હર્ષ સંઘવી કદમાં વામન, પદમાં વિરાટ : 3 વર્ષ બાદ ફરી બેઠી કરાયેલી નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપાઇ
રાજ્ય સરકારમાં દોડવીર કે યુવા એકલવીર જેવા કદમાં ભલે વામન પરંતુ કાર્યમાં વિરાટ દાદાની સરકારના ટ્રબલ શુટર મનાતા ગૃહમંત્રી હર્ષ સંઘવી પર કેન્દ્રીય મોવડી મંડળે મજબૂતીભર્યો વિશ્વાસ મુકીને પદમાં વિરાટ સ્વરૂપ સાથે આજના નવા વિસ્તરણમાં નાયબ મુખ્યમંત્રીની (સેકન્ડ ટૂ સી.એમ.) મહત્વની ખુરશી સોંપી છે. રાજ્યમાં ગૃહમંત્રી તરીકે સડસડાટ દોડેલા સફળ રહેલા હર્ષ સંઘવીના શીરે હવે ડેપ્યુટી સી.એમ.ની જવાબદારી મુકાઈ છે. આગામી વર્ષમાં ગુજરાત રાજ્યને વૈશ્વિક કક્ષાનું સ્પોર્ટ્સ હબ બનાવવા જઈ રહેલી કેન્દ્રીય નેતાગીરી દ્વારા ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ તથા ઓલિમ્પિકના વૈશ્વિક કક્ષાના આયોજનની પૂર્વ ભૂમિકાને લઈને પણ વિશ્વાસુ અને દોડતા હર્ષ સંઘવીને વિરાટ પદ સોંપાયુ માની શકાય.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ગત મંત્રી મંડળ 17 મંત્રીઓનું સિમિત મંત્રી મંડળ હતું જેમાં પણ સરકારના સંકટ મોચન તરીકે મહત્વનો રોલ હોમ, સ્પોર્ટ્સ તથા ટ્રાન્સપોર્ટ વિભાગનો હવાલો સંભાળતા હર્ષ સંઘવીનો જ રહ્યો હતો. ચાહે રાજકોટમાં બનેલો ટીઆરપી કાંડ હોય, વડોદરાનો હરણીકાંડ કે પછી અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટના. બધામાં આરંભથી અંત સુધી હર્ષ સંઘવી રાજ્ય સરકારમાં તેમજ કેન્દ્રીય સરકાર નેતાગીરીમાં સેતુરૂપ બન્યા. સંકલન સાથે આવા ગંભીર મામલાઓ સી.એમ. અને અન્ય સહયોગી મંત્રીઓ સાથે રહીને સુલટાવ્યા. ગમે તેવી ઘટનાઓ, દૂર્ઘટનાઓમાં હર્ષ સંઘવી તુરંત જ પહોંચી જતાં અને અગ્રેસર રહેતા. તેમની સરકારી વિભાગો, અધિકારીઓમાં પકડ અને કામ લેવાની આવડત પર પણ કેન્દ્રીય મોવડી મંડળની નજર રહી હશે જેથી જ કામની કદરરૂપે આવું રાજ્યનું મહત્વનું પદ મળ્યું ગણી શકાય.
વિજયભાઈ રૂપાણીની સરકાર બાદ ડેપ્યુટી સી.એમ.ની ખુરશી (પદ) સાઈડ કરાયું હતું. આ વખતે આજે થયેલા વિસ્તરણમાં નાયબ મુખ્યમંત્રી (ડે.સી.એમ.)ના પદને ફરી બેઠું કરાયું હતું. ખાસ તો નજીકના સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની પાલિકા, મહાપાલિકાની ચૂંટણીઓ ઉપરાંત 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ત્રણ વર્ષના અંતરાલ બાદ નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ ફરી એક્ટિવ કરાઈ હોય તેવું માની શકાય. એ ઉપરાંત ગુજરાતમાં કોમન વેલ્થની તૈયારીઓ તેમજ ઓલિમ્પિક પણ યોજાનારા હોવાથી આ તૈયારીઓ પણ ખુબ જ અગત્ય અને પુરા દેશ માટે ગર્વ સાથે કેન્દ્ર તથા રાજ્ય સરકાર માટે પણ મહત્વપૂર્ણ છે.
ઉપરોક્ત આ બધા પાસાઓને ધ્યાને લઈને તેમજ જૈન સમાજનો ચહેરો અને વહીવટ કુશળતાને લઈને ભલે કદમાં વામન એવા હર્ષ સંઘવીને પદમાં વિરાટ એવી નાયબ મુખ્યમંત્રીની ખુરશી સોંપવામાં આવી છે.
