કૂવાડવા ગામે એસઓજીનો દરોડો: ડૉક્ટર ભાઈ સાથે કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હોય કયા રોગની કઈ દવા આપવી તે જાણતો’તો
પોલીસે દરોડો પાડ્યો ત્યારે પણ ૨૫થી વધુ લોકો દવા લેવા લાઈનમાં ઉભા હતા !
રાજકોટમાં રોગચાળો બેકાબૂ બની જતાં તેને કાબૂમાં કરવા માટે આરોગ્ય તંત્ર ઉંધે માથે થઈ ગયું છે આમ છતાં તેની રફ્તાર ઘટવાને બદલે વધી રહી છે. દરેક દવાખાના, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ત્યારે તેનો લાભ' લઈ લેવા માટે
ઘોડા ડૉક્ટરો’ પણ મેદાને ઉતરી પડ્યા છે. આવી જ એક બોગસ હોસ્પિટલ ભાડાના મકાનમાં ધમધમી રહી હોવાનું અને તેમાં ડૉક્ટર તરીકે દર્દીઓની સારવાર કરનાર ડૉક્ટર પણ બોગસ હોવાનું ધ્યાન પર આવતાં જ એસઓજીએ દરોડો પાડીને બોગસ ડૉક્ટરને દવાના જથ્થા સાથે દબોચી લીધો હતો.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝશલા તેમજ રાજેશ બાળાએ કૂવાડવા ગામે ભારતીય જનઔષધિ કેન્દ્રની સામે ખોડિયાર નામના મકાનમાં ભાડેથી ધમધમતી ગુરુકૃપા હોસ્પિટલમાં લાયસન્સ વગર પ્રેક્ટિસ કરી રહેલા શૈલેષ ભગવાનજીભાઈ સાકરિયા (રહે.બારવણ)ને પકડી પાડ્યો હતો.
શૈલેષને પકડ્યા બાદ તેની પૂછપરછ કરતાં કબૂલાત આપી હતી કે તે છેલ્લા આઠ મહિનાથી આ રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છે અને દરરોજના ૫૦ જેટલા દર્દીઓની સારવાર કરી રહ્યો હતો. તે દર્દીને દવા આપવા ઉપરાંત ઈન્જેક્શન આપવા, બાટલા ચડાવવા સહિતની સારવાર પણ કરતો હતો. તેનો ભાઈ બીએચએમએસ ડૉક્ટર હોય તેને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરવાથી અનુભવી થઈ ગયો હોવાને કારણે પોતાની જ હોસ્પિટલ શરૂ કરી દીધી હતી.
વળી, પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે પણ ૨૫થી વધુ લોકો શૈલેષ પાસે દવા લેવા લાઈનમાં ઉભા હોવાનું ધ્યાન પર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.