ફાયર વિભાગના નિયમનો ભંગ થતો હશે તો ઈમ્પેક્ટ ફી ભરીને પણ દબાણ કાયદેસર નહીં થાય: રાજકોટમાં હવે પહેલાં ટાઉન પ્લાનિંગ વિભાગ બાંધકામનું નિરીક્ષણ કરશે
રાજકોટનો એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં નાનું-મોટું રહેણાક અથવા તો કોમર્શિયલ હેતુનું ગેરકાયદેસર બાંધકામ ખડકાયું ન હોય. જો કે સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરપાઈ કરીને આવા દબાણો કાયદેસર કરવાનો નિયમ અમલી બનાવતાં મોટાપાયે અરજીઓ થવા લાગી હતી. જો કે આ પ્રકારની અરજીઓ મંજૂર થયા બાદ પણ ફાયર એનઓસી મળી રહ્યા ન હોય લોકોની ફરિયાદ પણ વધવા લાગી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં લઈ હવે ફાયર વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગ વચ્ચે સંકલન કરાવી મહાપાલિકામાં નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે હવે કોઈ પણ ગેરકાયદે બાંધકામ હોય તેને કાયદેસર કરાવવા માટે ફાયર વિભાગના નિયમોનું પાલન થતું હશે તો જ તે બાંધકામ કાયદેસર ગણવામાં આવશે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે હવે પહેલાં ટાઉન પ્લાનિંગ વિભાગ સમક્ષ ઈમ્પેક્ટ ફી ભરવા માટે અરજી આવશે એટલે જે-તે વોર્ડના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા બાંધકામનું નિરીક્ષણ કરવામાં આવશે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા દબાણને મંજૂરી આપતાં પહેલાં દબાણ આસપાસ મુકાયેલું માર્જિન, રોડ-રસ્તા પ્રમાણેનું બાંધકામ છે કે નહીં તે સહિતની ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ જો બાંધકામ કરનારે નિયમનું પાલન કર્યું હશે તો ટીપી વિભાગ દ્વારા જ ફાયર વિભાગને એનઓસી ઈશ્યુ કરવા માટે ભલામણ કરવામાં આવશે.
આ પણ વાંચો :આકાશમાં અધૂરી રહી ગઈ જીવનની યાત્રા….અજીત પવાર, વિજય રૂપાણી, સીડીએસ બિપિન રાવત સહિતની અનેક હસ્તીઓએ પ્લેન ક્રેશમાં ગુમાવ્યો જીવ
અત્રે એ પણ ઉલ્લેખ કરવો જરૂરી છે કે રહેણાક હેતુનું બાંધકામ હોય તો 15 મીટરની ઉંચાઈ ધરાવતાં દરેક બાંધકામે ફાયર એનઓસી લેવું ફરજિયાત છે. જ્યારે કોમર્શિયલ હેતુના બાંધકામ માટે 9 મીટર ઉંચાઈ અથવા 500 મીટર બિલ્ટ અપ એરિયામાં બાંધકામ હોય એટલે તે બાંધકામ માટે ફાયર એનઓસી ફરજિયાત બની જાય છે.
આ પ્રકારની દર સપ્તાહે પાંચેક જેટલી અરજીઓ ફાયર વિભાગને મળ્યા બાદ તેના દ્વારા ફાયરના સાધનો ફિટ છે કે નહીં તે સહિતનું ચેકિંગ કરી ત્રણ દિવસની અંદર એનઓસી ઈશ્યુ કરી દેવામાં આવે છે ત્યારે છ મહિનાની અંદર આવી 30થી વધુ અરજીને મંજૂરી આપવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
