સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી : મહાઆરતી,લાઈવ કોન્સર્ટ,આતશબાજી સહિતના યોજાશે કાર્યક્રમો
હિન્દુ ધર્મમાં હનુમાન જન્મોત્સવનું વિશેષ મહત્વ છે. દર વર્ષે હનુમાન જન્મોત્સવની ઉજવણી રાજ્યમાં ધામધૂમથી કરવામાં આવે છે. હનુમાન ભક્તો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ 12 એપ્રિલ 2025 ના રોજ ઉજવાશે. ત્યારે સાળંગપુરધામમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હનુમાન જન્મોત્સવને લઈને ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં પણ સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં હોય છે ત્યારે હનુમાન જન્મોત્સવના દિવસે કીડિયારું ઉભરાઇ તેવી રીતે ભક્તો ઉમટી પડશે તેવી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે.

આ વર્ષે શનિવાર અને હનુમાન જન્મોત્સવનો ખાસ સંયોગ છે ત્યારે સાળંગપુરધામ ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. શનિવાર અને 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. હવે તૈયારીઓને આખરી આપ આવામાં આવી રહી છે.

સાળંગપુર ખાતે યોજાશે વિવિધ કાર્યક્રમો
- હનુમાન જન્મોત્સવ પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો કરવામાં આવશે ભવ્ય અભિષેક
- બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાશે. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર કરશે ધારણ
- 251 પુરૂષ-મહિલા ભક્તો સાફા ધારણ કરીને દાદાને રાજી કરશે. 108 બાળકો દાદાના વિજયી લહેરાવશે ધ્વજને.
- આ તકે આફ્રિકન સીદી ડાન્સ જબરદસ્ત જમાવશે આકર્ષણ
- ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને કરશે મંત્રમુગ્ધ
- 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે.

સમુહ આરતી, આતશબાજી અને લાઇવ કોન્સર્ટ પણ યોજાશે
સાળંગપુર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણીના ભાગ રૂપે કષ્ટભંજન દેવના મંદિરે સમૂહ આરતી, આતશબાજી અને લાઈવ કોન્સર્ટનું પણ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 11 એપ્રિલ શુક્રવારે રાત્રે 8.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે.

કેક કટ કરીને હનુમાનજીના જન્મોત્સવની કરાશે
11 એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે. આખી રાત સંગીત સંધ્યામાં મોટા કલાકારો દાદાના ભજન સંભળાવશે, કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં આપણે નાચી, ઝૂમીને દાદાને પ્રસન્ન કરશે . હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા થઈને કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી કરવાની છે. બીજા દિવસે સવારે વહેલા મંગળા આરતી થશે, ત્યાર પછી શણગાર આરતી થશે આ પછી દાદાના પ્રાંગણમાં મોટી કેક કાપીને ફુગ્ગા ઉડાવીને હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરીશું. ત્યાર પછી હનુમાનજીનું રાજોપચાર પૂજન થશે. આ ઉપરાંત દાદાને સુવર્ણના શણગાર અને અન્નકુટ પણ ધરાવાશે. આ સાથે હનુમાનજીના મહાયજ્ઞનું પણ આયોજન કરાયું છે.

સાળંગપુરમાં ભક્તો માટે પાર્કિંગની વ્યવસ્થા
સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો કામગીરીમાં જોડાયા છે. માઈક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે.
