હાય ગરમી !! રાજકોટમાં અંગ દઝાડતી ગરમી, તાપમાનનો પારો 39.3 ડિગ્રીએ પહોંચ્યો
રાજકોટ મહાનગર પાલિકાના સેન્સરમાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું
રાજકોટ : રાજકોટ સહિત રાજ્યભરમાં શુક્રવારથી મહત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડવાનો શરૂ થયો છે ત્યારે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં અકળાવનારી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના આંકડા મુજબ શનિવારે રાજકોટમાં અંગ દઝાડતી ગરમીના અહેસાસ વચ્ચે મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું હતું. જયારે રાજકોટ કોર્પોરેશનના સેન્સર મુજબ રેષકોર્ષ પાસે 42.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
માર્ચ મહિનામાં ઉનાળાનો સત્તાવાર પ્રારંભ થયો હોય તેમ શનિવારે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 39.3 ડિગ્રીને આંબી ગયો હતો. સાથે જ હવામાન વિભાગે આગામી તા.12 માર્ચ સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અકળાવનારી ગરમીનો અહેસાસ થવાની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન રાજકોટમાં 39.3 ડિગ્રી રહ્યું હતું. જયારે અમરેલીમાં 38.8, ભુજમાં 38.7, ગાંધીનગર અને ડીસામાં 38.4, અમદાવાદમાં 38.2, વડોદરામાં 37.6, સુરતમાં 37.2, ભાવનગરમાં 35.7,કંડલામાં 35.3 અને નલિયામાં 35.2 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકાના સેન્સરમાં આજે રેષકોર્ષ નજીક 42.5, ત્રિકોણબાગે 41.9, મહિલા કોલેજ ચોકમાં 40.9 અને મોરબી રોડ ખાતે 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.