સૌરાષ્ટ્રમાં મેઘકૃપા ! વાવણી ઉપર ધીમીધારે વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી 6 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસવા અંગે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે સોમવારે સવારથી સૌરાષ્ટ્રમાં ફરી મેઘસવારી આવી પહોંચી હોય તેમ પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થતા વાવેતર ઉપર કાચું સોનુ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગામી તા.7 જુલાઈ સુધી સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ઉદભવેલી સિસ્ટમ આગામી 6 જુલાઈ સુધીમાં વધુ મજબૂત બને તેમ હોય વરસાદનું જોર વધશે. બીજી તરફ સોમવારે રાજ્યમાં સૌથી વધુ મેઘકૃપા સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી જિલ્લામાં વરસી હતી.

આ પણ વાંચો : હૃદયરોગના દર્દીઓ માટે રાહતના સમાચાર : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ તારીખથી યુ.એન.મહેતાની ઓપીડી થશે શરૂ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ સવારે 6થી સાંજના 6 સુધીમાં સૌથી વધુ વરસાદ પોરબંદરના રાણાવાવમાં 3.03 ઈંચ, માણાવદર અને જૂનાગઢમાં અનુક્રમે અઢી ઈંચ, જામનગરના કાલાવડમાં અને દ્વારકામાં સવા બે ઈંચ, કચ્છના મુન્દ્રા અને જામ ખંભાળિયામાં 2 ઈંચ, ભાણવડ, લાલપુર અને લોધીકામાં પોણા બે ઈંચ, જામજોધપુર, વંથલી, જોડિયા અને ગોંડલમાં દોઢ ઈંચ, જામનગરના ધ્રોલ, કચ્છના માંડવી અને પોરબંદરના કુતિયાણામાં સવા ઈંચ સહિત રાજ્યના 132 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.આજે પણ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.