સરકારી કર્મચારીઓ આનંદો… દિવાળી પર્વ નિમિત્તે 1 નવેમ્બરે તમામ કચેરીઓમાં રાજ્યસરકાર દ્વારા રજા જાહેર
દિવાળીનો તહેવાર શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. દિવાળી, રોશની અને ખુશીઓનો તહેવાર, દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. પ્રકાશનું પર્વ 28મી ઓક્ટોબર 2024 વાઘબારસથી શરૂ થશે. સરકારી કેલેન્ડરમાં દિવાળીનો ઉલ્લેખ 31મી ઓક્ટોબર તરીકે કરવામાં આવ્યો છે અને 2જી નવેમ્બરના બેસતું વર્ષ છે. 1લી નવેમ્બરના રોજ પડતર દિવસ છે ત્યારે સરકારી કચેરીઓ ચાલુ હતી ત્યારે હવે રાજ્યસરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પર્વ નિમિત્તે 1 નવેમ્બરે તમામ કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, સામાન્ય વહીવટ વિભાગના ઉપર વંચાણે લીધેલ જાહેરનામાથી કેલેન્ડર વર્ષ 2024 માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવી છે. તે મુજબ 31 ઓક્ટોબર 2024ને ગુરૂવારના રોજ દિવાળીની જાહેર રજા, તા. 2 નવેમ્બર 2024ને શનિવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા તથા તા. 3 નવેમ્બર 2024ના રોજ રવિવાર / ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. જ્યારે આ રજાઓ વચ્ચે તા. 1 નવેમ્બર 2024ને શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ હતી ત્યારે હવે કર્મચારીઓ સળંગ રજા માણી શકશે.
દિવાળી પર્વમાં સરકારી અધિકારી / કર્મચારીઓ તહેવારો માણી શકે તે હેતુસર તા. 1 નવેમ્બર 2024, શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ (પંચાયત અને રાજય સરકારના બોર્ડ / કોર્પોરેશન સહિત) બંધ રહેશે અને તેના બદલામાં તા. 9 નવેમ્બર 2024ને બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે. આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.