10 ગ્રામ સોનુ પકડે તો ઇનામ માત્ર 300 રૂપિયા…અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓને ઇનામમાં ‘નામ પૂરતું’ વળતર
બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીની સોનાની દાણચોરી પર આધારિત વેબ સિરીઝ “તસ્કરી” માં આંતરરાષ્ટ્રીય દાણચોરો અને એરપોર્ટ કસ્ટમ અધિકારીઓના નેટવર્કને દર્શાવવામાં આવ્યુ છે અને દાણચોરીનું સોનુ પકડનાર અધિકારીઓને મોટુ ઇનામ મળે છે તેવું દર્શાવાયુ છે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર વાસ્તવિકતા જુદી હોવાનું લાગી રહ્યું છે. અહી 24 કેરેટનું 10 ગ્રામ સોનુ પકડાય તો પાંચથી છ અધિકારીઓ વચ્ચે 1500 રૂપિયાનું ઇનામ આપવાની જોગવાઈ છે. આ રીતે જોઈએ તો એક અધિકારીને માંડ 300 રૂપિયા મળે. આ જ રીતે જો 1 કિલો ચાંદી પકડાય તો આટલા અધિકારીઓ વચ્ચે 3000 રૂપિયાની જોગવાઈ છે.

વધુ આશ્ચર્યની વાત એ છે કે, અમદાવાદ કસ્ટમના અધિકારીઓને ઘણા લાંબા સમયથી ઇનામની રકમ આપવામાં જ નથી આવી. તાજેતરમાં જ એટલે કે 2024-25ના વર્ષમાં કસ્ટમના અધિકારીઓએ કરોડો રૂપિયાની કિંમતનું 135 કિલો દાણચોરીનું સોનુ પકડીને રીઝર્વ બેન્કમાં જમા કરાવ્યું હતુ. આટલી મોટી રકમનું સોનુ પકડાય છે પણ અધિકારીઓને રીવોર્ડ પેટે ચણા-મમરા જેવી રકમ આપવામાં આવે છે. જો કે તે પણ ચૂકવાતી નથી.

કસ્ટમના સુત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગનું સોનું દુબઈ, જેદ્દાહ, અબુ ધાબી, કુવૈત અને થાઈલેન્ડ જેવા મધ્ય પૂર્વીય દેશોના મુસાફરો દ્વારા આવે છે. આવા સ્થળે થી સોનુ લાવવા માટે અનેક પ્રકારના નુસખા અજમાવવામાં આવે છે. ઘણા સંજોગોમાં એરપોર્ટ સ્ટાફ, ટર્મિનલ મેનેજર, લોડર, હાઉસ કીપીંગ ; અને એરલાઈન્સ સ્ટાફનો ઉપયોગ પણ દાણચોરી માટે કરવામાં આવે છે. તેઓ પણ સોનાની દાણચોરી કરતા પકડાયા છે. કસ્ટમ અધિકારીઓએ તેમની પાસેથી સોનાના બિસ્કિટ, સોનાની પેસ્ટ અને અન્ય સ્વરૂપો જપ્ત કર્યા છે.
આ પણ વાંચો :તમારા વાહનમાં પણ આંખો આંજતી વ્હાઇટ LED લાઇટ લગાવેલી છે તો ચેતજો! જીવલેણ અકસ્માતનો ભય, RTOને ચેકીંગનો આદેશ
1962ના કસ્ટમ્સ એક્ટ હેઠળ, સોના અને ચાંદીની દાણચોરી અટકાવવામાં સારા કાર્ય માટે અધિકારીઓ પુરસ્કાર મેળવવાના હકદાર છે. એક વરિષ્ઠ કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે આઘાતજનક વાત એ છે કે સોનાના ભાવ સતત વધતા રહે છે, પરંતુ કરોડોનું સોનું પકડનારા અધિકારીઓ માટેનો પુરસ્કાર ખૂબ ઓછો હોય છે. 10 ગ્રામ સોના માટે 1,500 રૂપિયાનું ઈનામ 5-6 અધિકારીઓમાં વહેંચવામાં આવે છે, જે તેને લગભગ નજીવું છે. છેલ્લા 10 વર્ષમાં કોઈ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી.
આ અધિકારીએ એમ પણ કહ્યું કે, કસ્ટમ વિભાગે છેલ્લા દાયકામાં દાણચોરી કરાયેલા સોનાને પકડવામાં સારું પ્રદર્શન કરનારા 30 અધિકારીઓની યાદી તૈયાર કરી છે અને તેને ઈનામની મંજૂરી માટે દિલ્હી મોકલી છે.
