ્યના 250 કાર્ડિયોલોજીસ્ટનો નિર્ણય
આજથી સાત દિવસ સુધી કાર્ડ હેઠળ સારવાર નહીં કરવાનો રાજકોટના 27 સહિત રાજ્યના 250 કાર્ડિયોલોજીસ્ટનો નિર્ણય
દસ વર્ષમાં સરકારે કાર્ડ હેઠળ સારવાર માટે માત્ર ૫૮૦૦ રૂપિયાનો વધારો કર્યો જે પૂરતો નથી
રાજકોટમાં કાર્ડથી દરરોજ એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટિ સહિતની ૧૦૦થી વધુ સારવાર થાય છે
રાજકોટ સહિત રાજ્યમાં હાર્ટએટેકના કિસ્સામાં તોતિંગ વધારો નોંધાયો છે જેના કારણે લોકોમાં અલગ જ પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. બીજી બાજુ હાર્ટએટેકની સારવાર પણ ઘણી ખર્ચાળ હોય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટની વાત કરવામાં આવે તો 27 જેટલી ખાનગી હોસ્પિટલને કાર્ડથી સારવાર આપવા માટે પસંદ કરવામાં આવી છે પરંતુ જે ચાર્જ ચૂકવવામાં આવે છે તે અત્યંત ઓછો હોવાને કારણે આજથી સાત દિવસ સુધી એક પણ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ એટેક સહિતની સારવાર નહીં કરવાનો નિર્ણય કાર્ડિયોલોજિસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
આ અંગે ગુજરાત ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ફોરમ દ્વારા જિલ્લા કલેક્ટરોને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે એન્જિયોપ્લાસ્ટિ અને બાયપાસ સર્જરીના દર્દીઓ દિવસે દિવસે વધી રહ્યા છે. રાજકોટમાં 27 સહિત રાજ્યમાં ૨૫૦થી વધુ કાર્ડિયોલોજિસ્ટ અત્યારે તેમની અલગ-અલગ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સારવાર આપી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા જે ચૂકવણું કરવામાં આવે છે તે અત્યંત અપૂરતું હોય હોસ્પિટલોએ ગંભીર આર્થિક સમસ્યા ભોગવવી પડી રહી છે. સરકાર દ્વારા હોસ્પિટલો માટે આ યોજના હેઠળના દર ખૂબ જ ઘટાડી નાખવામાં આવ્યા હોવાથી હવે હોસ્પિટલો માટે આ સેવા આપવી શક્ય રહી નથી. આ જ કારણથી આજથી સાત એપ્રિલ સુધી આયુષ્યમાન ભારત યોજના હેઠળની કાર્ડિયોલોજી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ફોરમે જણાવ્યું કે હૃદય સંબંધી સર્જરીઓનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે. જો કે સરકાર અગાઉથી જ ઓછો ચાર્જ ચૂકવી રહી છે તેમાં પણ તાજેતરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ચાર્જથી સારવાર કરવી શક્ય નથી કારણ કે ગત દસ વર્ષમાંપીસીઆઈ (પર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન) માટેનોદર માત્ર 1.2% વધ્યો છે જ્યારે ગુજરાતમાં સરેરાશ મોંઘવારી 6.5% વધી છે. એકંદરે સરકાર દ્વારા દસ વર્ષની અંદર ચાર્જમાં માત્ર 5800રૂપિયાનો વધારો જ કરવામાં આવ્યો છે જે નાપૂરતો છે. 2015માં સરકાર ર્ક્યુટેનિયસ કોરોનરી ઈન્ટરવેન્શન (પીસીઆઈ) પેકેજ (સ્ટેન્ટ સિવાય) અંદાજે ૪૫૦૦૦ રૂપિયા ચૂકવતી હતી જે આજે 50,800 કરવામાં આવ્યા છે. આમ માત્ર 1.22%નો જ વધારો થયો છે.
રાજકોટમાં દરરોજ કાર્ડથી એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટિ સહિતની ૧૦૦થી વધુ સારવાર થાય છે જે સાત દિવસ સુધી કરવામાં આવશે નહીં.
દર્દીઓને પ્રાથમિક સારવાર અપાશે: તબીબો
રાજકોટના નિષ્ણાત તબીબોએ જણાવ્યું કે કોઈ દર્દીને હાર્ટએટેક આવે છે અને તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે તો તેને સારવાર આપ્યા વગર જ રવાના કરવામાં નહીં આવે. તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપીને તેનો જીવ બચાવવાનો પૂરો પ્રયત્ન કરાશે. જો કે કાર્ડ હેઠળ એન્જિયોપ્લાસ્ટિ-એન્જિયોગ્રાફી સહિતની જે સારવાર છે તે કરવામાં આવશે નહીં અને આ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ અથવા તો અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં રવાના કરવામાં આવશે.