આજે વિશ્વ કપાસ દિવસ : કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા નંબરે
૨૬.૮ લાખ હેકટર. વાવેતર વિસ્તાર, ૯૨ લાખ ગાંસડી ઉત્પાદન અને ૫૮૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેકટરની ઉત્પાદકતા
નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું: કૃષિ મંત્રી રાઘવજી પટેલ
મનુષ્ય જીવનની ત્રણ મૂળભૂત જરૂરીયાતો એટલે રોટી, કપડાં અને મકાન. રોટી પછીની મહત્વપૂર્ણ જરૂરિયાત કપડાં માટે કપાસ ખૂબ જ જરૂરી છે. એ જ કપાસના મહત્વને ઉજાગર કરવા સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૭ ઓકટોબરને “વિશ્વ કપાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘સફેદ સોના’ તરીકે ઓળખાતા કપાસ સાથે ગુજરાતનો સંબંધ વર્ષો જૂનો છે. અનેક દાયકાઓથી કપાસના વાવેતર અને સુધારણા માટે ગુજરાત જાગૃત, પ્રયત્નશીલ અને અગ્રેસર રહ્યું છે.
ભારત અને ગુજરાતના અર્થતંત્રમાં કપાસ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. તેનું ઉદાહરણ જોઈએ તો, ગુજરાતની વર્ષ ૧૯૬૦માં સ્થાપન થઈ ત્યારે ગુજરાતની કપાસ ઉત્પાદકતા માત્ર ૧૩૯ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર હતી, જે આજે વધીને આશરે ૬૦૦ કિ.ગ્રા રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે. આ આંકડા પરથી જ અંદાજ લગાવી શકાય કે, સંશોધન, વિસ્તરણ, સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને ખેડૂતોના અથાગ પ્રયત્નોથી રાજ્યને અબજો રૂપિયાની આવક કપાસ દ્રારા થઇ છે. જે કોઈપણ રાજ્યના અર્થતંત્ર માટે નાની-સૂની બાબત નથી.
તેમણે જણાવ્યું કે, ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતનું ચિત્ર બદલાયું છે. તેમના સબળ નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ પ્રયાસોના પરિણામે વર્ષ ૨૦૦૧-૦૨ સુધી ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર જે ૧૭.૪૦ લાખ હેક્ટર હતો, તે વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં વધીને ૨૬.૮૩ લાખ હેક્ટર થયો છે. સાથે જ, કપાસનું ઉત્પાદન પણ ૧૭ લાખ ગાંસડીથી વધીને વર્ષ ૨૦૨૩-૨૪માં ૯૨.૪૭ લાખ ગાંસડી અને ઉત્પાદકતા ૧૬૫ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટરથી વધીને વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૫૮૯ કિ.ગ્રા. રૂ પ્રતિ હેક્ટર સુધી પહોંચી છે.
આટલું જ નહીં, વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત રાજ્ય ૨૨.૪૫ લાખ હેક્ટરના વાવેતર વિસ્તાર, ૭૩.૮૮ લાખ ગાંસડી ઉત્પાદન અને ૫૫૯ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં દ્વિતીય ક્રમ ધરાવતું રાજ્ય બન્યું હતું. આજે પણ ગુજરાત દ્વિતીય ક્રમે યથાવત છે. રાજ્ય સરકારની અનેકવિધ પ્રોત્સાહન આપતી યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનાર સમયમાં ગુજરાત સમગ્ર દેશના કપાસ ઉત્પાદનનું હબ બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ ગુજરાતનું રહેશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.