ગાઝામાં ફરી ઇઝરાયલના હુમલામાં કેટલા લોકોના મોત થયા ? વાંચો
ગાઝા યુદ્ધવિરામ પર ફરી એકવાર લાંબા અને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યો છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસના આતંકી પર યુદ્ધવિરામ વાટાઘાટો તોડવાનો આરોપ મૂક્યો હતો અને ગાઝાને પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. નેતન્યાહૂના આદેશ પર ઈઝરાયલી સેના ગાઝામાં વિનાશ મચાવી રહી છે. ફરી ભારે બૉંબમારો કરવામાં આવતાં વધુ 50 લોકો માર્યા ગયા હતા. છેલ્લા 2 દિવસમાં પેલેસ્ટાઇનના 92 લોકોના મોત થયા છે. ગાઝા ખાલી કરી દેવાની ફરી ચેતવણી અપાઈ છે .
નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જ્યાં સુધી હમાસ અમારી માંગણીઓ સ્વીકારે નહીં ત્યાં સુધી ગાઝા પર હુમલો ચાલુ રહેશે. ગાઝા પરના હુમલાઓ એટલી હદે વધી ગયા છે કે ગુડ ફ્રાઈડે પછી છેલ્લા બે દિવસમાં ઈઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 92 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જ્યારે 219થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
ખાન યુનિસમાં થયેલા હવાઈ હુમલામાં 15 બાળકો માર્યા ગયા. બધા બાળકો તંબુમાં સૂતા હતા.આ દરમિયાન રફાહમાં થયેલા એક અલગ હુમલામાં, એક માતા, તેની પુત્રી અને બે અન્ય લોકો માર્યા ગયા. મૃતદેહોને યુરોપિયન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
બીજી તરફ હમાસે ઈઝરાયલના અસ્થાયી યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. હમાસ કહે છે કે તે કાયમી યુદ્ધવિરામ અને કેદીઓની મુક્તિના બદલામાં એક વ્યાપક સમાધાન ઇચ્છે છે, ફક્ત અસ્થાયી રાહત નહીં. ઈઝરાયલી હુમલાઓ છતાં હમાસ પોતાની જીદ છોડવા તૈયાર નથી.
