અધધધ…..આકારણીનો આક્રોશ:જો નિર્ણય નહિ તો રાજકોટ માર્કટિંગ યાર્ડના વેપારીઓનું આંદોલન
10 કરોડનું ટર્નઓવર,10 લાખ કમિશન ને 90 લાખની આઈ.ટી.ની ડિમાન્ડ
300થી વધુ વેપારીઓ આવકવેરાની ઓફીસએ પહોંચ્યા, આસિસ્ટન્ટ કમિશનરને આવેદન સાથે રજુઆત:17 જેટલાં એજન્ટોને નોટિસ મળી,4 દિવસ બાદ ફરી ચીફ કમિશનરને મળશે વેપારીઓ
રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓને ૯૦ લાખથી લઈ 4 કરોડ સુધીની વ્યક્તિગત ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા યાર્ડમાં હોબાળો મચી ગયો હતો. હજુ આગામી દિવસોમાં વધુ નોટિસોનો ઘણો નીકળે તે પહેલા જ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને હોદ્દેદારો રાજકોટ ઇન્કમટેક્સ વિભાગની ઓફિસે પહોંચ્યા હતા અને આ નોટિસો અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવાની માંગણી સાથે આસિસ્ટન્ટ કમિશનર પ્રવિણ વેતાળ ઉગ્ર રજૂઆતો કરી હતી.
સોમવારે સવારે આવકવેરા વિભાગની કચેરી શરૂ થતા ની સાથે જ રાજકોટ માર્કેટિંગ યાર્ડના 300 જેટલા વેપારીઓ અને કમિશન એજન્ટો રેસકોર્સમાં આવેલી આવકવેરા વિભાગની ઓફિસે પહોંચા હતા જ્યાં ચીફ કમિશનર “હાજર” ન હોવાથી તેમની આ રજૂઆત હેડ ક્વાર્ટરના આસિસ્ટન્ટ કમિશનર ને કરવામાં આવી હતી.
રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોધરા અને અતુલ કમાણીએ જણાવ્યું હતું કે,યાર્ડમાં 17 જેટલા કમિશન એજન્ટોને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ સરકારી છે જેમાં આ દલાલો ગામડેથી ખેડૂતની જણસીના વેચાણ પર કમિશન લેતા હોય છે ત્યારે કમિશન પર આકારણી કરવાના બદલે આવકવેરા વિભાગે ટર્ન ઓવર પર આકારણી કરી નાખી છે જેના લીધે ૯૦ લાખથી લઇ ચાર કરોડ સુધીની નોટિસ મળતા વેપારીઓ હચમચી ગયા છે. હાલમાં કમિશનર ન હોવાથી ચાર દિવસ પછી યાર્ડના વેપારીઓને મળવા માટેની મુદત આપવામાં આવી છે તબક્કા વાર રજૂઆતો થશે જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ના છૂટકે માર્કેટિંગ યાર્ડ બંધ રાખી આંદોલન કરવામાં આવશે તેવું હોદ્દેદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું.
કમિશનના બદલે ટર્ન ઓવર પર ટેક્સ નાખી દીધો
યાર્ડના સત્તાધીશો એ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કે 17 જેટલા વેપારીઓને નોટિસ આવકવેરા દ્વારા મળી છે .જેમાં આખા વર્ષ દરમિયાન દસ કરોડના ટર્ન ઓવર પર એજન્ટ ને એક ટકા લેખે 10 લાખ રૂપિયાની જ આવક થતી હોય છે ત્યારે આવકવેરા વિભાગે આ કમિશનને આવક પર ટેક્સ નાખવાના બદલે ટ્રાન્ઝેક્શન પર આકારણી કરતા કરોડો રૂપિયાની નોટિસ મળી છે, આ નોટિસમાં 48 કલાકમાં જવાબ આપવા માટેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હોવાથી વેપારીઓ રોષે ભરાયા છે.
બોક્સ 2 યાર્ડની જેમ જ રાજકોટ જિલ્લાની 60 સહકારી મંડળીઓને પણ રૂ.2 થી 8 કરોડની નોટિસ ફટકારી હતી….!!
રાજકોટ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની જેમ રાજકોટ જિલ્લાની 60 જેટલી સહકારી મંડળીને પણ આવકવેરા વિભાગે બે થી આઠ કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારતા ભારે ઉહાપો મચી ગયો હતો. જોકે હાલમાં સહકારી મંડળીઓએ એક ટકા લેખે રકમ ભરીને અપીલમાં ગયા છે જેમાં ખેડૂતોએ લીધેલું ધિરાણની રકમ રોકડમાં પરત કરી હોવાથી આવકવેરા વિભાગે આ ટ્રાન્જેક્શન પર સહકારી મંડળીઓને નોટિસો ફટકારી હતી જેના લીધે એક રાજકીય મહાનુભાવે આ અંગે મધ્યસ્થી બની ઇન્કમટેક્સના ચીફ કમિશનરને સમગ્ર વિગત દર્શાવતા સહકારી મંડળીઓને ડિમાન્ડની રકમ ભરવામાં રાહત આપી છે જેમાં ૨૦ ટકા રકમ ભરીને અપીલમાં જવાના બદલે એક ટકા રકમ ભરીને અપીલમાં જવા માટેની મંજૂરી આપી હોવાથી હાલમાં આ કેસ અપીલમાં ચાલી રહ્યો છે.