ગુજરાતમાં વર્ગ 3ની કેટલી જગ્યાઓ ભરાશે, વાંચો
- ઉત્તરાયણ પહેલાં કરાશે વર્ગ 3ની ભરતી
- ભરતી માટેના નિયમોમાં પણ ફેરફાર કરાયા
સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં એટલે કે આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કર્યા છે. જેમ કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.
બીટ ગાર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં
આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેશે. રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે. પરીક્ષા કોમ્પ્યુટર આધારીત હોવાના કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે. રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે.