રાજકોટમાં હાર્દિક પંડયાની શાનદાર બેટિંગ: વિજય હઝારે ટ્રોફીમાં વડોદરા વતી 68 બોલમાં સદી ફટકારી બોલરોને હંફાવ્યા
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ રાજકોટમાં પોતાના `હાર્ડહિટિંગ’થી હરિફ ટીમના બોલરોને રીતસરના હંફાવ્યા હતા. વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં વડોદરા વતી પોતાની પહેલી જ મેચ રમવા ઉતરેલા હાર્દિકે 68 બોલમાં સદી તો 92 બોલમાં 133 રન બનાવ્યા હતા. તેણે એક જ ઓવરમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગો લગાવીને 34 રન પણ લીધા હતા. જો કે તેની આ ઈનિંગ એળે ગઈ હતી કેમ કે વિદર્ભ વતી અમન મોખાડાએ અણનમ 150 રન બનાવી ટીમને શાનદાર જીત અપાવી હતી.
હાર્દિકે 39મી ઓવરમાં સ્પિનર પાર્થ રેખડેની બોલિંગમાં સળંગ પાંચ છગ્ગા અને એક ચોગ્ગો લગાવી 68 બોલમાં સદી પૂર્ણ કરી હતી. મેચમાં બરોડાની શરૂઆત અત્યંત ખરાબ રહી અને ટીમ 71 રને પાંચ વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. આવામાં હાર્દિક પંડ્યાએ મોરચો સંભાળ્યો અને ટીમને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિકે તેના ભાઈ કૃણાલ સાથે મળીને 65 રનની ભાગીદારી કરી હતી. આ પછી વિષ્ણુ સોલંકી સાથે 45રન ઉમેર્યા હતા. હાર્દિકની દમદાર ઈનિંગની મદદથી જ બરોડા 50 ઓવરમાં 293 રનના સ્કોર સુધી પહોંચી શક્યું હતું.
આ પણ વાંચો :સિનિ. IPS શમશેરસિંઘ બેક ટુ હોમ રાજ્યના DGP બનાવાશે? ભારે કુતુહલ સાથે ઇંતજાર
જો કે લક્ષ્યાંક હાંસલ કરવા બીજો દાવ લેવા ઉતરેલા વિદર્ભે 41.1 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી 296 રન બનાવી લીધા હતા. વિદર્ભ વતી અથર્વ ટાયડે અને અમન મોખાડે વચ્ચે 127 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. આ વેળાએ અથર્વ 65 રન બનાવી આઉય થયા બાદ અમન અને ધ્રુવ શૌર્યએ પોતાની વિકેટ ગુમાવ્યા વગર ટીમને લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધી હતી. અમન મોખાડેએ 121 બોલમાં 17 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 150 અને ધ્રુવ શૌર્યએ 76 બોલમાં 65 રન બનાવ્યા હતા. બોલિંગમાં હાર્દિક પંડ્યાએ બે ઓવરમાં 15 રન આપ્યા પરંતુ વિકેટ મેળવી શક્યો ન્હોતો.
