રાજકોટ હીરાસર એરપોર્ટ પર વિદેશી પેસેન્જર લાખો રૂપિયાથી ભરેલું વોલેટ ભૂલીને જતાં રહ્યાં હતાં.આ જાણ એરપોર્ટ ઓથોરિટીને થતાં એરલાઇનની મદદથી પેસેન્જરને શોધી આ વોલેટ તેને પરત કર્યું હતું.રાજકોટ હીરાસર એરપોર્ટ પર પ્રમાણિકતાનો દાખલો સામે આવ્યો છે. વિદેશી પેસેન્જર પોતાની મુસાફરી દરમ્યાન લાખો રૂપિયાની ફોરેન કરન્સીથી ભરેલું વોલેટ ટર્મિનલમાં ભૂલી ગયા હતાં, પરંતુ એરપોર્ટ સ્ટાફ અને સિક્યુરિટી ટીમની સતર્કતા તથા ઈમાનદારીથી આ વોલેટ સલામત રીતે તેના મૂળ માલિક સુધી પહોંચાડવામાં આવ્યું. વિશ્વાસ અને સુરક્ષાનું આ સમન્વય રાજકોટ એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

એરપોર્ટ પરથી શનિવારે દિલ્હીની એરઇન્ડિયાની ફલાઇટમાં જઈ રહેલા એક નાઇજિરિયન પેસેન્જર સિક્યુરિટી ચેક કરાવ્યા બાદ ટર્મિનલમાં બેઠા હતાં. તે ખુરશીમાં પોતાનું કિંમતી વોલેટ ભૂલી ગયા હતાં. જાણવા મળ્યા મુજબ આ વોલેટમાં આશરે 7 લાખ જેવી ફોરેન કરન્સી હતી.આ વોલેટ સી.આઇ.એસ.એફ. ને મળ્યા બાદ ઓથોરિટીમાં જમા કરાવી દીધું હતું. એરપોર્ટ ઓથોરિટીની ટીમે એરઇન્ડિયાનો સંપર્ક કરી પેસેન્જરનું નામ અને વિગત જાણી દિલ્હી પહોંચી ગયેલાં આ વિદેશી પેસેન્જર સુધી પહોંચ્યા હતા અને તેની સાથે વાત કરી વોલેટની જાણકારી આપી હતી.આ દરમિયાન આ પેસેન્જર રવિવારે દિલ્હીથી રાજકોટ આવી તમામ પ્રુફ અને ડોક્યુમેન્ટ આપી ખરાઈ કરાવી પક્રિયા પુરી કરાવી હતી.લાખોની કરન્સી સાથેનું વોલેટ ઓથોરિટીએ તેને સુપરત કર્યું હતું.
આ પણ વાંચો : ભાણેજને 30 લાખ વ્યાજે અપાવી મામા ફસાયા : મહિલા સરપંચના પતિ વ્યાજખોરની ચુંગાલમાં,ભાણો થયો ગાયબ
આ અંગે વોલેટ પરત મળતાં નાઇજિરિયન પેસેન્જરએ રાજકોટ એરપોર્ટની કામગીરીની પ્રસંશા કરી હતી. પ્રમાણિકતાનું આ કામ જોઈ તે પ્રભાવિત થઈ ગયા હતા અને કહ્યું હતું કે,હું તો ફલાઈટમાં બેસી ગયો અને દિલ્હી આવી ગયા બાદ મને જાણ ન હતી.રાજકોટ એરપોર્ટ ટીમે મારો સંપર્ક કરીને મને જાણ કરી આખી વાત સમજાવી હતી.મને મારું વોલેટ આપવા બદલ હું ઓથોરિટી અને એરલાઇન્સનો આભાર માનું છું.
