જો ગામોમાં લોકભાગીદારીથી મંદિરો, ભવનો બને તો જીવને જરૂરી એવું જલ મંદિર કેમ નહીં? વાંચો હરિયાળી ક્રાંતિ વિશે અહેવાલ
સૌના મુખે એક શબ્દ તો નીકળ્યો જ હોય જળ એ જ જીવન પરંતુ કુદરતી અખૂટ નિઃશુલ્ક સંપત્તિ એવા જલની નથી યોગ્ય કિંમત, કદર કે સંગ્રહ જેને લઈને ક્યારેક થોડો વરસાદ ખેંચાય તો પણ આવી પડે છે જળસંકટ. રાજકોટની ધરતી પર એક એવા દિલીપભાઈ હરજીભાઈ સખિયા નામના માનવી કે જેણે જળને જ બનાવ્યું જીવન. જળ બચાવો, જળ તમને બચાવશેની અલખ કે ભેખ ધારણ કરીને સાથી હાથ બઢાના નેમ લીધી છે કે જો ગામો (ગામડાંઓ)માં લોક ભાગીદારી (આર્થિક અનુદાન, હજારો, લાખોનો ફાળો) મેળવીને મંદિરો બને ભવનો, સમાજની વાડીઓ બને મુખ્ય પ્રવેદ્વવાર બને, ચોરા બને તો જીવ સૃષ્ટિ માત્રને જરૂરી એવું એક જલ મંદિર કેમ ન બને ? આવા દૃઢ સંકલ્પ સાથે માત્ર ત્રણ વર્ષમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રના ગામડાંઓમાં જૂના જર્જરિત રિપેર સાથે 10,000 જેટલા જલમંદિરો (ચેકડેમ, તળાવો)નું નિર્માણ કરાયું. ટ્રસ્ટનો પ્રકલ્પ છે કે 1,11,111 જલ મંદિરો બનાવીને હરિયાણી ક્રાંતિ લાવવી છે.

કાલાવડના હરીપર ગામના વતની અને હાલમાં પણ મુખ્ય વ્યવસાય તો ખેતી અને ગૌશાળા 200 ગીર ગાયો સાથે દૂધનો વ્યવસાય ધરાવતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ ‘વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં આ અભિયાન બાબતે જાગૃતિ કેમ આવી તે બાબતે કહ્યું કે પોતે ખેડૂત અગ્રણી તરીકે કિશાન સંઘના રાજકોટ જિલ્લા પ્રમુખ હતા ત્યારે આઠેક વર્ષે સુધી ખેડૂતોના પ્રશ્નો, યાતનાઓ જાણવા 11 તાલુકાના 594 ગામોમાં પ્રવાસ ખેડયો હતો ત્યારે તેઓને ખેડૂતોને પાક માટે મુળભૂત કે કોમન પ્રશ્ન ફરિયાદ આવતી તો એ હતું પાણી. પાણીના અભાવે પુરો પાક ન લઈ શકાય, કૂવા, બોરના તળ નીચા, ઉંડા ચાલ્યા ગયા. એક પિયત માંડ આવે. આ વિચાર દિલીપભાઈના દિમાગમાં ઘૂિમરાયા કર્યો કે આપણા સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ તો 25 થી 50 ઇંચ પડે જ છે છતાં પાણીની તંગી જળસ્ત્રોત ઉંડાને ઉંડા કેમ જઈ રહ્યા છે. સૌરાષ્ટ્રને મધ્યપ્રદેશના પાણી, નર્મદા પર નિર્ભર રહેવું પડે છે.

સૌરાષ્ટ્રની ધરતી પથરાળ, ડુંગરાળ છે. વરસાદી પાણી જમીનમાં 20 ટકા ઉતરે છે અને 80 ટકા પાણી દરિયામાં વહી જાય છે. ગુજરાતના 1600 કિ.મી.ના દરિયા કિનારામાં 1200 કિ.મી. દરિયા કિનારો તો સૌરાષ્ટ્રના ભાગે છે. માટે એક જ વિકલ્પ છે કે વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ, ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, જો વરસાદનું 60 થી 70 ટકા પાણી પણ સંગ્રહ કરી શકાય તો સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ આવી શકે. ગામોમાં 1986/87/88ના દૂષ્કાળ સમયે રાહત કામોમાં તળાવો, ચેકડેમો બન્યા હતા જે ફરીથી સજીવન કરી શકાય, ગામડાંઓમાં નવા બનાવી શકાય જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય તો ગ્રામ્ય તળો મજબૂત બને, કૂવાઓમાં તળ ઉપર આવે, આવી જ રીતે બોર, કૂવાઓ પણ રિચાર્જ કરી તળ સજીવન કરી શકાય.

ગામડાંઓ ખૂંદીને જાગૃતિ ફેલાવાઈ કે ગામમાં એક જલ મંદિર બનાવો, સરકાર બધે નહીં પહોંચી શકે આપણે જ આ કાર્ય આરંભવું પડશે. ગ્રામજનો, દાતાઓને જાગૃત કરાયા અને જલ મંદિર અભિયાન ત્રણ વર્ષ પૂર્વે આરંભાયું હતું. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં જૂના જર્જરિત ચેક ડેમો, તળાવો, રિપેર કરવા, ગ્રામતળો સાજા કરવા, નવા બનાવવા સહિત ત્રણ વર્ષમાં 10 હજાર જલ મંદિરોનું નિર્માણ કર્યું છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો પ્રકલ્પ છે કે 1,11,111 જલ મંદિરો બનાવીને સૌરાષ્ટ્રને સમૃધ્ધ કરવું દિલીપભાઈએ કહ્યું કે, સૌરાષ્ટ્રની ધરતીમાં અને ખેડૂતોમાં એ તાકાત છે કે જો સિંચાઈનું પુરતું પાણી અને વીજળી હોય તો પુરા દેશનું ધાન ઉત્પાદિત કરી શકે અમે એ દિશામાં કાર્યરત છીએ. આ પ્રોજેક્ટ દેશવ્યાપી બને તેવા પણ પ્રયાસો છે.
કેન્દ્ર સરકાર દ્વારા સન્માન સાથે એક ખાસ પોર્ટલ અપાયું
ગીરગંગા ટ્રસ્ટના જલ બચાવો અભિયાનની કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા નોંધ લેવાઈ છે. ટ્રસ્ટ સાથે એમઓયુ કરાયા છે અને ટ્રસ્ટને સન્માનિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના આ મંત્રાલય દ્વારા એક ખાસ પોર્ટલ અપાયું છે જેમાં ગીરગંગા ટ્રસ્ટના દરેક જલ મંદિર પ્રોજેક્ટ, કામગીરી અપલોડ થાય છે અને અધિકારીઓને પણ આ દિશામાં કાર્ય માટે ટ્રસ્ટને સહયોગી બનવા સૂચિત કરાયા છે. ટ્રસ્ટના કાર્યની લોકસભામાં કેન્દ્રના જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાએ સરાહના કરી હતી.
છતે પાણીએ પાણી વિનાના કારણે સૌરાષ્ટ્રના ગામડાંઓ ભાંગી રહ્યા છે
જો ખેતી માટે પિયત માટે પુરૂ પાણી મળી રહે તો ખેતી સમૃધ્ધ બને, ગામડાંઓ મજબૂત બને. છેલ્લા 20 વર્ષમાં સૌરાષ્ટ્રભરમાં સારો વરસાદ થયો છે, પુરતું પાણી પડ્યું છે, છતે પાણીએ પાણી વિનાના (સંગ્રહના અભાવે) ખેતીમાં પિયત મળતું નથી અને નાછૂટકે કામ, આવકના અભાવે સૌરાષ્ટ્રભરમાં ગામડાંના લોકો ખેતી છોડીને હીજરત કરી કામ, ધંધા અર્થે શહેરમાં દોટ મુકે છે. સારા વરસાદ છતાં 20 વર્ષમાં સૌરાષ્ટ્રના 20 ટકાથી વધુ ગામડાંઓ ભાંગી ગયા, વસતીમાં ઘટાડો થયાનું, ગામડાંઓ ખાલી થઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ પાણી જ છે તેવું દિલીપભાઈનું તારણ છે.
ચેકડેમ, તળાવો ને કેમ કહે છે જલ મંદિર તેમાં પણ સમાયેલું રહસ્ય
કુદરતી રીતે જીવને બચાવે એને ભગવાન, પ્રભુ કે પરમાત્મા કહી શકાય જેમના સ્થાનો હોય છે. મંદિરોમાં ધાર્મિક સ્થાનોમાં પાણી પણ એક એવી કુદરતી આપદા છે કે જે દરેક જીવસૃષ્ટિનો જીવ છે. શરીરમાં સૌથી વધુ માત્રા હોય તો, પાણીની જો પાણી ન રહે તો જીવસૃષ્ટિમાં પ્રાણ ન રહે. દરેક જીવને બચાવનાર જલ છે તેથી જ જલનો સંગ્રહ થાય છે તેવા સ્થાનોને પવિત્ર સ્થાન માનીને આવા સ્થળોને જલ મંદિર કહીએ છીએ તેવું દિલીપભાઈએ જણાવ્યું હતું.
દાતાઓનું યોગદાન ટ્રસ્ટ માટે પ્રેરકબળ
જલ મંદિર જાગૃતિ અભિયાન અંતર્ગત ગામડાંઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ધનાઢ્યોને જાગૃત કરાયા છે. તેમના આર્થિક સહયોગથી જલ મંદિરો બની રહ્યા છે. ટ્રસ્ટના વ્યવસ્થાપક કમિટીના સ્તંભ જેવા શૈલેષભાઈ જાની, વિરાભાઈ હુંબલ ઉપરાંત અન્ય દાતાઓ સતિષભાઈ બેરા, રમેશભાઈ ઘેલાણી, પરશોત્તમભાઈ કમાણી, શિવલાલભાઈ આદ્રોજા, મનિષભાઈ મદેકા, રાજુભાઈ ગોસ્વામી, અવધેશભાઈ ડાંગર, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, રમેશભાઈ ઠક્કર, ધીરૂભાઈ ધાબલિયા, રાજુભાઈ કાલરિયા, વિનશભાઈ પટેલ, કિરીટભાઈ આદ્રોજા, પીજીવીસીએલ તેમજ જેટકો દ્વારા ડોનેશન અપાયા, સાધનો અપાયા, સંસ્થા પાસે દાતાઓના સહયોગથી અત્યારે 15 હિટાચી, ચાર જેસીબી, ટ્રેક્ટરો તેમજ અન્ય સાધનો છે. 50થી વધુ કર્મચારીઓનો સ્ટાફ છે જેનો પગાર પણ દાતાઓ તરફથી ચૂકવાય છે.
કરિયાવરોમાં, સ્મૃતિમાં હવે નિર્માણ કરાવે છે જલ મંદિરો
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વવારા વ્યક્તિઓની સ્મૃતમાં જલ મંદિરો બને, જાગૃતિ આવે તેવા ઉદ્દેશ સાથે રાજકોટ નજીક વડાપ્રધાનના માતા હીરાબાની સ્મૃતિમાં દાતાઓના સહયોગથી જલમંદિર (તળાવ) બનાવ્યું. જાગૃતિથી હવે પિતા પોતાની પુત્રીની યાદ, કરિયાવરમાં જ્યાં વળાવી હોય ત્યાં અથવા પોતાના ગામમાં જલ મંદિરો બનાવે છે. રમેશભાઈ વેકરિયા, ધીરૂભાઈ રોકડ, હરિશભાઈ લાખાણી સહિતના અનેક જલ મંદિરો બનાવ્યા. એક અપીલ છે કે જન્મદિવસ, સ્મૃતિ દિવસ કે આવા કોઈ દિવસોની યાદમાં દાતાઓ એક જલ મંદિર માટે પહેલ કરે તો પૂણ્યના ભાથારૂપ કાર્ય થશે.
બધું બનાવી શકાય પણ પાણીનું ઉત્પાદન શક્ય નથી, સંગ્રહ જ વિકલ્પ
વિશ્વમાં કોઈપણ પ્રોડક્ટ બની શકે. એક પાણી જ એવી કુદરતી સપંત્તી છે કે જેનું ઉત્પાદન શક્ય નથી. વરસાદી પાણી અમૃત સમાન ગણાવતા દિલીપભાઈનું માનવું છે કે વિશ્વનું બેસ્ટ ફૂડ વરસાદી પાણી જ છે. વરસાદી પાણીમાં માત્ર ૨૫ ટીડીએસ જ હોય છે. ઈશ્વર આપણને આપે છે પણ આપણે સંગ્રહ માત્ર કરી શકતા નથી. પાણીનું નાનું અમથું રાજકોટ ભાગોળે એક દાતાએ વીર વીરૂ નામનું જળ સરોવર બનાવ્યું અને આસપાસની સોસાયટીમાં જ્યાં 1500, 2000 ફૂટે પાણી હતા તે જળસ્તર 100 ફૂટે આવી ગયા. 18 એપાર્ટમેન્ટના ૫૦૦૦ રહેવાસીઓએ મહાપાલિકાના ટેન્કર બંધ કરાવ્યા, આટલી તાકાત છે જલ મંદિરની.
