રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં ગેરરીતિ રોકવા હેલ્પલાઇન નંબર જાહેર : મંગળવારે ગણતરી
- મહિલા બેઠક માટે સાતેય મતદાન મથકો ખાતે મતદાન થશે, જેતપુરનું મતદાન મથક મહિલા સંચાલિત
રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંકની રસાકસી ભરી ચૂંટણી આજે યોજાનાર છે ત્યારે શનિવારે બપોરે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકાર પરિષદમાં આજે મતદાન બાદ આગામી તા.19ને મંગળવારે રાજકોટ નાગરિક સહકારી બેંકની હેડ ઓફીસ ખાતે મતગણતરી કરવામાં આવશે તેમ જાહેર કરી ચૂંટણીમાં ગેરતીતી રોકવા કંટ્રોલરૂમ શરૂ કરી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં છ બેઠક બિન હરીફ થઈ છે જેથી હવે 15 બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં કુલ 332 મતદારો મતદાન કરશે. જો કે, મહિલા સદસ્યની પસંદગી માટે મુંબઈ સુરત સહિતના તમામ મતદાન મથકો ખાતે મતદાન થનાર હોવાનું જણાવી. જેતપુર ખાતેનું મતદાન મથક સંપૂર્ણ મહિલા સંચાલિત બનાવવામાં અવ્યાનુ જાહેર કર્યું હતું.
વિશેષતઃ કેન્દ્ર સરકારના કો ઓપરેટિવ ઇલેક્શન કમિશન દ્વારા નવા કાયદા મુજબ રાજકોટમા પ્રથમ વખત જ પારદર્શી ચૂંટણી યોજાઈ રહી છે જેમાં 56 જેટલો સ્ટાફ રોકાયેલ હોવાનું અને તમામ મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. સાથે જ આગામી તા.19ના રોજ સવારે 8 વાગ્યાથી નાગરિક સહકારી બેન્ક ખાતે મતગણતરી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. નાગરિક બેંકની ચૂંટણીમા ગેરરીતિની ફરિયાદ નિવારણ માટે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે 0281- 2471573 ઉપર ફરિયાદ નોંધાવી શકશે તેમ જણાવ્યું હતું.
