મોરબી, દ્વારકા, પાલિતાણા અને રાજુલા સહિત 11 શહેરોમાં બનશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ : PM મોદીના જન્મસ્થળે સૌથી પહેલા એરપોર્ટનું નિર્માણ શરૂ થશે
- વડાપ્રધાન મોદીના જન્મસ્થળ વડનગર અને દ્વારકામાં સૌથી પહેલા એરપોર્ટનું નિર્માણ શરૂ થશે.
- પોરબંદર, ભાવનગર, વડોદરા અને સુરત એરપોર્ટનું વિસ્તરણ કરવા વિચારણા
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની ગયું છે અને ધોલેરામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યુ છે. બીજી બાજુ પ્રવાસીઓ અને યાત્રાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે ૧૧ શહેરોમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનું મન બનાવ્યુ છે અને તેની પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે. આ ૧૧ પૈકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર અને દ્વારકામાં સૌથી પહેલા એરપોર્ટ બનાવવામાં આવશે. આ સિવાય અન્ય જે શહેરોમાં એરપોર્ટ બનાવવાનું નક્કી થયું છે તેમાં મોરબી, પાલિતાણા, રાજુલા, બોટાદ, , ધોરડો, રાજપીપળા, અંકલેશ્વર, દાહોદ અને ધોળાવીરાનો સમાવેશ થાય છે. આ તમામ શહેરોમાં પ્રાથમિક સર્વેની કામગીરી પૂરી થઇ ગઈ હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યુ છે. સરકાર પોરબંદર, ભાવનગર, વડોદરા અને સુરતના એરપોર્ટના આગામી બે વર્ષમાં વિસ્તરણની યોજના પણ ધરાવે છે.

સરકારી સુત્રોએ કહ્યું હતું કે, આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બન્યા પછી પ્રવાસીઓ અને યાત્રાળુઓ હવાઈ સેવા દ્વારા સીધા જ ગુજરાતના લોકપ્રિય સ્થળોએ પહોંચી શકશે. આ એરપોર્ટ માટે 2025-26ના બજેટમાંથી મોટી ફાળવણી પણ કરવામાં આવી છે. સ્થાનિક હવાઈ મુસાફરી અને પ્રવાસીઓનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો હોવાથી સરકાર આ એરપોર્ટ બનાવવા જઈ રહી છે. આ એરપોર્ટ માટે સરકાર દ્વારા પ્રાથમિક તબક્કે આશરે રૂ. 300 કરોડ ફાળવવામાં આવે તેવી શક્યતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરની વધતી જતી લોકપ્રિયતા અને અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની વધતી જતી ભીડને કારણે આ એરપોર્ટનું કામ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું કે દ્વારકા અને વડનગર નજીકના ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે પ્રાથમિક શક્યતા અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. ઉત્તર ગુજરાતની સ્થાનિક વસ્તી અને મુખ્ય સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓની સરળતા માટે વડનગર અને અંબાજી નજીક જમીનની પસંદગીની કાર્યવાહી ચાલી રહી છે અને પસંદગી થયા પછી જમીન સંપાદન શરૂ થશે
સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ
- દ્વારકા
- વડનગર
- અંકલેશ્વર
- મોરબી
- રાજપીપળા
- બોટાદ
- ધોરડો
- રાજુલા
- દાહોદ
- ધોળાવીરા
- પાલીતાણા
સરકાર નવી એવિએશન પોલિસી બનાવી રહી છે
અધિકારીઓએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર નવી સિવિલ એવિએશન પોલિસી પણ લાવવા માગે છે. ગુજરાતમાં એર કનેક્ટિવિટી વધે અને સુવિધામાં વધારો થાય તે સહિતની બાબતોને આ પોલિસીમાં આવરી લેવામાં આવશે. હાલમાં આ પોલિસી ઘડવાનુ કામ ચાલુ થઇ ગયુ છે. ગુજરાતમાં હાલમાં ઇન્ટર સિટી હેલીકોપ્ટર સેવા ચાલુ નથી પરંતુ આ સેવા શરુ થાય અને જુદા જુદા શહેરોને તેનો લાભ મળે તે બાબતને પણ આ પોલિસીમાં આવરી લેવામાં આવશે.