રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લુણીવાવમાં ખેડૂતના ઘરે કર્યું ગાયનું દોહન:ખેડૂત ભાઈઓને સમજાવ્યું ગાય અને પ્રાકૃતિક કૃષિનું મહત્વ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજકોટની મુલાકાતે છે ત્યારે ગઇકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ તેમણે ગોંડલ તાલુકાના લુણીવાવ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. ગ્રામ્ય જીવનની સાદગીને અનુરૂપ લુણીવાવ પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં તેઓ રાત રોકાયા હતા. ત્યારબાદ રાજ્યપાલે લુણીવાવમાં ખેડૂતના ઘરે ગાયનું દોહન કરી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ગાય અને પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવ્યું હતું.

ખેતી, ગાય અને ગ્રામ્ય સંસ્કૃતિનું મહત્વ સમજાવતા રાજ્યપાલ આજે વહેલી સવારે ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પંકજભાઈ મારકણાના ખેતર પર પહોંચ્યા હતા. અહીં તેમણે બળદ ગાડું ચલાવ્યું હતું. બાદમાં ખેતરમાં જાતે જ મકાઈની કાપણી કરીને ગાય માટે ચારો તૈયાર કર્યો હતો. પછી ગાયને ચારો આપીને દોહન કર્યું હતું. તેમણે પંકજભાઈના ખેતરની મુલાકાત લઈને પ્રાકૃતિક પદ્ધતિથી ઊગેલા ચણા, વટાણા સહિતના પાકનું નિરીક્ષણ કર્યું હતું. આ પાકમાં ફૂલ તેમજ ચણાના ફળ ખૂબ સારા જોવા મળ્યા અને તમામ પાક કીટક અને બીમારીમુક્ત જોવામાં આવ્યો હતો.

ખેડૂત પંકજભાઈ મારકણાની દીકરી એન.સી.સી.માં હોવાનું જાણીને રાજ્યપાલએ આનંદ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, અભ્યાસ પણ જરૂરી છે અને કૃષિ કાર્ય પણ જરૂરી છે.

આ સમયે આસપાસના ખેડૂતો રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. આ તકે રાજ્યપાલએ તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. જીવામૃત, ઘન જીવામૃત કેમ બનાવાય તેની સરળ અને ઊંડાણપૂર્વકની માહિતી સાથે તેના અગણિત ફાયદા જાણીને ખેડૂતો પ્રેરિત થયા હતા.

રાજ્યપાલએ ખેડૂતોને કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી જમીન એટલી ફળદ્રુપ અને શક્તિશાળી બને છે કે તેમાં બીમારીઓ આવતી નથી. તેમણે ખેડૂતોને ખાસ આગ્રહ કર્યો હતો કે, આ પ્રાકૃતિક ખેતર જોઈને પ્રેરણા લો અને રાસાયણિક ખાતર છોડો. તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અપનાવો અને જમીનને સોના જેવી ઉપજાઉ બનાવો. રાજ્યપાલની વાત સાંભળીને ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી. આમ અહીંનું ખેતર આજે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિની જીવંત પાઠશાળા બની ગયું હતું.

બાદમાં રાજ્યપાલએ કપાસના એક ખેતરમાં કપાસ વીણવાનું કામ ચાલતું જોઈ ખેતરની મુલાકાત લીધી હતી.

અહીં તેમણે ખેડૂતોની સાથે ખભેખભો મિલાવીને જાતે કપાસના કાલા વીણ્યા હતા અને ખેડૂત સાથે સંવાદ કરતા તેને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરણા આપી હતી.
