રાજકોટમાં બેખૌફ ફાયરિંગ કરનાર બન્ને ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર તૈયાર: પેંડા ગેંગના 7 અને મરઘાં ગેંગના 3 શખ્સોની ‘ટ્રીટમેન્ટ’ કરતી પોલીસ
ગત 29 ઑક્ટોબરની રાત્રિના 3:30 વાગ્યે મંગળા રોડ ઉપર બે ગેંગ વચ્ચે સામસામું ફાયરિંગ થતાં આખું શહેર હચમચી ગયું હતું ત્યારે આ ગંભીર ગુનામાં કોઈ ફરિયાદી ન બનતા આખરે પોલીસે ફરિયાદ નોંધાવી એક બાદ એક આરોપીને પકડવાનું શરૂ કરતા પેંડા ગેંગના સાત લોકોને દબોચી લેવામાં સફળતા મળી હતી. સાતેયને પકડી પાડી પોલીસ દ્વારા ક્યારેય ન ભૂલાય તે પ્રકારે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે ત્યારે સામાપક્ષે મરઘા ગેંગના ત્રણ શખસોને પણ રાઉન્ડ અપ કરી લેવાયા હોવાથી ટૂંક સમયમાં જ બન્ને ગેંગ પોલીસના કબજામાં આવી જશે. બીજી બાજુ બેખૌફ બનીને ફાયરિંગ કરનાર બન્ને ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે.
ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવાએ જણાવ્યું કે જૂની અદાવતમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું ત્યારે મંગળા રોડ પર બનેલી ઘટનામાં મરઘા ગેંગના સમીર જુણેજાએ તો પેંડા ગેંગમાંથી હર્ષદીપસિંહ ઉર્ફે મેટીયો સાત્યકિસિંહ ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ દિનેશભાઈ રાબા સહિતનાએ ફાયરિંગ કર્યું હતું. સદ્ભાગ્યે ફાયરિંગમાં કોઈને ઈજા પહોંચી ન્હોતી પરંતુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ખુદ ફરિયાદી બની આરોપીઓની શોધખોળ કરતાં પેંડા ગેંગમાં સામેલ સાત આરોપીઓને માલિયાસણ પાસેથી પકડી લેવામાં આવ્યા હતા. પકડાયેલા હર્ષદીપસિંહ ઉર્ફે મેટિયો સાત્યકિસિંહ ઝાલા, જયવીક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ દિનેશભાઈ રાબા, હિંમત ઉર્ફે કાળુ અમુદાન લાંગા, લક્કીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા, મનિષદાન નવલદાન બાદાણી અને પરિમલ ઉર્ફે પરિયો ત્રિભોવનભાઈ સોલંકી પકડાઈ ગયા હતા.
આ સાતેય પાસેથી ભારતીય બનાવટની બે દેશી પીસ્તલ, એક જીવતું, એક ખાલી અને એક મીસ થયેલું કારતૂસ ઉપરાંત ફાયરિંગ કરવા માટે જે કારમાં ગયા હતા તે આઈ-20 કાર અને મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા હતા સાથે સાથે હથિયાર સપ્લાય કરનારનું નામ પણ સામે આવ્યું હોય તેને પણ ટૂંક સમયમાં ઉઠાવી લેવામાં આવશે. પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે પકડાયેલા સાતેય આરોપી સામે અલગ-અલગ પોલીસ મથકમાં કુલ 29 ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે.

બીજી બાજુ મરઘા ગેંગમાં સામેલ ત્રણ શખસોને પણ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હોય તેમની પણ આગવી ઢબે પૂછપરછ ચાલી રહી છે. જ્યારે એ ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલો જાવિદભાઈ જુણેજા ઉપરાંત સમીર ઉર્ફે મુરઘો સહિતનાની સઘન શોધખોળ ચાલી રહી હોય તેઓ પણ ટૂંક સમયમાં હાથમાં આવી જવાની શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી હતી. એકંદરે આ ગુનામાં સામેલ તમામ આરોપીઓને જે પ્રકારે પોલીસ દ્વારા ટ્રીટમેન્ટ અપાઈ રહી છે તે અત્યાર સુધી તેમને ક્યારેય ન મળી હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ગુનો કરી પોલીસ મથકમાં રજૂ થઈ જતા-પકડાઈ જતા એટલે કાયદાનું ભાન ન્હોતું…!
પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે પેંડા ગેંગના સાત લોકોને પકડવામાં આવ્યા છે તે પૈકી મહત્તમ રીઢા ગુનેગાર હોય આ તમામ ગુનો આચર્યા બાદ કાં તો પોલીસ મથકના હાથે પકડાઈ જતા અથવા તો સામેથી રજૂ થઈ જતા હોય તેમને કાયદાનું ભાન રહેતું ન્હોતું પરંતુ પહેલીવાર આ ગુનાની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે સાથે સાથે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આગવી ઢબે સરભરા કરવામાં આવી હોય તેની `અસર’ લાંબા ગાળા સુધી રહેશે તે નિશ્ચિત છે. વળી, તમામ સામે ગુજસીટોકનું શસ્ત્ર પણ તૈયાર જ હોવાથી મજબૂત બોધપાઠ મળશે.
