ખોડલધામ (નોર્થઝોન) રાસોત્સવમાં આયોજકો જ અસલામત તો ખેલૈયાઓની સેફ્ટી શું? આરોપીએ છરી કાઢીને ત્રણ ક્નવીનરને ઘા ઝીંક્યાની ચર્ચાઃ પોલીસે કરી ધરપકડ
રાજકોટ શહેરમાં નવરાત્રીમાં અર્વાચીન રાસોત્સવોમાં ઝઘડા, માથાકૂટો વધુ રહે છે. આ વખતે ખોડલધામ (નોર્થ ઝોન) રાસોત્સવની સાતમા નોરતાની રાત લોહીભીની બની હોય તે રીતે ત્રણ-ત્રણ ક્નવીનર પર રાસોત્સવમાં ફિલ્મીઢબે સરેઆમ છરીથી હુમલો થયો. હુમલાના પગલે દહેશતભર્યો માહોલ છવાઈ ગયો હતો. આયોજકોની વિશાળ ટીમ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, અન્ય મહેમાનોની ઉપસ્થિતિ કે આગમન વેળાએ જ છરી ઉડતા અફડાતફડી થઈ પડી હતી. ચાલુ રાસોત્સવ અટકાવી દેવો પડ્યો હતો. ખેલૈયાઓમાં પણ ભારે ભય ફેલાયો હતો. રમવા આવનારા કે હુમલાની ઘટનાથી વાકેફ થનારાઓમાં એક જ સવાલ ઉદ્ભવ્યો હશે કે જો રાસોત્સવમાં આયોજકોની જ સલામતી ન હોય તો ખેલૈયાઓની સેફટી શું ?

સરેઆમ હુમલો કરનાર શખસ કોઈ લંફંગો, આવારાતત્વ ન્હોતો કે મફતમાં એન્ટ્રી લેવા માટે કોઈ ધમાલ મચાવી હોય તેવું પણ ન્હોતું. હુમલાખોર મહેકગિરિ જગદીશગિરિ ગોસ્વામી નામનો શખસ તેની પત્ની સાથે વીઆઈપી પાસ લઈને રાસ નિહાળવા આવ્યો હતો. કમિટી મેમ્બર દ્વારા વારંવાર બેઠક વ્યવસ્થા પરથી ઉભો કરાતા પત્નીની હાજરીમાં અપમાનિત કે હડધૂત કરાયો અને ઠોંઠ ઠાપલી થઈ હોવાની વાતે લાગી આવતા સમગ્ર ઘટનાક્રમ બન્યો હોવાની ભારે ચર્ચા છે.
આયોજકો પૈકીના કોઈની ઉતાવળ, ઉછાછળાપણું કે ન બોલવાના બોલાયેલા શબ્દોથી બન્યું હોય કે પછી હુમલાખોરે આવેશમાં આવી રાસોત્સવમાં દાંડિયાના બદલે છરીથી ખૂની ખેલ ખેલ્યો. જે રીતે બન્યું તે પરંતુ નોર્થઝોનની સાખને ધક્કો જાણકારોનું માનવું છે.
આ પણ વાંચો :દિવાળી પૂર્વે ITનાં દરોડાની આતશબાજી: રિયલ એસ્ટેટ અને 4 ડોક્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન, તપાસમાં સુરત,અમદાવાદ અને રાજકોટની ટીમ જોડાઈ
નવરાત્રીના સાતમા નોરતાની રાત્રે બનેલી હુમલાની ઘટનામાં અમીન માર્ગ પર જાનવી એપાર્ટમેન્ટ ફ્લેટ નં.2માં રહેતા કારખાનેદાર યુવક મૌલિક જયેશભાઈ પરસાણાને જમણા હાથના બાવળા, જમણી તરફ છાતીના ભાગે અને બગલના ભાગે છરીના ઘા લાગ્યા હતા.
તેની સાથેના કમિટી મેમ્બર હરેશ રમેશભાઈ સોરઠિયાને જમણા ખભા પર, ડાબા હાથની કોણી પાસે છરીથી ઈજા પહોંચી હતી અને અશોકભાઈ રત્નાભાઈ ફળદુને જમણા કાન અને હાથના ભાગે છરીના ઘા લાગ્યા હતા. ઈજાગ્રસ્ત ત્રણેય યુવકોને રાત્રીના સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. રાસોત્સવ સ્થળ પરથી હુમલાખોર 150 ફૂટ રિંગરોડ નજીક લાઈટ હાઉસ ફ્લેટમાં રહેતા મહેકગિરિને દબોચી લેવાયો હતો. ઈજાગ્રસ્ત મૌલિક પરસાણાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે મહેકગિરિ સામે ગુનો નોંધીને ધરપકડ પણ કરી લીધી હતી.
ફરિયાદની વિગતો મુજબ કણકોટ રોડ પર પરસાણા ચોક પરના ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવ ગતકાલે રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામાં અન્ય કમિટી મેમ્બરો જયેશભાઈ ખૂંટ, વિજયભાઈ ફળદુ, શૈલેષભાઈ પરસાણા, નિલદીપભાઈ તળાવિયા, જયેશભાઈ દૂધાત્રા સહિતના વ્યવસ્થામાં હતા. વીઆઈપી બેઠક જગ્યામાં મહેકગિરિ પત્ની સાથે બેઠો હતો. અન્ય આમંત્રિત મહેમાનો આવવાના હોવાથી મહેકગિરિને પાછળની સીટ પર જતા રહેવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો. બોલવા લાગ્યો કે મારી પાસે વીઆઈપી પાસ છે, મને અહીંથી કેમ ઉભો કરી શકે. અભદ્ર ભાષામાં ગાળો બોલતા અને મોબાઈલ ફોન કાઢી વીડિયો શુટિંગ ઉતારવા લાગ્યો હતો જેથી શુટિંગ ઉતારવાની ના પાડતા નેફામાંથી સ્ટીલની છરી કાઢીને હુમલો કર્યો હતો.
આયોજક કમિટીના ત્રણ-ત્રણ સભ્યો પર સરાજાહેર છરીના હુમલાની ઘટનાના પગલે ટોળું એકત્રિત થઈ ગયું હતું. થોડી ક્ષણો તો નાસભાગ જેવી સ્થિતિ થઈ પડી હતી. રાસોત્સવ તાત્કાલીક આટોપી લેવાયો હતો. ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી ચૌધરી, પીઆઈ હરીપરા સહિતના અધિકારીઓ પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછ તથા તપાસમાં આરોપી ખાનગી શેર કંપનીમાં નોકરી કરે છે. તેની પત્ની સાથે રાસ નિહાળવા વેગનઆર કારમાં આવ્યો હતો. છરી તેની સાથે જ હતી અને બેસવા બાબતે બબાલ થતા હુમલો કરાયો હતો. અન્ય કોઈ કારણ ન હોવાનું ખૂલ્યું છે. પોલીસ મથકે લઈ જઈ કાયદાનું ભાન પણ કરાવાયું હતું.
છરી સાથે અંદર ઘૂસી જાય તો આયોજનની સિક્યુરિટી વ્યવસ્થામાં ખામી કે શું?
ખોડલધામ નોર્થ ઝોન રાસોત્સવમાં જે ઘટના ઘટી એ લાલબત્તીરૂપ છે. જાહેરમાં છરી ઉડી જેથી અનેક `જો’ અને `તો’ની વાતો ચાલવા લાગી છે કે શું ત્યાં આયોજનમાં સિક્યુરિટી ચેકઅપ વ્યવસ્થામાં ખામી હશે ? પોલીસની પણ પરમિશન આપતી વેળાએ સૂચના કે ગાઈડલાઈન છે કે આવનાર વ્યક્તિઓના ચેકિંગ કે તકેદારી આયોજકોએ રાખવી. જે રીતે છરી લઈને ઘૂસી ગયો અને ખુદ આયોજક કમિટી પર એક વ્યક્તિ નહીં ત્રણ-ત્રણ કમિટી મેમ્બર પર હુમલો કર્યો. જો અંદર પ્રવેશ વેળાએ જ ચેકિંગ વ્યવસ્થા ટાઈટ હોય તો આવી રીતે છરી લઈને ઘૂસી ન શકે. એક વાત એ પણ છે કે રોજીંદા હજારો લોકો આવતા હોય અને આવેલો શખસ તેની પત્ની સાથે હતો જેથી આયોજકોને પણ એવું ન હોય કે છરી સાથે હશે.
અમે સન્માન કરતા હતા અને હુમલો થયોઃ પાસ આપ્યા હતાઃ પ્રમુખ વેકરિયા
નોર્થ ઝોન રાસોત્સવના પ્રમુખ મનસુખભાઈ વેકરિયાએ હુમલા સંદર્ભે જણાવ્યું હતું કે, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા અન્ય ડોક્ટરો, મહાનુભાવો મહેમાનો તરીકે આવ્યા હતા. હુમલાની ઘટના બની એ સમયે અમે બધા મહેમાનોનું સન્માન કરતા હતા. મહેમાનોની વીઆઈપી બેઠક વ્યવસ્થા ગોઠવવા એ વ્યક્તિને પાછળ બેસવાનું કહ્યું અને આવી ઘટના બની હતી. મહેમાનો આવે ત્યારે અમે આયોજકો, ટ્રસ્ટીઓ આગળ બેઠા હોય તો તેમને પણ નિયમ મુજબ પાછળ બેસવાનું કહીએ છીએ. ઉભા થવાનું કહેતા એ વ્યક્તિને સ્ટેજ પાછળ લઈ જવાયો હતો અને ત્યાં બોલાચાલી બાદ છરી કાઢીને મારવા લાગ્યો. અમે કોઈએ પાસ ન્હોતા આપ્યા પરંતુ રાધિકા જ્વેલર્સવાળાની જગ્યા આયોજનની બાજુમાં જ છે તેથી અમે રાધિકા જ્વેલર્સવાળાને આમંત્રણ પાસ આપ્યા હતા. આરોપીનો ભાઈ રાધિકા જ્વેલર્સમાં નોકરી કરે છે, તેની પાસેથી પાસ લઈને આરોપી પત્ની સાથે રાસ જોવા આવ્યો હતો તેવું જાણવા મળે છે.
ચાલ સ્ટેજ પાછળ, તને સેલ્ફ રિસ્પેક્ટ શું છે તે બતાવીએ, આવા શબ્દોએ કરાવ્યો ડખ્ખો ?
સમગ્ર હુમલા બાદ ત્યાં એકઠા થયેલા કે નજીકના જાણકારોમાં એવી વાતો કે ચર્ચા ચાલી છે કે શરૂઆતમાં આરોપીએ હું પાસ લઈને આવ્યો છું વારંવાર ઉભા કરો છો તો અમારું કાંઈ સેલ્ફ રિસ્પેક્ટ હોય કે નહીં કહીને ત્યાંથી ઉભા થવા આનાકાની કરતાં કમિટી મેમ્બરો એકઠા થયા હતા ત્યાં હાજર કોઈએ એવા શબ્દો ઉચ્ચાર્યા કે ચાલ તને સેલ્ફ રિસ્પેક્ટ શું છે તે બતાવી કહીને સ્ટેજ પાછળ લઈ જવાયો હતો. જ્યાં ઠોંઠ થાપલી થઈ હતી. આરોપીએ પણ આવેશમાં આવી નેફામાંથી છરી કાઢી હતી અને ફેરવવા લાગતા ત્રણ મેમ્બર ઘાયલ થયા હતા. આરોપીને બેઠક પરથી ઉભો કર્યો ત્યારે તે મોબાઈલમાં શુટિંગ કરવા લાગ્યો હતો કે મને આ લોકો હેરાન કરે છે. જો આવું બન્યું હોય તો કમિટી મેમ્બર્સ કે ત્યાં હાજર અન્ય કોઈએ ન બોલવાના શબ્દો ઉચ્ચાર્યા હોય અને સ્ટેજ પાછળ લઈ જઈ ઝપાઝપી કરી હોય તો ખરેખર આયોજકો પૈકીના કોઈને કોઈની પણ ઉતાવળ કે હડધૂત કર્યો હોવાથી વાત વણસી કહેવાય. આરોપી પણ એવા આક્ષેપો કરતો હતો કે પત્ની સાથે હતી. ત્રણ-ત્રણ વખત અમને ઉઠાડીને અપમાનીત કર્યા હતા. માથાકૂટ કરવા લાગ્યા હતા એ સમયે પોતે જ 112માં કોલ કરીને પોલીસની મદદ માગી હતી પણ ફોન લાગ્યા ન હતા. આરોપીને પણ હાથમાં કે અન્ય ઈજા થઈ હોવાથી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જો કે તેણે કોઈ ફરિયાદ કરી નથી જેથી પોતાની છરીથી ઈજા થઈ હોય તેવું બની શકે.
હુમલાખોર નિવૃત્ત હોમગાર્ડનો પુત્ર, ત્રણ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા
નોર્થ ઝોન રાસોત્સવમાં ફિલ્મીઢબે છરીથી આયોજક કમિમટીના ત્રણ સભ્યો પર હુમલો કરનાર મહેકગિરિ ખાનગી શેરબ્રોકિંગ પેઢીમાં નોકરી કરે છે. તેના પિતા નિવૃત્ત હોમગાર્ડ છે. આરોપીએ ત્રણ વર્ષ પૂર્વે મવડી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ગઈકાલે રાત્રે બન્ને સાથે જ રાસ જોવા માટે આવ્યા હતા. જે તે સમયે એવી પણ વાત ઉઠી હતી કે આંતરજ્ઞાતિય લગ્નના કારણે તો ડખ્ખો નથી થયો ને ? જો કે પોલીસ તપાસમાં આવી કોઈ વાત ન હોવાનું માત્ર બેઠક વ્યવસ્થા બાબતે જ માથાકૂટ હતી. પોલીસ જ્યારે આરોપીને બનાવ સ્થળેથી પકડ્યો ત્યારે તેની પત્ની પણ સાથે હતી અને પોલીસ મથકે પણ સાથે આવી હતી.
