‘હું તો બોલીશ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’ ડોક્યુમેન્ટરીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે લોન્ચિંગ
ગુજરાતી મીડિયા જગતમાં પોતાની આગવી અને બેબાક શૈલી માટે જાણીતા પત્રકાર રોનક પટેલના જીવન સંઘર્ષ અને સફળતાને રજૂ કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ `હું તો બોલીશ – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ’નું લોન્ચિંગ ગાંધીનગરના કોબા સર્કલ પાસે જે.એસ.પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 22 ડિસેમ્બરના રોજ અત્યંત ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ ડોક્યુમેન્ટરી ફિલ્મને મીરા મણિયારે પ્રોડ્યુસ તથા દર્શન પરમારે ડીરેક્ટ કરી છે.
આ ગ્રાન્ડ પ્રીમિયર પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કેબિનેટ મંત્રીઓ, ધારાસભ્યો તેમજ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી.
આ પણ વાંચો :26 IAS અધિકારીઓની બદલી: સંજીવ કુમારને સોંપાયો ગૃહ વિભાગનો હવાલો, વિક્રાંત પાંડે બન્યા મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી
તમામ મહાનુભાવોએ સાથે બેસીને આ ડોક્યુમેન્ટરી નિહાળી હતી અને પત્રકારત્વના ક્ષેત્રમાં રોનક પટેલના યોગદાન તથા `વોઈસ ઓફ ડે મીડિયાના’ દર્શન પરમારના કુશળ નિર્દેશનને બિરદાવ્યું હતું.`હું તો બોલીશ’ ડોક્યુમેન્ટરીમાં રોનક પટેલની ટીવી સ્ક્રીન પાછળની અજાણી વાતો, તેમનો સંઘર્ષ અને પત્રકારત્વના મુશ્કેલ અનુભવોને આવરી લેવામાં આવ્યા છે. પ્રેક્ષકોમાં આ ફિલ્મ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાતી ભાષામાં કોઈ મીડિયા પર્સનાલિટી પર બનેલી આ પ્રથમ ડોક્યુમેન્ટરી છે. આ ઇવેન્ટનું આયોજન રોનક પટેલના મોટાભાઇ એડવોકેટ ભગીરથભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
