ઉનાના વાંસોજ ગામે હ્રદયદ્વાવક ઘટના! ફોટો વાઇરલ કરવાની ધમકીથી તૂટી ગઇ માતા: ગર્ભવતી મહિલાનો આપઘાત,ત્રણેય આરોપીની ધરપકડ
ઉના તાલુકાના વાંસોજ ગામે હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે. પડોશમાં રહેતા ત્રણ માથાભારે શખસ દ્વારા ફોટા અને ઓડિયો રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકી અપાતા, એક પરણિતાએ આબરૂ જવાની બીકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે, મૃતક મહિલા ગર્ભવતી હતી અને તેમની ત્રણ માસૂમ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે. વાંસોજ ગામે રહેતા ભુપતભાઈ સોલંકી અને તેમના પત્ની ભાવનાબેન પોતાની ત્રણ પુત્રી સાથે જીવન જીવી રહ્યા હતા. જોકે, તેમના પડોશમાં રહેતા ધીરુ જીવા બારૈયા, ઉમેશ જીવા બારૈયા અને સંજય જીવા બારૈયા નામના ત્રણ શખસ છેલ્લા બે મહિનાથી ભાવનાબેનને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આરોપી ઉમેશ પાસે ભાવનાબેનના કેટલાક ફોટા અને રેકોર્ડિંગ હોવાનું કહી તેને વાઇરલ કરવાની સતત ધમકીઓ આપતો હતો. સામાજિક પ્રતિષ્ઠા ખરડાશે તેવા ડરથી ફાંસો ખાઇ લીધો હતો.
ગત તારીખ 24ના રોજ રાત્રિના આશરે 10:30 વાગ્યે, જ્યારે ભુપતભાઈ અને ભાવનાબેન ઘરે હતા અને તેમની પુત્રીઓ સુઈ ગઈ હતી ત્યારે આ ત્રણેય શખસ તેમના ઘરે ધસી આવ્યા હતા.
આ પણ વાંચો :સ્ટાઈલ+વેલ્યુ=સિલ્વર: વ્હાઈટ જવેલરીની ડિમાન્ડ વધી, ‘રોલરકોસ્ટર ભાવ’વચ્ચે ગોલ્ડ મોંઘું થતાં સ્ટર્લિંગ સિલ્વરનો ક્રેઝ
આરોપીઓએ દંપતીને ઘરની બહાર બોલાવી જાહેરમાં અપમાનિત કર્યા હતા અને ધમકી આપી હતી કે, તમે જોઈ લેજો, તમારી ઇજ્જત અને આબરૂ અમે કાઢી નાખીશું. આ ધમકીથી ગભરાયેલા ભાવનાબેને બાજુના રૂમમાં જઈ પંખા સાથે લટકી ફાંસો ખાઈ લીધો હતો. ભાવનાબેને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરતા પહેલાં રાત્રે 11:47 વાગ્યે પોતાના મોબાઈલ સ્ટેટસમાં પોતાની દીકરી સાથેનો ફોટો મૂક્યો હતો.
આ સ્ટેટસ કદાચ તેમની છેલ્લી સંવેદના હતી. ઘટનાની જાણ થતા જ નવાબંદર પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના પતિ ભુપતભાઈએ ત્રણેય આરોપી વિરુદ્ધ મરવા મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. એફ.એસ.એલ.ની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા છે.
પી.એસ.આઇ. એમ.એ. રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતક અને આરોપી વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ કબજે કરવામાં આવી છે. આરોપીઓના મોબાઈલ ફોન પણ એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે જેથી ડિલીટ કરેલા રેકોિંર્ડગ અને ડેટા રિકવર કરી શકાય. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી ઉમેશે અગાઉ પોલીસમાં ખોટી અરજી કરી હતી કે ભુપતભાઈએ તેની પાસેથી 50 હજાર રૂપિયા લીધા છે. આ બાબતે દંપતી પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા પણ ગયું હતું. આરોપીના પરિવારના સભ્યોએ પણ અગાઉ ઘરે આવીને ભાવનાબેનને ઠપકો આપી માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલાની વધુ તપાસ નવાબંદર ઙ.જ.ઈં. એમ.એ. રાઠોડ ચલાવી રહ્યા છે.
