બોમ્બ નહીં શોધી શકો એટલે કોર્ટ જ ખાલી કરજો…રાજકોટની કોર્ટને ઉડાવી દેવાના મેઈલથી બધા ધંધે લાગ્યા
રાજકોટ સહિત સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી ઈ-મેઈલ મારફતે સરકારી કચેરીઓ, સ્કૂલ, એરપોર્ટ સહિતને ઉડાવી દેવાની ધમકીનો સિલસિલો શરૂ થઈ ગયો હોય રોજ સવાર પડે એટલે પોલીસ તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓની દોડધામ વધી જવા પામી છે. આવી જ એક ધમકી ઈ-મેઈલ મારફતે ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની કોર્ટ અને જામનગર રોડ પર આવેલી રાજકોટની કોર્ટને આપવામાં આવી હોવાની જાણ થતાં જ પોલીસે દોડી જઈ ચાર કલાક સુધી ખૂણેખૂણાનું ચેકિંગ કરાયા બાદ કશું જ વાંધાજનક કે શંકાસ્પદ નહીં મળી આવતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે સવારે 10ઃ30 વાગ્યાના અરસામાં રાજકોટની જામનગર કોર્ટ પર બનેલી નવી કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી ઉપર એક ઈ-મેઈલ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે અમે આઈએસઆઈ (પાકિસ્તાની ગુપ્તચર એજન્સી) સાથે સંકળાયેલા છીએ અને અમે રાજકોટની કોર્ટમાં બોમ્બ મુકેલો છે. જો 1ઃ40 વાગ્યા સુધીમાં કોર્ટ ખાલી નહીં કરાવાય તો બોમ્બ ફૂટશે. અમે એવી જગ્યાએ બોમ્બ છુપાવ્યા છે કે પોલીસના શ્વાન પણ તેને શોધી શકશે નહીં !
આ પણ વાંચો : અંતે યુદ્ધ વિરામ : ટ્રમ્પે કરી ઘોષણા – ઇઝરાયેલ અને ઈરાન સંમત, 12 દિવસના વિનાશક યુદ્ધનો અંત

આ પ્રકારનો ઈ-મેઈલ મળતાં જ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલરૂમ દ્વારા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) સહિતની બ્રાન્ચને જાણ કરાતાં 10ઃ37 વાગ્યા સુધીમાં એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ, ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ સહિતની ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. જોગાનુજોગ બોમ્બ મુકાયાનો ફોન આવ્યો ત્યારે એસઓજી આઈઓસી પ્લાન્ટ ખાતે રૂટિન પ્રક્રિયા પ્રમાણે મોકડ્રિલ કરી રહી હતી પરંતુ ધમકીભર્યો ઈ-મેઈલ આવ્યાની જાણ થતાં જ ટીમ કોર્ટ ખાતે પહોંચી ગઈ હતી.

કોર્ટ પહોંચ્યા બાદ સૌથી પહેલાં પાંચેય માળ સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ દરેક વિભાગ તેમજ ખૂણેખૂણાની ચકાસણી કરાઈ હતી જે બપોરે 2ઃ30 વાગ્યા સુધી ચાલી હતી પરંતુ સદ્ભાગ્યે બોમ્બ કે અન્ય કોઈ જ વિસ્ફોટક સામગ્રી નહીં મળી આવતાં પોલીસ તેમજ કોર્ટ સંકુલમાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આ પ્રકારની દોડધામ તેમજ બોમ્બ મુકાયાની ધમકીને પગલે કોર્ટમાં આવનારા અરજદારો તેમજ હાજર વકીલોમાં ભય વ્યાપી જવા પામ્યો હતો.

એરપોર્ટ, કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી આપનાર સુધી પોલીસ નથી પહોંચી
અગાઉ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ મારફતે ધમકી આપવામાં આવી હતી. આ પછી સાયબર ક્રાઈમ દ્વારા ઈ-મેઈલ મોકલનાર સુધી પહોંચવા માટે તરેહ તરેહની તપાસ કરવામાં આવી હતી પરંતુ મહિનાઓ વીતી ગયા છતાં હજુ સુધી ઈ-મેઈલ મોકલનારની ઓળખ સુદ્ધા પોલીસ કરી શકી નથી.

રાજકોટ સાયબર ક્રાઈમે અમદાવાદ પોલીસ પાસેથી શીખ લેવી જરૂરી…!
અમદાવાદ સાયબર ક્રાઈમે બે દિવસ પહેલાં જ ચેન્નાઈની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી રેની જોશીલડા નામની યુવતીની ધરપકડ કરી હતી. આ યુવતીએ મોદી સ્ટેડિયમ ઉપરાંત અમદાવાદની સ્કૂલ સહિતને ઉડાવી દેવાની ધમકીના ઈ-મેઈલ મોકલ્યા હતા. આ યુવતી સુધી પહોંચવું અત્યંત કપરું કામ હોવા છતાં અમદાવાદ પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી. બીજી બાજુ રાજકોટ સાયબર ક્રાઈમ શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપ્યાની વાતને ઘણો સમય પસાર થઈ ગયો છતાં આરોપી સુધી પહોંચી શકી ન હોય રાજકોટ પોલીસે અમદાવાદ પોલીસ પાસેથી `કામગીરી’ની શીખ લેવી જોઈએ તેવું પણ જાણકારો માની રહ્યા છે.