ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત : પોલીસ વડાએ લખ્યો પત્ર
રાજ્યમાં સરકારી કચેરીમાં કામ કરતાં કર્મચારિઓ માટે સરકાર દ્વારા હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે હવે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજયમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ/કોલેજોમાં અંદાજીત ૧૬.૪ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટા ભાગે દ્વિ-ચક્રી વાહનોનો ઉપયોગ કરે છે તેવો પત્ર પોલીસ વડા દ્વારા લખવામાં આવ્યો છે. તમામ ખાનગી તથા સરકારી યુનિવર્સીટીનાં વાઇસ ચાન્સેલર (VC)ને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્ર લખી અપીલ કરી છે.
રાજ્યના પોલીસ વડાએ પત્ર લખીને શું અપીલ કરી?
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્ર લખ્યું કે, ‘રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજીત 16.4 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ અવર-જવર માટે મોટા ભાગે ટુ-વ્હીલરનો ઉપયોગ કરે છે. રાજ્યમાં વર્ષ 2023 દરમિયાન માર્ગ પર અકસ્માત થવાના કારણે કુલ 7,854 લોકો મૃત્યુ નિપજ્યા હતા. જેમાં 2,767(35%) લોકોના મૃત્યુ હેલ્મેટ ન પહેરવાને કારણે થયા હતા. જેમાંથી 2,082 (26.50%) વ્યક્તિ 26 વર્ષની નીચેની વયના છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. જેમાં મુખ્યત્ત્વેયુનિવર્સિટીમાં વિધાર્થીઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હોય છે.
હેલ્મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલુ છે. હેલ્મેટનો ઉપયોગ કરવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓનું જોખમને ઘટાડી શકાય છે. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 129 મુજબ ટુ-વ્હીલર ચાલક તેમજ પાછળ બેસનાર વ્યકિતએ હેલ્મેટ પહેરવું ફરજીયાત છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ (ખાનગી/સરકારી) પણ પોતાના તમામ અધિકારી/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પ્રોત્સાહિત કરે તે માટે આપના સહકારની વિનંતી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત હાઇકોર્ટની ઝાટકણી બાદ રાજ્યમાં તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે. સચિવાલયના તમામ વિભાગ ઉપરાંત તમામ સરકારી, અર્ધસરકારી કચેરી, બોર્ડ-નિગમ, સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ/કર્મચારીઓ અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવો ફરજિયાત છે. ત્યારે હવે યુનિવર્સિટીઓમાં હવે ટુ-વ્હીલર લઇને આવતા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે.