મને કમળો છે એટલે ઘર છોડીને જાઉં છું’ લખી 15 વર્ષની સગીરા ગાયબ, જાણો પોલીસે કઈ રીતે એક કડાંમાંથી ‘કડી’ મેળવી સગીરાને શોધી
પોલીસ ધારે તો ગૂમ થયેલી વ્યક્તિ હોય કે પછી ગુનેગાર હોય તેને પાતાળમાંથી પણ શોધી લાવે…આ વાક્ય આપણે એક નહીં અનેક વખત સાંભળ્યું હશે જેને ફરી એક વખત ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમે સાર્થક કરી બતાવ્યું છે. ચાર દિવસ પહેલાં એક 15 વર્ષની બાળકી પોતાને કમળો છે એટલે ઘર છોડીને ચાલી જાય છે તેવું લખીને ગાયબ થઈ ગઈ હતી. આ અંગેની જાણ પોલીસને સવારે 11 વાગ્યે થયા બાદ રાત-દિવસ એક કરીને બીજા દિવસે બપોરે ત્રણ વાગ્યે સગીરા તેમજ તેને લઈ ગયેલા બે શખ્સોને પકડીને પોલીસ મથકમાં હાજર પણ કરી દેવામાં આવે છે. જો કે આ 16 કલાક દરમિયાન પોલીસે કેવી મહેનત કરી તે જાણવું અત્યંત જરૂરી બની જાય છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે 23 માર્ચે 15 વર્ષની એક સગીરા પોતાને કમળાની બીમાર હોવાને કારણે ઘર છોડી ગઈ હોવાની ફરિયાદ સાથે તેના પિતા ગાંધીગ્રામ પોલીસ મથકે દોડી આવ્યા હતા. આ ફરિયાદ સાંભળી પીઆઈ એસ.આર.મેઘાણીએ તાત્કાલિક સ્ટાફને સગીરાની ભાળ મેળવવા આદેશ આપ્યો હતો. આ પછી શહેર પોલીસ મથકના જૂના અને જાણીતા મશરીભાઈ ભેટારિયા, મુકેશ સબાડ અને પ્રદીપ ડાંગર સવારે 11 વાગ્યાથી સગીરાની શોધમાં લાગી ગયા હતા.
સગીરા એક ફ્લેટમાં રહેતી હોય ત્યાં એકમાત્ર કેમેરો લાગેલો હતો પરંતુ ત્યાંથી તે નીકળી રહેલી દેખાઈ રહી હતી. જો કે નીકળ્યા બાદ તે કઈ દિશામાં ગઈ તેનો કશો ખ્યાલ આવી રહ્યો ન્હોતો. આ પછી ત્રણેય પોલીસકર્મીએ અલગ-અલગ એંગલ તેમજ પોતાના બાતમીદારોને કામે લગાડી કાર્યવાહી શરૂ કરી હતી. મશરીભાઈ ભેટારિયા સૌથી પહેલાં બેડી ચોકડીએ દોડી ગયા હતાં જ્યાં 15થી વધુ રિક્ષા-ટેક્સીચાલકોને બાળકીનો ફોટો અને સીસીટીવી ફૂટેજ બતાવ્યું હતું પરંતુ ત્યાંથી ખાસ્સી સફળતા મળી ન્હોતી. આ પછી તેઓ માધાપર ચોકડીએ ગયા હતા જ્યાં 28 જેટલા રિક્ષા-ટેક્સીચાલકોને સગીરા વિશે પૂછયું હતું.
આ પછી મશરીભાઈને ફોન આવે છે કે તમે જે બાળકીને શોધી રહ્યા છો તે બાળકી ગ્રીનલેન્ડ ચોકડી પાસે જોવા મળી છે. આ પછી મશરીભાઈ સીધા ફોન કરનાર રિક્ષાચાલક પાસે પહોંચ્યા હતા. રિક્ષાચાલકે તેમને જણાવ્યું હતું કે આ બાળકી તેમની રિક્ષામાં માધાપર ચોકડીથી સ્પેશ્યલ ભાડું કરી ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી હતી. અહીં ઉતર્યા બાદ તેણે રિક્ષાચાલકને 500 રૂપિયા ભાડું આપી ફોન માંગ્યો હતો. જો કે રિક્ષાચાલક ફોન રાખતાં ન હોય સાથે સાથે ભાડાના છૂટા પૈસા આપવા કહેતાં સગીરા રિક્ષામાંથી નીચે ઉતરી પૈસા છૂટા કરાવવા ગઈ હતી. આ વેળાએ ત્યાં એક કડું પહેરેલી વ્યક્તિ ઉભી હોય તેની પાસે ગઈ હતી અને તેની પાસેથી ફોન લઈ કોઈને ફોન કર્યો હતો.
ફોન ઉપર તે `અમન’ નામની વ્યક્તિનું નામ બોલી હતી જે રિક્ષાચાલક સાંભળી ગયો હતો. આ પછી તેણે રિક્ષાચાલકને ચામુંડા હોટેલ સુધી મુકી જવા કહ્યું હતું.
આ પછી મશરીભાઈએ કડાવાળી વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. સામાન્ય રીતે ગ્રીનલેન્ડ ચોકડીથી અમદાવાદ પાટે ટેક્સી ચાલતી હોય તેમની પૂછપરછ શરૂ કરાતાં ત્યાં ઉપસ્થિત લોકોએ કહ્યું હતું કે અમારામાં 15થી વધુ લોકો હાથમાં કડું પહેરે છે એટલા માટે કયા વ્યક્તિના ફોનમાંથી ફોન કર્યો હશે તે કહેવું કપરું છે. ત્યારબાદ ટેક્સીચાલકોના વોટસએપ ગ્રુપમાં બાળકીની તસવીર શેયર કરતાં પંદર મિનિટમાં ફોન આવ્યો હતો કે તમે જે બાળકીનો ફોટો મુક્યો છે તેણે મારા ફોનમાંથી ફોન કર્યો હતો.
આટલું સાંભળી પોલીસના જીવમાં જીવ આવ્યો હતો અને તુરંત એ ટેક્સીચાલક પાસે પહોંચી જઈ આગળની કાર્યવાહી શરૂ કરી હતી અને તેના કોલ લોગમાંથી જે વ્યક્તિને ફોન કર્યો તેના પર ફોન કરાતાં તે બનારસભાઈ ગુપ્તાનો હોવાનું ખુલ્યું હતું જે સગીરાના અપહરણમાં સાથ આપનાર અમન ગુપ્તાનો પિતા હતો. અમનનો પિતા સંતકબીર રોડ પર ઈમિટેશનના કારખાનામાં કામ કરતો હોય ત્યાં પોલીસ પહોંચી હતી અને તેને પૂછપરછ શરૂ કરી હતી કે તેનો પુત્ર ક્યાં છે.
બનારસ ગુપ્તાએ પોલીસને કહ્યું હતું કે તેનો પુત્ર અમન સાળાને મળવા જેલમાં ગયો છે. ત્યારબાદ બનારસના શેઠ મારફતે અમનને ફોન કરી કહેવામાં આવ્યું હતું કે તેના પિતાનો હિસાબ કરવાનો હોય તે ફટાફટ કારખાને આવી જાય. આ સાંભળી અમન દોડી આવ્યો હતો અને પોલીસે તેને દબોચી લીધો હતો. અમનની પૂછપરછ કરવામાં આવતાં તેણે અને તેના મીત્ર મહાવીરસિંહ ઉર્ફે હક્કો ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૂપતસિંહ વાઘેલાએ મળીને સગીરાને સાથે લઈ ગયાની કબૂલાત આપતાં પોલીસે મહાવીરસિંહને સગીરા સાથે શોધી કાઢ્યો હતો !
મહાવીરસિંહે જે સગીરાની છેડતી કરી’તી તેને લઈને જ ભાગ્યો…
પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું કે મહાવીરસિંહ ઉર્ફે હક્કો ઑક્ટોબર મહિનામાં સગીરાના ઘેર તેને મળવા માટે ગયો હતો. આ વેળાએ તેની માતા આવી જતાં મહાવીરસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં તેની સામે પૉક્સો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેલમાં તેનો પરિચય અમન બનારસભાઈ ગુપ્તા સાથે થયો હતો. અહીં બન્નેએ મળીને સગીરાને ભગાડી જવાનું પ્લાનિંગ કર્યું હતું. જેવા બન્ને બહાર આવ્યા કે સગીરાને ભગાડી ગયા હતા.
