ગુજરાત સરકારે જાહેર કરેલ સૂચિત જંત્રી દર સામે શનિવારે રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કર્યો હતો. રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સૂચિત જંત્રી વધારાથી રિયલ એસ્ટેટક્ષેત્રે આગામી ચારથી પાંચ વર્ષ સુધી ઘેરી મંદી આવવાની આશંકા વ્યક્ત કરી ગરીબ અને મધ્યમવર્ગના લોકો ઘરનું ઘર નહીં લઈ શકે તેવી રજુઆત કરી સૂચિત જંત્રી સામે 24 મુદ્દે સરકારને સૂચનો રજૂ કર્યા હતા.p
રાજકોટ રેવન્યુ બાર એસોસીએશને રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ સૂચિત જંત્રીની પૂર્વ ભૂમિકામાં જઈએ તો વર્ષ 2011માં જંત્રી અમલમાં આવેલ ત્યારબાદ સરકાર દ્વારા વર્ષ 2023 માં કોઈપણ જાતના સર્વે કર્યા વગર જંત્રીના દર બે ગણો કરવામાં આવેલ છે. સામાન્ય રીતે કોઈપણ મિલકતમાં ભાવવધારો દર વર્ષે મોંધવારી, વરસાદ, ખેત-ઉપજ, ધંધાકીય પરિસ્થિતિ, શેરબજાર અને સરકારશ્રી દ્વારા જાહેર થતી વિવિધ પોલીસી અને નોકરીયાતના પગાર પર આધારિત હોય છે અને તે મુજબ ભાવમાં વધારો થતો હોય, ભાવ વધારો સ્થિર રહેતો હોય છે અને ઘણા વર્ષોમાં ભાવ વધારો ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય છે એટલે કે ભાવ વધારો છેલ્લા પાંચ વર્ષના વધઘટની સરેરાશને ધ્યાને લઈ દર વર્ષે સમય સંજોગો મુજબ જંત્રી દરમાં વધારો કરવો જોઈએ.
વધુમાં રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, હાલની સૂચીત જંત્રીમાં સીધો 10 ગણો વધારો કરવામાં આવેલ છે અને આવા ભાવ વધારા સાથે જંત્રી અમલમાં મૂકવામાં આવે તો રિઅલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ ને મરણ તોલ ફટકો પડે તેમ છે એક સાથે મોટા જંત્રીમાં વધારાથી પ્રથમ મુશ્કેલી કેપિટલ ગેઇન ભરવાની જવાબદારી તેમજ ખરીદનારને સ્ટેમ્પ ડ્યુટી અને વાઈટ મૂડીનો પ્રશ્ન થાય તેમ છે હાલની સૂચિત જંત્રીનો વધારો રાજ્યના સાનુકૂળ અને રિઅલ એસ્ટેટની પરિસ્થિતિ મુજબ દર વર્ષે સમયાંતરે ભાવ વધારો હાલની સૂચિત જંત્રી ના ટકાવારી મુજબ વધારો કરવામાં આવે તો ત્રણ ચાર વર્ષમાં રિઅલ એસ્ટેટમાં થતું કાળા નાણાંનું રોકાણ ધીમે ધીમે દૂર થશે અને બેંકમાં મોટા વેલ્યુએશનના દસ્તાવેજોથી મોટી રકમ બેંકમાં આવતા ફાઈનાન્સ ની દર નીચો આવશે.
બાર એસો. દ્વારા સૂચિત જંત્રી સામે દાખલ રૂપ રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજકોટના મોટામવાની રેવન્યુ સર્વે નંબર 146 ની રહેણાંકની જંત્રી 2011 માં 2500 હતી ત્યારબાદ 2023 ડબલ સાથે તે 5000 કરવામાં આવી હાલમાં આ જંત્રી 47000 થયેલ છે. એટલે કે વર્ષ 2022 મા જે જંત્રી હતી તેના કરતાં 18 ગણી અને 2022 ની સરખામણીમાં 9.40 ગણી વધારો કરવામાં આવેલ છે એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાની પાસે 1000 એક હજાર મીટરનો પ્લોટ 2023 માં ખરીદેલ હોય અને 2025 માં ખરીદ-વેચાણ થાય તો 4 કરોડ 70 લાખ વાઈટના જોઈશે તેના ઉપર 1% ટકો ટીડીએસ ભરવાનો થશે અને 24 લાખ જેટલી સ્ટેમ્પ ડ્યૂટિ ભરવાની થાઈ અને જ્યારે વેચનારને 50 લાખનો પહેલો દસ્તાવેજ અને હાલના 4 કરોડ 70 લાખ બાદ કરતા 4 કરોડ ૨૦ લાખ ઉપર કેપિટલ ગેઈન 12.5 ટકા મુજબ 52,50,000 ભરવાનો થશે જેથી કરીને કોઈ પણ રોકાણકારને પોતાના નફામાંથી આટલો ટેક્ષ+વાઈટની મૂડી+સ્ટેમ્પ ડયૂટિ ભરે અને તેના ઉપર કોઈ મિલકત બનાવે તો ઉપરોકત તમામ રકમ ઉમેરવાથી મિલકત આપોઆપ મોંઘી થશે જેનો માર નાના માણસો ઉપર વિશેષ પડશે. જેથી સરકાર ની એફોર્ડેબલ મકાન આપવાની યોજના સાથે સુસંગત નહીં રહે.
વધુમાં જંત્રી દર વધારાની માઠી અસર રૂપે રિઅલ એસ્ટેટમાં આગામી ચારથી પાંચ વર્ષના ગાળા સુધી મંદી આવવાની શક્યતા હોવાનું જણાવી મિલ્કતોના ભાવમાં 30 થી 40 ટકાનો ભાવ વધારો આવે તે કારણોસર નાના માણસો મિલકત ન લઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય અને હજુ વર્ષ 2023 માં જંત્રીમાં બે ગણો વધારો કર્યા બાદ આટલો મોટો વધારો કરવો વ્યાજબી ન હોય. રોજગારી, રોકાણકારો અને નાના માણસોને અસર કરે તેમ હોય, વ્યાપક જનહિતને તેમજ મધ્યમ અને નાના માણસો પ્રત્યે સંવેદના દાખવી નીચે મુજબના સૂચનો વિશે પુખ્ત વિચારણા કર્યા બાદ જંત્રી અમલમાં મૂકવા માંગણી કરવામાં આવી હતી.
રેવન્યુ બાર એસોસિએશને 24 સૂચન કર્યા
રેવન્યુ બાર એસોસીએશને સૂચિત જંત્રી ડરના વિરોધ વચ્ચે કેપિટલ ગેઇન 12.5 % છે તે 5% ટકા કરવા, સ્ટેમ્પ ડયુટી 1% અને રજીસ્ટ્રેશન ફી 1% કરવી, લોકેશન મુજબ જંત્રી સાયન્ટીફિક બનાવવી, કૌટુંબીક વહેંચણી અને લોહીના સંબંધોમાં બક્ષિશ તથા વેચાણના કિસ્સામાં 0.25% સ્ટેમ્પ ડયુટી રાખવી, ખેતીની જમીનની કૌટુંબિક વહેંચણી, હક્ક કમી રજીસ્ટર દસ્તાવેજથી થાય તેવી પદ્ધતિ અમલમાં મૂકવી,જંત્રીની મીટિંગમાં એસોસિએસનના હોદેદારને રૂબરૂ સાંભળવા, વાંધા સૂચનો માટે ૩૧ માર્ચ સુધીનો સમય આપવો, બિનખેતી પ્રિમિયમનો દર જંત્રીના 10% કરવા, 100 મિટરથી નાના મકાનો અને ફ્લેટો ઓછુ ક્ષેત્રફળ ધરાવતા મકાનમાં 20% થી ઓછી જંત્રી લેવી સહિત 24 માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
જંત્રી દર વધારવા માટે ફોર્મ્યુલા અપાઈ
રેવન્યુ બાર એસોસીએશને જંત્રીદરમાં એક સાથે વધારો કરવાને બદલે વર્ષ મુજબ ક્રમશ વધારો કરવા અંતે ફોર્મ્યુલા રજૂ કરવામાં આવી હતી જે મુજબ વર્ષ 2025 માં 50% જંત્રી વધારવી, વર્ષ 2026 માં 65% જંત્રી વધારવી, વર્ષ 2027 માં 80% જંત્રી વધારવી, વર્ષ 2028માં 90% જંત્રી વધારવી અને વર્ષ 2029 મા 100% જંત્રી વધારવી જોઈએ તેવી રજુઆત કરી હતી.