રાજકોટ મેડિકલમાં ઇતિહાસ :24 કલાકમાં એકસાથે 4 કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે બી.ટી સવાણી કિડની હોસ્પિટલનો રેકોર્ડ
રાજકોટની પ્રતિષ્ઠિત બી.ટી. કિડની સવાણી હોસ્પિટલએ સૌરાષ્ટ્રના મેડિકલ ક્ષેત્રે નવો ઈતિહાસ રચ્યો છે. હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમે સતત 24 કલાકમાં એક સાથે ચાર કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક કરીને અનોખો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સિદ્ધિ સાથે અત્યાર સુધીમાં હોસ્પિટલ દ્વારા કુલ 50 દર્દીઓનું કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી તેમને નવી જિંદગી આપી છે.
તાજેતરમાં રાજકોટ જિલ્લાના સુલતાનપુર ગામના એક ખેડૂતનું અકસ્માત બાદ બે્રઈન ડેડ થવાથી તેમના કુટુંબીજનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરી હૃદય, લીવર તેમજ બંને કિડનીનું દાન કર્યું હતું. આ અંગદાનના કારણે અનેક દર્દીઓના જીવનમાં આશાનો નવો પ્રકાશ ફેલાયો છે. આ દાતાની બંને કિડની ઉપરાંત અન્ય બે કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસોનો સમાવેશ થતાં કુલ ચાર દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી. બી.ટી. કિડની સવાણી હોસ્પિટલની અનુભવી ડોક્ટરો, એનસ્થેશિયા ટીમ, નિંર્સગ સ્ટાફ અને ટેક્નિકલ ટીમે સંકલિત રીતે સતત 24 કલાક કામગીરી કરી તમામ સર્જરીઓ સફળ બનાવી.

હોસ્પિટલ દ્વારા કરાયેલ આ સિદ્ધિ માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત બની છે. અંગદાન પ્રત્યેની જનજાગૃતિ અને આધુનિક તબીબી સુવિધાઓના સંયોજનથી કિડનીના ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ માટે આશાની નવી દિશા ખુલ્લી થઈ છે.તબીબી ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ, એક જ હોસ્પિટલમાં ટૂંકા સમયગાળામાં ચાર કિડની ટ્રાન્સપ્લાન્ટ થવું એ ઉચ્ચ સ્તરની સુવિધા, સંકલન અને તબીબી કુશળતાનો પુરાવો છે. આ સિદ્ધિથી રાજકોટ હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઓળખાય તે દિશામાં આગળ વધી રહ્યું છે.
`વોઈસ ઓફ ડે’ મીડિયાને આપેલી વિશેષ મુલાકાતમાં રાજકોટના સિનિયર નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. દિવ્યેશ વિરોજા અને જાણીતા યુરોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. પંકજ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઇમરજન્સી મેડિકલ સર્જરી એ એવી પ્રક્રિયા છે જેમાં એક-એક ક્ષણ દર્દીના જીવન માટે નિર્ણાયક બની જાય છે. આવી ઘડીએ માત્ર ડોક્ટર નહીં પરંતુ એનસ્થેશિયા ટીમ, નિંર્સગ સ્ટાફ, ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર અને વહીવટી તંત્રની સંપૂર્ણ સંકલિત ટીમવર્ક જ જીવ બચાવવાનો આધાર બને છે. તે દિવસે હોસ્પિટલ સામે એકસાથે ચાર મોટા મેડિકલ પડકારો ઊભા થયા હતા. જેમાં એક કેસમાં માતા પોતાના પુત્રને કિડની દાન આપવાના હતા, જ્યારે શનિવારે સિનેર્જી હોસ્પિટલમાંથી ઓર્ગન હાર્વેસ્ટ મારફતે એક કિડની દાનમાં પ્રાપ્ત થઈ હતી. આ બંને કેસ અગાઉથી શેડ્યુલ મુજબ ચાલી રહ્યા હતા અને તમામ પ્રિ-ઓપરેટિવ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી.
એ જ સમયે ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના નિવાસી જયેશભાઈ ગોંડલિયાનો કેસ સામે આવ્યો. માર્ગ અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર થયેલા જયેશભાઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાંથી સવાણી કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બ્રેઇન ડેડની ઘોષણા માટે મેડિકલ પ્રોટોકોલ મુજબ 6-6 કલાકના અંતરે બે એપનિયા ટેસ્ટ કરવાના હોય છે, જે ચોક્કસ, ઝીણવટ સાથેની પ્રક્રિયા છે.
આ કેડેવર કેસમાં હાર્ટ ડોનેશન થવાનું હોવાથી ધબકતા હૃદયને સ્થિર અને સુરક્ષિત રાખવું સૌથી મોટો પડકાર હતો. ઓર્ગન પરફ્યુઝન જળવાઈ રહે તે માટે સતત મોનીટિંરગ, વેન્ટિલેટર સપોર્ટ અને દવાઓનું ચોક્કસ સંચાલન કરવામાં આવ્યું. તેથી દરેક વિભાગ વચ્ચે મિનિટ-ટુ-મિનિટ કો-ઓર્ડિનેશન રાખવામાં આવ્યું હતું.
ડો. વિરોજા અને ડો. ઢોલરીયાએ ભારપૂર્વક જણાવ્યું કે આ સમગ્ર પ્રક્રિયા માત્ર મેડિકલ કુશળતાનો દાખલો નથી, પરંતુ માનવતા, સંવેદનશીલતા અને ટીમ સ્પિરિટનું જીવંત ઉદાહરણ છે. એક પરિવારના દુખમાંથી અનેક જીવ બચાવવાની તક ત્યારે જ શક્ય બને છે જ્યારે તબીબી વ્યવસ્થા સંપૂર્ણ જવાબદારી અને સમર્પણ સાથે કાર્ય કરે.
અંતે તેમણે જણાવ્યું કે ઓર્ગન ડોનેશન અંગે સમાજમાં જાગૃતિ વધે તે અત્યંત જરૂરી છે, કારણ કે એક બ્રેઇન ડેડ વ્યક્તિ અનેક દર્દીઓ માટે નવી જિંદગીનું કારણ બની શકે છે. રાજકોટની મેડિકલ ટીમે જે રીતે એક જ દિવસે ચાર-ચાર મોટા કેસ સફળતાપૂર્વક સંભાળ્યા, તે સમગ્ર આરોગ્ય વ્યવસ્થાની કાર્યક્ષમતાનો ગૌરવભર્યો દાખલો આપ્યો છે.
