હું સંન્યાસ નથી લેવાનો…કેપ્ટન સૂર્યકુમારે કરી સ્પષ્ટતા, T20 ટાઇટલ પછી, હવે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું
એમ.એસ.ધોની અને રોહિત શર્મા બાદ સૂર્યકુમાર યાદવ ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો છે જેની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડકપ ઉપર પોતાનું નામ લખાવ્યું છે. 2026ના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 96 રને હરાવી ભારત ચેમ્પિયન બન્યા બાદ હવે સૂર્યકુમાર યાદવે પોતાના આગળના બે લક્ષ્યાંક પણ જાહેર કરી દીધા છે.
વિશ્વકપ બાદ સંન્યાસની વાતો
35 વર્ષના થઈ ચૂકેલા સૂર્યકુમાર યાદવ વિશ્વકપ બાદ સંન્યાસની વાતો વહેતી થઈ હતી. મેચ બાદ સૂર્યાએ આ તમામ વાતોને ફગાવતાં પોતાના બે મોટા લક્ષ્યાંક સ્પષ્ટ કર્યા હતા. સૂર્યકુમારે કહ્યું કે મારું આગલું લક્ષ્ય 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે. સાથે જ એ વર્ષે ભારત ટી-20 વર્લ્ડકપને ડિફેન્ડ કરવા પણ ઉતરશે.
સૂર્યાની આ વાતથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે બે વર્ષ સુધી નિવૃત્ત થવાનો નથી. સૂર્યાએ કુલ 52 ટી-20 મેચમાં કેપ્ટનશિપ કરી છે જેમાં ભારતનો 42 મેચમાં વિજય થયો છે તો 8 મેચમાં હાર મળી છે અને 2 મેચનું પરિણામ આવ્યું નથી. સૂર્યાની જીતની ટકાવારી 80.77% છે.
ટી-20 વર્લ્ડકપ-2026ની પહેલી મેચમાં યુએસએ વિરુદ્ધ સૂર્યાએ અણનમ 84 રનની ઇનિંગ રમી હતી. આ પછી તેણે કોઈ મોટી ઇનિંગ રમી નહોતી પરંતુ નાની ઇનિંગથી પણ ટીમને મદદરૂપ થયો હતો. તેણે આ વર્લ્ડકપમાં 30.25ની સરેરાશથી 225 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો :Bahrain Bapco Oil Company: ક્રૂડ ઓઇલના વધતાં ભાવ વચ્ચે બેહરીનની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ઇરાનનો હુમલો, 32 લોકો ઘાયલ
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનું પુનરાગમન
128 વર્ષ પછી ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનું પુનરાગમન થવાનું છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પુષ્ટિ આપી છે કે ૨૦૨૮ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ પુરુષ અને મહિલા બંને શ્રેણીઓમાં કરવામાં આવશે.
આ સ્પર્ધામાં છ ટીમો ભાગ લેશે, અને મેચો T20 ફોર્મેટમાં રમાશે. દરેક ઇવેન્ટમાં કુલ 90 ખેલાડીઓ ભાગ લેશે. જોકે, ઓલિમ્પિક માટે ટીમો પસંદ કરવાની પ્રક્રિયા હજુ નક્કી કરવામાં આવી નથી.
T20 ક્રિકેટ લગભગ 100 દેશો દ્વારા રમાય છે, તેથી ઓલિમ્પિક માટે ક્વોલિફિકેશન પ્રક્રિયા ખૂબ જ સ્પર્ધાત્મક હોઈ શકે છે. યજમાન દેશ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સને પણ સીધી પ્રવેશ મળે તેવી અપેક્ષા છે.
ક્રિકેટ ઉપરાંત, સ્ક્વોશ, ફ્લેગ ફૂટબોલ, બેઝબોલ/સોફ્ટબોલ અને લેક્રોસ જેવી રમતો પણ 2028ના ઓલિમ્પિકમાં ઉમેરવામાં આવશે. કુલ મળીને, આ ઓલિમ્પિકમાં 351 મેડલ ઇવેન્ટ્સ હશે, જે અગાઉના ઓલિમ્પિક કરતા 22 વધુ છે.
