2023માં સૌથી વધુ ગુનાખોરી : ગુજરાત ટોપ 5 માં ચોથા ક્રમે, ભારતના આ 2 રાજ્યો ટોપ પર, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો અહેવાલ
1981 થી 2023 સુધી દેશમાં થયેલા તમામ ગુનાઓનો તુલનાત્મક ડેટા રજૂ કરવામાં આવ્યો છે. કોવિડ-19 રોગચાળા દરમિયાન, 2020 માં દેશમાં નોંધાયેલા ગુનાઓની સૌથી વધુ સંખ્યા 42,54,356 હતી. 1981 થી 2023 સુધી આ સૌથી વધુ હતી. 2020 ને બાદ કરતાં, 2023 માં દેશમાં નોંધાયેલા ગુનાઓની સૌથી વધુ સંખ્યા જોવા મળી હતી. હત્યા અને અપહરણના કેસમાં યુપી અને બિહાર દેશમાં ટોપ પર રહ્યા હતા. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલમાં આ જાણકારી અપાઈ હતી. 2023 માં 62 લાખ 41 હજાર કેસ દાખલ થયા હતા.
આ ગુનાઓમાં વધારો
સાયબર ક્રાઇમ અને મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થયો. અપહરણ, અકસ્માતો અને હિટ-એન્ડ-રન ઘટનાઓમાં પણ વધારો થયો. જોકે, ડેટા અનુસાર, હત્યાના કેસોમાં ઘટાડો થયો છે. 2023 માં, બધા રાજ્યોમાં 62,41,569 કેસ નોંધાયા હતા, જે 2022 માં 58,24,946 કેસની સરખામણીમાં 7.2% નો વધારો દર્શાવે છે.
સાયબર ક્રાઇમના કેસોમાં પણ વધારો
સાયબર ક્રાઇમમાં સૌથી મોટો વધારો થયો હતો. જેમાં 2022 ની સરખામણીમાં 31 ટકાથી વધુનો રેકોર્ડ વધારો થયો છે. સાયબર છેતરપિંડી, ડિજિટલ ધરપકડ, સેક્સટોર્શન અને લોકો સામે ખંડણી જેવી ઘટનાઓમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. ચોરીના કેસો પણ નોંધાયા છે.
દરમિયાનમાં અહેવાલમાં એવો પણ ઉલ્લેખ છે કે દેશમાં અપહરણની ઘટનાઓમાં પણ ઘણો વધારો જોવા મળ્યો હતો. આંકડા મુજબ આ પ્રકારની ઘટનાઓમાં 5 ટકાનો વધારો નોંધાયો હતો. બાળકો સામેના ગુનાઓમાં 9 ટકાનો વધારો થયો હતો.
ગુજરાત ટોપ -5 માં 4થા ક્રમે રહ્યું
દેશમાં ગુના દરની યાદીમાં ઉત્તર પ્રદેશ ટોચ પર છે. મહારાષ્ટ્ર બીજા ક્રમે છે, ત્યારબાદ કેરળ આવે છે. ગુજરાત અને તમિલનાડુ ટોચના પાંચ રાજ્યોમાં ચોથા ક્રમે છે. 2023ના ડેટા અનુસાર, આ રાજ્યોમાં દેશના અન્ય તમામ રાજ્યોની તુલનામાં સૌથી વધુ ગુનાના કેસ નોંધાયા છે.
