રાજકોટમાંમાં ખાખીનો ખોફ ઓસર્યો? રામનાથપરા વિસ્તારમાં ભોજન લઈ ઘરે જઈ રહેલા બે યુવકને આંતરી ત્રિપૂટી સ્કૂટર-ફોન લૂંટી ગઈ
રાજકોટમાં હવે ખાખીનો ખોફ સાવ ઓસરી જ ગયો હોય તેવી રીતે પોલીસની કામગીરીને દરરોજ ધૂળધાણી કરી નાખતી ઘટના પ્રકાશમાં આવી રહી છે. લોકોનું હવે રાત્રીના સમયે નીકળવું કપરું બની ગયું હોય તેવી રીતે બહાર નીકળે તો લૂંટ અને ચોરીનો ભય સતાવ્યા વગર રહેતો નથી. આવી જ એક લૂંટની ઘટના એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં બનવા પામી હતી જ્યાં ભોજનનું પાર્સલ લઈને ઘેર જઈ રહેલા બે યુવકને આંતરી ત્રણ શખસો સ્કૂટર અને ફોનની લૂંટ કરી ફરાર થઈ જતા પોલીસે `રાબેતા મુજબ’ તેમની શોધખોળ શરૂ કરી હતી.
આ અંગે મરચા પીઠમાં દાવલશા પીરની દરગાહ પાસે રહેતા મારફત શેખે નોંધશવેલી ફરિયાદમાં જણાવ્યું કે તે સંતકબીર રોડ ઉપર આવેલી દુકાનમાં ઈમિટેશનનું કામ કરે છે. ત્રણ દિવસ પહેલાં તે રાત્રે 11 વાગ્યા આસપાસ તેના મિત્ર મિરાજુલ રહેમાન શેખ સાથે શેઠની માલિકીનું સ્કૂટર લઈ હાથીખાનામાં જમવાનું લેવા ગયો હતો.
આ પણ વાંચો : ‘મને સારું નહીં જ થાય’ટીબીની બીમારીથી પીડાઈ રહેલા દર્દીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ કર્યો આપઘાત
આ પછી 11ઃ30 વાગ્યા આસપાસ ઘેર જઈ રહ્યો હતો ત્યારે કપિલા હનુમાનજી મેઈન રોડ પર બચુબાપા શેરડીવાળાની દુકાન પાસે પહોંચ્યા કે ત્રણ સ્વારીમાં આવેલા સ્કૂટર ચાલકે બન્નેને રોકી પાછળ બેઠેલા મીરાજુલને માર માર્યો હતો. આ પછી સ્કૂટરની ચાવી લઈ એક શખસ સ્કૂટર લઈને નાસી ગયો હતો. જ્યારે બાકીના બે શખસો પૈકી એક શખસે ચપ્પુ બતાવી મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આમ સ્કૂટર અને એક્ટિવા લઈ ત્રણેય ભગવતીપરા તરફ નાસી જતા તેમનો પીછો કર્યો હતો પરંતુ હાથમાં આવ્યા ન્હોતા. પોલીસે ફરિયાદના આધારે ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી.
