ભારત આવતા તેલ ટેંકરો પર હુતી વિદ્રોહીઓએ કર્યો મિસાઈલ હુમલો
યમનના હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં મિસાઇલો છોડીને રશિયાથી ભારત તરફ જઈ રહેલા ઓઇલ ટેન્કર જહાજ પર હુમલો કર્યો હતો. ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠનએ શનિવારે આ હુમલાની જવાબદારી લીધી હતી. એન્ડ્રોમેડા સ્ટારઓઇલ ટેન્કરના માલિકે જહાજને નુકસાનની જાણ કરી છે. આ જહાજ રશિયન વેપાર સાથે સંકળાયેલું છે.
હુતી વિદ્રોહીઓ ગાઝા યુદ્ધમાં ઈઝરાયેલ સામે લડી રહેલા પેલેસ્ટાઈનના સમર્થનમાં આ વિસ્તારમાં કોમર્શિયલ જહાજો પર હુમલો કરી રહ્યા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતા જણાવ્યું કે, ‘એક મિસાઈલ અન્ય જહાજ એમવી મૈશા પાસે પડી હતી, પરંતુ તેને કોઈ નુકસાન થયું નથી. હુતી બળવાખોરોએ યમનથી લાલ સમુદ્રમાં ત્રણ એન્ટિ-શિપ બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી, જેના કારણે એન્ડ્રોમેડા સ્ટારને નુકસાન થયું હતું.’
હુતીના પ્રવક્તા યાહ્યા સરિયાએ જણાવ્યું હતું કે, ‘પનામા-ધ્વજવાળું એન્ડ્રોમેડા સ્ટાર બ્રિટિશ માલિકીની છે, પરંતુ શિપિંગ ડેટા દર્શાવે છે કે તે તાજેતરમાં વેચવામાં આવ્યું હતું, એલએસઇજી ડેટા અને એમ્બ્રે અનુસાર, તેના વર્તમાન માલિક સેશેલ્સ-રજિસ્ટર્ડ છે.’
પેલેસ્ટાઈન માટે તેમનું સમર્થન દર્શાવતા, હુતી બળવાખોરોએ ગયા વર્ષે નવેમ્બરથી લાલ સમુદ્ર, બાબ અલ-મંદબ જલ ડમરુ મધ્ય અને અદનની ખાડીમાં અનેક ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે.
યુએસએસ ડ્વાઇટ ડી આઇઝન હોવર એરક્રાફ્ટ કેરિયરે વ્યાપારી જહાજ ના રક્ષણ માટે યુએસ ની આગેવાની હેઠળના ગઠબંધનની મદદ કર્યા બાદ શુક્રવારે સુએઝ કેનાલ મારફતે લાલ સમુદ્રમાં પ્રસ્થાન કર્યું હતું. શુક્રવારે, હુતી બળવાખોરોએ યમનના સાદા પ્રાંતમાં અમેરિકન MQ-9 ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો હતો.