ગુજરાત બજેટ 2025 : નાણામંત્રીની ‘બજેટ પોથી’ બની આકર્ષણનું કેન્દ્ર, જાણો લાલ પોથીની વિશેષતા
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુરુવારે વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કરશે. આ બજેટમાં અનેકવિધ નવી યોજનાઓ અને વિકસિત ગુજરાતની છાંટ જોવા મળશે તેવું લાગી રહ્યુ છે. પહેલા લોકસભા અને પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને ખોબલે ખોબલે મત આપનારા મતદારો માટે થેન્ક્સ ગીવીંગ સમાન હશે તેવું સુત્રોએ કહ્યું છે.ત્યારે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભા ખાતે વર્ષ 2025-2026 નું અંદાજપત્ર રજૂ કરવા આવી પહોચ્યા છે. ત્યારે નાણા મંત્રીએ તેમની સાથે રેગ્યુલર બેગની જગ્યાએ ખાસ પ્રકારના લાલ રંગની પોથીમાં બજેટ ભાષણ માટે રાખ્યું હતું.

આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વાર્લી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ કલા અંકિત કરેલી છે. સાથે ભારતના રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભને દર્શાવેલ છે. આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી અને કચ્છી સમાજની આગવી ઓળખને પણ સાંકળવામાં આવી છે.

ગુજરાતના અંદાજપત્રની ખાસ પ્રકારની લાલ પોથીની વિશેષતા…
✨ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવા વિધાનસભા આવી પહોંચેલા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરું આકર્ષણ જમાવ્યું…

✨ નાણામંત્રીના હાથમાં રહેલી લાલ કલરની આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ આહીર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે. ઉપરાંત ભારતના રાજચિહ્ન અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે…

વારલી ચિત્રકલાની વિશેષતા
વારલી એ લગભગ ૧૨૦૦ વર્ષ જૂની અને લુપ્ત થઈ રહેલી એક વિશેષ ચિત્રકલા છે. આ ચિત્રકલા મુખ્યત્વે ત્રિકોણ ગોળ અને ચોરસ જેવા જુદા-જુદા ભૌમિતિક આકારની મદદથી બનાવવામાં આવે છે. આ ભૌમિતિક આકારોની મદદથી ચૂલે રસોઈ કરતી સ્ત્રી, કૂવામાંથી પાણી સિંચતી સ્ત્રી કે પાણી ભરતી સ્ત્રી, ઘાસ કે લાકડાનો ભારો ઉચકીને લઈ જતી સ્ત્રી, સુપડાથી ધાન સાફ કરતી સ્ત્રી, લાકડા કાપતો પુરુષ, ખેતરમાં હળ હાંકતો પુરુષ, ગાડુ હાંકતો પુરુષ અને ઢોર ચારતા પુરુષ જેવી રોજ-બરોજની ઘટનાઓને ચિત્રાંકિત કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ પાલતુ પશુઓ – ગાય, બળદ, કુતરા, બકરા તેમજ અન્ય પ્રાણીઓ સાથે વિવિધ પ્રકારના વૃક્ષો પણ ચીતરવામાં આવે છે. વધુમાં, પંચોલા દેવ, નાગદેવ, સૂર્યદેવ જેવા દેવી-દેવતાઓ ઉપરાંત પ્રસંગોપાત ચિત્રો પણ ચિતરવામાં આવે છે.