જ્ઞાનપ્રકાશ સ્વામીની સાન ઠેકાણે આવી : લાખો લોકોની લાગણી દુભાવ્યા બાદ સ્વામીએ વિરપુરમાં રૂબરૂ આવી માફી માંગી
જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિવાદનો આખરે અંત આવ્યો છે. લાખો ભક્તોની માંગણી અને રઘુવંશી સમાજના આક્રોશને પગલે સ્વામી જ્ઞાન પ્રકાશ આજે વીરપુર સ્થિત જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા . સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર નંબર પ્લેટ વિનાની કાળા કાચની સ્કોર્પિયો કારમાં આવ્યા હતા જ્યાં તેમને પોલીસે પાયલોટિંગ આપવામાં આવ્યું હતું. લાખો ભક્તોની લાગણી દુભાયા બાદ આખરે સ્વામીએ વિરપુરમાં આવીને રૂબરૂ માફી માંગી હતી તેમજ જલારામ બાપા સમક્ષ પણ માફી માંગી હતી.
આજે સવારે, સ્વામી જ્ઞાન પ્રકાશને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીરપુર લાવવામાં આવ્યા હતા. તેઓ બ્લેક કલરની સ્કોર્પિયો ગાડીમાં વીરપુર પહોંચ્યા હતા, પરંતુ મીડિયાથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો. સ્વામીને સીધા મંદિરના પાછળના ભાગેથી મંદિરમાં લઈ જવાયા હતા, જ્યાં તેમણે જલારામ બાપાના ચરણોમાં માથું નમાવી માફી માંગી હતી. સ્વામીનારાયણ સંપ્રદાય ના જ્ઞાનપ્રકાશ નિયમોનો પણ ઉલાળિયો કર્યો હતો. કાળા કાચવાળી ગાડીમાં વિરપુર પહોંચતા વધુ એક વિવાદમાં સપડાયા છે.
શું છે સમગ્ર મામલો
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામી સુરતના અમરોલીમાં સત્સંગમાં હાજરી આપવા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કહ્યું હતું કે, ‘જલારામ બાપાનો ઈતિહાસ ગુણાતિત સ્વામી સાથે જોડાયેલો છે. ગુણાતિત સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યા હતાં. જલારામ બાપાએ સદાવ્રત માટે ગુણાતિત સ્વામી પાસે આશિર્વાદ માંગ્યા હતાં કે, સ્વામી મારું એક માત્ર લક્ષ્ય છે કે, અહીં કાયમ માટે સદાવ્રત ચાલે અને જે કોઈ અહીં આવે તેમને પ્રસાદ મળે. જલા ભગતે ગુણાતિત સ્વામીને બાટી અને દાળ જમાડ્યાં. બાદમાં સ્વામીએ જલા ભગતને આશિર્વાદ આપ્યાં કે, તમારો ભંડાર કાયમ ભર્યો રહેશે.’ સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદનથી ભારે વિવાદ પેદા થયો હતો અને રઘુવંશી સમાજના લોકો રોષે ભરાયા હતા.