UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસ પરીક્ષા–2025ના આખરી પરિણામો જાહેર થયા છે, જેમાં ગુજરાતની પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થા ‘સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થા’ (SPIPA) એ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સ્પીપા ખાતે તાલીમ મેળવનારા ૩૪ જેટલા તેજસ્વી ઉમેદવારોની અંતિમ પસંદગી અખિલ ભારતીય સેવાઓ માટે થઈ છે. આ સફળતામાં ગુજરાતના ઉમેદવાર નિસાર દિશાંતે સમગ્ર દેશમાં 19મો રેન્ક પ્રાપ્ત કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
વર્ષ 2025ની સફર મે મહિનામાં લેવાયેલી પ્રિલિમ પરીક્ષાથી શરૂ થઈ હતી, જેમાં સ્પીપાના 272 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા. ત્યારબાદ, નવેમ્બરમાં જાહેર થયેલા મુખ્ય પરીક્ષાના પરિણામમાં 82 ઉમેદવારોએ પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યુ) માટે સ્થાન મેળવ્યું હતું. સ્પીપા દ્વારા આ ઉમેદવારોને ખાસ નિષ્ણાંતો દ્વારા 15 જેટલા ‘મોક ઇન્ટરવ્યુ’ અને વિશેષ વ્યાખ્યાનો આપીને સજ્જ કરવામાં આવ્યા હતા. 05 માર્ચ 2026ના રોજ જાહેર થયેલા અંતિમ 958 ઉમેદવારોની યાદીમાં સ્પીપાના ૩૪ ઉમેદવારોએ સ્થાન મેળવી સંસ્થાની તાલીમની ગુણવત્તા સાબિત કરી છે.
આ પણ વાંચો :અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
આ માહિતી આપતાં સ્પીપા, અમદાવાદના ડિરેક્ટર ચંદ્રેશ કોટકે કહ્યું હતું કે, સ્પીપાના મહાનિદેશક હારિત શુક્લાના માર્ગદર્શન હેઠળ સંસ્થા છેલ્લા ત્રણ વર્ષથી સતત પ્રગતિ કરી રહી છે. વર્ષ 2023માં 26 અને 2024માં 27 ઉમેદવારો સફળ થયા હતા, જેની સરખામણીએ આ વર્ષે 34 ઉમેદવારો સાથે સફળતાનો આંકડો ઊંચો ગયો છે. સંસ્થા દ્વારા ઉમેદવારોને નિઃશુલ્ક તાલીમ, અત્યાધુનિક લાઈબ્રેરી અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે આર્થિક રીતે સામાન્ય વર્ગના યુવાનો માટે વરદાન સાબિત થઈ રહી છે.
GPSC એ અયોગ્ય ઠેરવેલા, UPSCમાં 115મો રેન્ક મેળવ્યો
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની મૂલ્યાંકન પદ્ધતિ સામે સવાલ કરતી ઘટના આમાં એ બની છે કે, બનાસકાંઠાના વિપુલ કરમણભાઈ ચૌધરીએ યુપીએસસીના ઈન્ટરવ્યુ બાદ દેશભરમાં 115મો રેન્ક મેળવી સફળતાથી અખિલ ભારતીય સનદી સેવામાં પસંદગી પામ્યા છે. પરંતુ થોડા જ વર્ષ પૂર્વે તેમણે જીપીએસસીમાં ફાઈનલ પાસ કરી અને ઈન્ટરવ્યુમાં પહોંચ્યા ત્યારે જીપીએસસીએ તેમને અયોગ્ય ઠેરવી તેમની પસંદગી નકારી હતી.
