30મીએ સવારે 11 વાગ્યે બે મિનિટ માટે ગુજરાત થંભી જશે
શહીદદિન નિમિતે રાજ્યસરકારે તમામ કચેરીઓ અને નાગરિકોને બે મિનિટનું મૌન પાડવા કરી અપીલ
આગામી તા.30મીએ શહીદ દિન નિમિતે સમગ્ર દેશમાં બે મિનિટનું મૌન પાડી વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે જે અંતર્ગત ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્યના નાગરિકોને શહીદ દિન નિમિતે સવારે 11 કલાકે કામકાજના સ્થળે તેમજ જ્યાં હાજર હોય તે સ્થળે બે મિનિટનું મૌન પાડવા અપીલ કરી કરી છે.
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર થકી તમામ વિભાગોને સૂચના આપી જણાવ્યું છે કે, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરી 2025ને ગુરૂવારના રોજ શહીદ દિને સવારે 11 વાગ્યે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવે છે અને આખા દેશમાં શકય હોય તેહેલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ તે બે મિનિટ પૂરતી બંધ રાખવામાં આવે છે.જે અંતર્ગત આગામી 30મી જાન્યુઆરીએ સવારે 11 કલાકે બે મિનિટ મૌન પાળવા સુચના આપવામાં આવે છે.
30મી જાન્યુઆરી શહીદ દિનના રોજ સવારે 11 કલાકે સમગ્ર રાજયમાં બે મિનિટ મૌન પાળવાનું અને કામકાજની અને વાહન વ્યવહારની ગતિ તેટલો સમય બંધ રાખવાની રહેશે. જે સ્થળે સાયરનની વ્યવસ્થા કે સેનાની તોપની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10.59 કલાકે એક મિનિટ માટે એટલે કે, 11 કલાક સુધી સાયરન વગાડી કે તોપ ફોડી બે મિનિટ માટે મૌન પાળી સુચના આપવાની રહેશે અને બે મિનિટ બાદ એટલે કે 11.02 કલાકથી 11.03 કલાક સુધી સાયરન ફરીથી વગાડવાની રહેશે અને ત્યારબાદ રાબેતા મુજબનું કામકાજ શરૂ કરવા જણાવવામાં આવ્યું છે.