જો તમને પણ RTOના નામ પરથી ઓનલાઈન રિસીપ્ટ આવે તો ચેતજો! રાજકોટના કારખાનેદારે એપ ખોલતા જ ફોન થયો હેક, જાણો શું છે સમગ્ર મામલો
ઓનલાઈન છેતરપિડીના વધતા જતા કિસ્સાઓ વચ્ચે જામનગરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા રાજકોટના કારખાનેદાર ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા છે. વેપારીના મોબાઈલફોનમાં RTOની પહોંચ વોટ્સએપ કરી મોબાઈલ હેક કરી લેવાયો હતો. બાદમાં બેન્ક ખાતામાંથી 6.40 લાખ ઉઠાવી લઇ છેતરપિડી આચરી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા મોબાઈલ ધારકે વેપારી યુવાન અને તેના પિતાના ખાતામાંથી 6.40 લાખ ચોટીલાના ત્રણ શખ્સોના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતાં 4 સામે ગુન્હો નોંધાયો હતો. જે મામલે પોલીસ પણ દોડતી થઈ હતી અને સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે તુરત જ હરકતમાં આવી જઈ ચોટીલામાંથી બે આરોપીઓ ને ઉપાડી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિગત એવી છે કે રાજકોટમાં સિલ્વર એવન્યુ સોસાયટીમાં રહેતા અને કાલાવડ નજીક ધનવેલ હાઈબ્રીડ સિડઝ લિમિટેડ નામની એગ્રોની ફેક્ટરી ચલાવતા વેપારી વિમલભાઈ મનસુખભાઈ વેકરીયા એ જામનગરના સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે. જેમાં જણાવાયા અનુસાર તેઓ તારીખ 29.6.2025ના બપોરે 2.00 વાગ્યાના અરસામાં પોતાની ફેક્ટરીએ હાજર હતા, જે દરમિયાન તેઓને મોબાઇલ ફોનમાં મેસેજ આવ્યો હતો.જે 500 રૂપિયા ના દંડની રિસીપ્ટ હતી. જે ખોલવા જતાં વેપારી વિમલભાઈ નો મોબાઇલ ફોન હેક થઈ ગયો હોવાથી તેમણે મોબાઈલ ફોન ચાલુ કરવા ના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે મોબાઇલ ફોન હેક થઈ ગયા બાદ તેમાં જુદા જુદા મેસેજ આવ્યે રાખતા હતા.

જે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેઓના મોબાઈલ ફોન મારફતે બેન્ક ખાતામાંથી રૂપિયા બે લાખની રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી. અને ચોટીલા પંથક ના ત્રણ જુદા જુદા ખાતેદારો મનસુરભાઈ સુભાનભાઈ આગરીયા, સમીર ઉર્ફે ચુચું મનસુરભાઈ સીદાત, અને સીરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા વગેરેના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ તેઓને કમીશન આપીને તે રકમ પરત મેળવી લીધી હતી.
આ પણ વાંચો : રાજકોટના આનંદ બંગલા ચોક પાસેથી અબોલ જીવની ચોરી કરનાર ગેંગનો એક શખસ ઝડપાયો, 5.50 લાખનો મુદ્દામાલ જપ્ત
ફરિયાદી વેપારી યુવાનની સાથે જ તેના પિતા મનસુખભાઈ નો મોબાઈલ લિક કરેલો છે, જેથી બાકીની 4,39,999 રકમ કટકે કટકે ઉઠાવી લઈ અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ઓનલાઇન ઠગાઈ કરી હતી.જે સમગ્ર મામલાની જાણકારી મળી જતાં વેપારી યુવાન મનસુખભાઈ વેકરીયા એ જામનગર સાબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને તમામ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરા અને તેઓની ટીમઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.પોલીસ ટુકડીએ તપાસનો દોર ચોટીલા તરફ લંબાવ્યો હતો, જ્યાં રહેતા સમીર મનસુરભાઈ સીદાતર તેમજ સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા ને ઉપાડી લીધા છે, અને તેઓને જામનગર લઈ આવ્યા બાદ બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
