તબીબો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો ક્લિનિક થશે સીલ : રાજકોટ જિલ્લામાં 2600થી વધુ ક્લિનિક, હોસ્પિટલ સામે માત્ર 362ની જ નોંધણી
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રેકટીશ કરતા તબીબો અને લેબોરેટરી માટે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ ક્લિનિક, લેબ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બનવવા છતાં પણ હજુ સુધી આરોગ્ય વિભાગ સમક્ષ નોંધણી કરાવવા માટે તબીબો કે લેબોરેટરી આગળ ન આવતા આગામી સમયમાં હવે રજીસ્ટ્રેશન ન કરાવનાર ક્લિનિકોને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.ચોંકાવનારી બાબત તો એ છે કે રાજકોટ જિલ્લામાં 2600થી વધુ ક્લિનિક, હોસ્પિટલ સામે માત્ર 362ની જ નોંધણી થઇ છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ રાજ્યની તમામ સરકારી, ખાનગી હોસ્પિટલ તમામ ક્લિનિક, લેબ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવ્યું હોવા છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં તબીબો કે લેબોરેટરીના સંચાલકો સરકારની ગાઇડલાઇન મુજબ પોતાના ક્લિનિક કે હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવવા માટે આગળ ન આવી રહયા હોવાનું સામે આવ્યું છે. સરકારના નવા કાયદા મુજબ હોમિયોપેથીક, આયુર્વેદિક કે એલોપેથી કે અન્ય કોઈપણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબો માટે ક્લિનિક, પોલીક્લીનીક, કન્સલ્ટિંગરૂમ હોય તો પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે સાથે જ લેબોરેટરી માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સિંઘના જણાવ્યા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 82 સરકારી હોસ્પિટલ દવાખાનાના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. સાથે જ 149 ખાનગી હોસ્પિટલના રજીસ્ટ્રેશન પણ ઓનલાઇન આવી ગયા છે જેમાં 213 રજિસ્ટ્રેશનમાં કાર્યવાહી ચાલુ હોય શહેર અને જિલ્લામાં કુલ મળી 362 સરકારી અને ખાનગી ક્લિનિક અને હોસ્પિટલના રજીસ્ટ્રેશન થયા છે. સાથે જ મેડિકલક્ષેત્રે રજીસ્ટ્રેશન અંતે જાગૃતિ આવે તે માટે આગામી સપ્તાહે મિટિંગ યોજવામાં આવશે અને સરકારના નિયમ મુજબ નિયત સમય મર્યાદા સુધીમાં જો ક્લિનિકોનું રજીસ્ટ્રેશન નહીં થાય તો સીલિંગ કાર્યવાહી સુધીના પગલાં લેવામાં આવશે.
ક્લિનિક રજિસ્ટ્રેશનથી ઝોલા છાપ ડોક્ટરોની દુકાન બંધ થશે
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ રાજ્યમાં તમામ ક્લિનિક, હોસ્પિટલ અને લેબ માટે રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યા છે ત્યારે સરકારની આ કાર્યવાહીથી ક્યાં શહેર, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કેટલા તબીબો છે તેનો ડેટાબેઝ આવી જવાની સાથે જ ઠેકઠેકાણે ઝોલા છાપ ઘોડા બોગસ ડોકટરો દુકાનો ખોલીને બેઠા છે તેઓની દુકાનો પણ બંધ થઇ જશે.